VADODARA : 30 વર્ષ પછી કાંસની સફાઇનું મૂહુર્ત નીકળ્યું, એક ડઝન ટ્રેક્ટર સ્લરી કઢાઇ
VADODARA : વડોદરા (VADODARA) માં ચોમાસા પૂર્વે શાસ્ત્રી બાગથી કલાદર્શન પરિવાર ચાર રસ્તા સુધી કરોડો રૂપિયાના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો હતો. માનવસર્જિત પૂર (HUMAN MADE FLOOD - VADODARA) સમયે આ વિસ્તારમાં પાણી ભરાઇ જવાની સમસ્યા થતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. તે ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે કલાદર્શન નજીક રોડ તોડીને વરસાદી કાંસનું સાફ-સફાઇ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્ય આશરે 30 વર્ષ પછી હાથ ધરવામાં આવ્યું હોવાનું સ્થાનિક સુત્રો જણાવી રહ્યા છે. ત્રણ જગ્યાએ કરાયેલી સાફસફાઇમાં એક ડઝન જેટલા ટ્રેક્ટર ભરીને સ્લરી કાઢવામાં આવી છે.
નિરીક્ષણ ખુદ કોર્પોરેટર આશિષ જોષી કરી રહ્યા છે
પ્રિમોન્સુનના નામે તકલાદી કામગીરી કરવાના કારણે વડોદરાવાસીઓએ માનવસર્જિત પૂરનો સામનો કરવો પડ્યો હતો. અનેક લોકોએ ઘરમાં પાણી સાથે દિવસો અને રાતો વિતાવવા પડ્યા હતા. ત્યારે હવે આ ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે કોર્પોરેટર અને પાલિકાનું તંત્ર સતર્ક બન્યું છે. શહેરમાં પાણી ભરાવવાના વિસ્તારો પૈકી એક કલાદર્શન ચાર રસ્તા હતો. અહિંયા આશરે 30 વર્ષ બાદ રસ્તો ખોદીને વરસાદી કાંસનું સફાઇ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જેનું નિરીક્ષણ ખુદ કોર્પોરેટર આશિષ જોષી કરી રહ્યા છે.
રસ્તાને કુલ 12 જગ્યાએથી ખોદી કાઢવામાં આવ્યો છે
સફાઇ દરમિયાન વરસાદી કાંસમાં ત્રણ ત્રણ ફૂટ જેટલા મોટા સ્લરીના થર મળી આવ્યા હતા. ત્રણ જગ્યાએ ખોદકામ કરીને હાથ ધરવામાં આવેલા સફાઇ કાર્યમાં એક ડઝન જેટલા ટ્રેક્ટર ભરીને સ્લરી કાઢવામાં આવી છે. અને તેનો નિકાલ કરવામાં આવ્યો છે. આ કાર્ય માટે રસ્તાને કુલ 12 જગ્યાએથી ખોદી કાઢવામાં આવ્યો છે. જેને લઇને આગામી સમયમાં વધુ સ્લરી નીકળેે તો નવાઇ નહીં. આ કાર્ય જો પ્રિમોન્સૂન કામગીરી સમયે જ કરી લેવામાં આવ્યું હોત, તો લોકોએ પૂર સમયે ઓછું ભોગવવું પડ્યું હોત.
કામગીરી બાદ રોડ પર ઢીંગણા મારીને મુકી દેવાશે
તો બીજી તરફ કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા રોડને ખોદી કાઢવામાં આવ્યો છે. અને આ સફાઇની કામગીરી કરવામાં આવી છે. જેને લઇને લોકોમાં રોષ છે. આ કામગીરી બાદ રોડ પર ઢીંગણા મારીને મુકી દેવાશે. જેથી સારો રોડ ઉબડ-ખાબડ બનશે તેવું સ્થાનિક લોકોનું માનવું છે. જ્યારે કોર્પોરેટર આશિષ જોષી દ્વારા વિશ્વાસ વ્યક્ત કરાયો છે કે, આ કામગીરી બાદથી કલાદર્શન ચાર રસ્તા પાસેની સોસાયટીઓમાં પાણી ભરાઇ જવાની સમસ્યામાંથી મુક્તિ મળશે.
આ પણ વાંચો -- VADODARA : ઇન્વેસ્ટમેન્ટના પોર્ટફોલિયોમાં રૂ. 4.5 કરોડ બતાવતા હતા, પણ હકીકતે...