VADODARA : અમિત નગર સર્કલને મળ્યું નવું ST સ્ટેન્ડ, ખાનગી વાહનો ભૂતકાળ બનશે
VADODARA : વડોદરા (VADODARA) ના કારેલીબાગ વિસ્તારમાં આવેલા અમિત નગર સર્કલ (AMIT NAGAR, CIRCLE - VADODARA) થી અમદાવાદ તરફ જતા રસ્તામાં આવતા રૂટ પર જવા માટે ખાનગી વાહનોનો ભારે જમાવડો જોવા મળતો હતો. જેના કારણે ક્યારેક મારા મારીની તો ક્યારેક ખીચોખીચ ભરેલા વાહનોના અકસ્માતની ઘટનાઓ સામે આવતી હતી. જેના કારણે ઘણો વિવાદ થતો હતો. આ તમામને ભૂતકાળ બનાવે તેવો નિર્ણય આજે વડોદરા એસટી (VADODARA ST DEPARTMENT) વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. આજથી અમિત નગર સર્કલ પાસે એસસી સ્ટેન્ડ શરૂ કરવામાં આવ્યું છે. અહિંયાથી મુસાફરો લાંબા-ટુંકા ગાળાની મુસાફરી કરી શકશે, તેવો આશાવાદ એસટી અધિકારીએ મીડિયા સમક્ષ વ્યક્ત કર્યો છે.
લાભ પાંચમના દિવસે અમિતનગર એસટી બસ સ્ટેન્ડની શરૂઆત કરવામાં આવી
વડોદરાનું અમિત નગર સર્કલ અનેક કારણોસર ચર્ચામાં આવતું હતું. ખાસ કરીને અહિં ખાનગી વાહનોમાં ઠાંસી ઠાંસીને મુસાફરોને લઇ જવામાં આવતા હતા. જેના કારણે ક્યારેક રોડ અકસ્માત તો ક્યારે અંદરોઅંદરની લડાઇઓ સામે આવતી હતી. હવે આ તમામનો અંત આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. આજથી લાભ પાંચમના દિવસે વડોદરા એસટી વિભાગ દ્વારા અમિતનગર એસટી બસ સ્ટેન્ડની શરૂઆત કરવામાં આવી છે. અહિંયા આવતી-જતી તમામ બસો ઉભી રહેશે. અને મુસાફરોને તેનો લાભ મળશે.
ઘણા સમયથી બસો ઉભી રાખવાનું બંધ હતું
ST વિભાગના કર્મીએ મીડિયાને જણાવ્યું કે, વડોદરા એસટી વિભાગ દ્વારા મુસાફરોની સુવિધાઓ માટે અગત્યના પોઇન્ટ પરથી મુસાફરોને બેસવા-ઉતરવાની સુવિધાઓ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને અમિત નગર પોઇન્ટ પર ઘણા સમયથી બસો ઉભી રાખવાનું બંધ હતું. જેને અહિંયાથી લઇને સમા ખાતે લઇ જવામાં આવ્યું હતું. ત્યાં સંચાલન ચાલુ હતું. ત્યાંથી મુસાફરોને બેસાડવામાં આવતા હતા. પરંતુ મુસાફરોની સુવિધાને ધ્યાને રાખીને લાભપાંચમના દિવસે અમિતનગર સર્કલના પોઇન્ટ ઉપર સુવિધાઓ ચાલુ કરી છે.
વિભાગીય નિયામક દ્વારા આપવામાં આવેલા આદેશ મુજબ આજથી સેવાઓ શરૂ
વધુમાં તેમણે જણાવ્યું કે, અહિંયા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તથા અન્યત્રેથી આવતી-જતી તમામ બસો ઉભી રહેશે. ટ્રાફીક મેનેજમેન્ટની કમિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના અનુસંધાને અમને વિભાગીય નિયામક દ્વારા આપવામાં આવેલા આદેશ મુજબ આજથી સેવાઓ શરૂ કરવામાં આવી છે. આ પોઇન્ટ અમિત નગરથી પ્રખ્યાત હોવાથી તેનું નામ અમિત નગર બસ સ્ટેન્ડ જ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : ફરજ ઉપર સતત ગેરહાજર રહેનારા ત્રણ સરકારી કર્મીઓને પાણિચું