VADODARA : વડોદરા-ભરૂચ એક્સપ્રેસ-વે પર ટોલ નાકા પાસે લાંબી કતારો નજરે પડી
VADODARA : દિલ્હી-મુંબઇ 8 લેન એક્સપ્રેસ વે (Delhi - Mumbai Expressway) નો વડોદરા-ભરૂચનો પટ્ટો (Vadodara - Bharuch Route) અવર-જવર માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ હાઇ-વે શરૂ કરવામાં આવ્યો ત્યારથી પ્રતિબંધિત વાહનોની અવર-જવર માટે અવાર-નવાર ચર્ચામાં આવે છે. ત્યારે આજે ભરૂચથી વડોદરા તરફ આવતા પટ્ટા પર ટોલનાકા પાસે વાહનોની લાંબી કતારો જામી હોવાનું હાલ સપાટી પર આવી રહ્યું છે. આ અંગે પ્રાથમિક સુત્રોએ જણાવ્યું કે, ટોલ વસુલવાની કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાથી તહેવાર ટાણે સમય બચાવવા માટે 8 લેન હાઇવે પર આવેલા લોકોએ લાંબો સમય વાટ જોવી પડી હતી.
આશરે અઢી કિમી જેટલી વાહનોની લાંબી કતારો જોવા મળી
દિલ્હી-મુંબઇ 8 લેન એક્સપ્રેસ હાઇવે પર ઝડપથી બંને શહેરો વચ્ચેનું અંતર કાપી શકાય છે. જેના કારણે કાર અને ભારદારી વાહનો અહિંયાથી જવાનું વધારે પસંદ કરે છે. તહેવાર ટાણે માલની અવર-જવર વધારે રહેતી હોય છે, તેવામાં ભરૂચથી વડોદરા તરફ આવતા ટોલ નાકા પર આજે આશરે અઢી કિમી જેટલી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. જેના કારણ અંગે ટોલ વસુલવાની કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલતી હોવાનું પ્રાથમિક સુત્રો જણાવી રહ્યા છે. જેને પગલે 8 લેન હાઇવે પર થઇને જલ્દી પહોંચવા માટે નિકળેલા વાહનો ટ્રાફીક જામ જેવી પરિસ્થિતી વચ્ચે ફસાયા હતા.
પ્રતિબંધિત વાહનો બિંદાસ્ત રીતે અહિંયાથી પસાર થાય
અત્રે ઉલ્લેખનીય છે કે, આ હાઇ-વે જ્યારથી શરૂ કરવામાં આવ્યો છે, ત્યારથી અવાર-નવાર અનેક કારણોસર ચર્ચામાં રહે છે. મોટા ભાગના કિસ્સાઓમાં પ્રતિબંધિત વાહનો બિંદાસ્ત રીતે અહિંયાથી પસાર થતા હોવાના વીડિયો સોશિયલ મીડિયા મારફતે આપણી સામે આવતા રહે છે. જો કે, વાહનોની કતારોના વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતા તંત્ર કેટલા સમયમાં તેનો ઉકેલ લાવી આપે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો -- VADODARA : વડોદરા એરપોર્ટને ધમકીભર્યો મેસેજ મળતા સઘન તપાસ