VADODARA : ભગવાન વિઠ્ઠલનાથજીના વરઘોડાની તૈયારીઓ પૂર્ણતાના આરે
VADODARA : વડોદરા (VADODARA) માં ભગવાન વિઠ્ઠલનાથજી (BHAGWAN VITTHAL NATH JI) નો 215 મો વરઘોડો આવતી કાલે દેવઉઠી અગિયારસના દિવસે નીકળનાર છે. જેને લઇને તમામ પૂર્વ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજવી પરિવાર દ્વારા પૂજન, આરતી કર્યા બાદ આ વરઘોડાને પ્રસ્થાન કરાવવામાં આવશે. આ વરઘોડો સવારે 11 વાગ્યે નિજ મંદિરેથી નીકળશે અને ત્યાર બાદ હરિહરનું મિલન, તુસલી વિવાહ સંપન્ન કરીને સાંજે પરત ફરશે. આ અંગેના તમામ કાર્યક્રમોમાં જોડાવવા માટે વિઠ્ઠલનાથજી મંદિર પરિવાર દ્વારા સૌ કોઇને ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
માંયરાની તૈયારીઓ થઇ રહી છે
ભગવાન વિઠ્ઠલનાથજીના મહારાજએ મીડિયાને જણાવ્યું કે, 12, નવેમ્બરના રોજ દેવઉઠી એકાદશી શ્રી વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળશે. ભગવાન વિઠ્ઠલનાથજી જે પાલખીમાં બેસીને નગરચર્યાએ નીકળશે, તેની તૈયારી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. હાલ પાલખીને શણગારવામાં આવી રહી છે. સાથે જ જે સભા મંડપમાં ભગવાનના તુલસી વિવાહ થવાના છે, ત્યાં પણ માંયરાની તૈયારીઓ થઇ રહી છે.
8 - 11 સુધી ભગવાનના શાસ્ત્રોક્ત રીતે તુલસી વિવાહ યોજાશે
તેમણે ઉમેર્યું કે, વરઘોડાના દિવસે મંગળા આરતી સવારે ત્રણ વાગ્યે છે, શૃંગાર આરતી સવારે સાત લાગ્યે, રાજભોગ આરતી આઠ વાગ્યે, વરઘોડાની આરતી નવ વાગ્યે, અને રાત્રે 8 વાગ્યે શયન આરતી થશે. ત્યાર બાદ 8 - 11 સુધી ભગવાનના શાસ્ત્રોક્ત રીતે તુલસી વિવાહ યોજાશે. પ્રતિ વર્ષ જે રીતે ગાયકવાડ પરિવાર મંદિરના વરઘોડામાં આવે છે, પૂજન-અર્ચન-આરતી કરે છે. અને વરઘોડાને પ્રસ્થાન કરાવે છે. આ વર્ષે પણ ગાયકવાડ પરિવારના સભ્યો આવશે.
વરઘોડાના સમય દરમિયાન મંદિરમાં પણ દર્શન ખુલ્લા રહેશે
વધુમાં તેમણે જણાવ્યું કે, આ વરઘોડો માંડવી થઇને બપોરે એક વાગ્યે જ્ઞાનેશ્વર મહાદેવ પહોંચશે. જ્યાં હરિહરનું મિલન થશે. ભોગ આરતી થશે. ત્યાંથી વરઘોડો ઘીકાંટા ટાવર થઇને સાંજે પાંચ વાગ્યે મંદિરમાં પરત આવશે. આ વરઘોડાના સમય દરમિયાન મંદિરમાં પણ દર્શન ખુલ્લા રહેશે. તમામને કાર્યક્રમોમાં જોડાવવા માટે વિઠ્ઠલનાથજી પરિવાર તરફથી ભાવભીનું આમંત્રણ છે.
આ પણ વાંચો -- VADODARA : દાદા ભગવાનની ખાસ સ્મરણિકા ટપાલ ટિકિટનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન