Surat: વિદ્યાર્થીનીએ WhatsApp status માં કંઇક એવો ફોટો મુક્યો કે......
અહેવાલ---આનંદ પટણી, સુરત વર્તમાન સમયમાં નાની નાની વાતોમાં માનસિક તણાવમાં આવીને કેટલાક લોકો અગમ્ય પગલું ભરી લેતા હોય છે. કોઈ વ્યક્તિ આર્થિક સંકડામણમાં તો કોઈ વ્યક્તિ પારિવારિક કંકાસમાં કે, પછી કોઈ યુવક કે યુવતીએ પરીક્ષાના ટેન્શનમાં આપઘાત (suicide)કર્યો હોવાની ઘટનાઓ...
Advertisement
અહેવાલ---આનંદ પટણી, સુરત
વર્તમાન સમયમાં નાની નાની વાતોમાં માનસિક તણાવમાં આવીને કેટલાક લોકો અગમ્ય પગલું ભરી લેતા હોય છે. કોઈ વ્યક્તિ આર્થિક સંકડામણમાં તો કોઈ વ્યક્તિ પારિવારિક કંકાસમાં કે, પછી કોઈ યુવક કે યુવતીએ પરીક્ષાના ટેન્શનમાં આપઘાત (suicide)કર્યો હોવાની ઘટનાઓ ભૂતકાળમાં પણ સામે આવી ચૂકી છે સુરત પોલીસ (Surat police) ના કારણે મેડિકલનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીનો જીવ બચી ગયો છે. વોટ્સએપ સ્ટેટસ (WhatsApp status )માં પંખા સાથે દોરડું બાંધેલો ફોટો આ વિદ્યાર્થીનીએ મૂક્યો હતો અને ત્યારબાદ પોલીસ કંટ્રોલમાં આ બાબતે વિદ્યાર્થીનીના કોઈ મિત્ર દ્વારા જાણ કરાઇ હતી, જેથી ખટોદરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા રાત્રિના સમયે ગર્લ્સ હોસ્ટેલમાં પહોંચી વિદ્યાર્થીનીને સમજાવી તેનું કાઉન્સેલિંગ કરી વિદ્યાર્થીનીનો જીવ બચાવવામાં આવ્યો હતો.
વોટ્સએપ સ્ટેટસમાં પંખા સાથે દોરડું બાંધેલું એક ફોટો મૂક્યો
સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ફિઝિયોથેરાપી ગર્લ્સ હોસ્ટેલમાં એક વિદ્યાર્થીની આત્મહત્યા કરે તે પહેલા જ ખટોદરા પોલીસની ટીમ દ્વારા આ વિદ્યાર્થીનીનો જીવ બચાવવામાં આવ્યો હતો. આ ઘટના બુધવારે મોડી રાતની છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી હોસ્ટેલમાં રહેતી અને ફિઝિયોથેરાપીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દ્વારા પોતાના વોટ્સએપ સ્ટેટસમાં પોતાના અમુક મિત્રોને દેખાય તે રીતે પંખા સાથે દોરડું બાંધેલું એક ફોટો મૂક્યો હતો. આ વાતની જાણ વિદ્યાર્થીના દેહરાદૂનના એક મિત્રને થતા તેમણે તાત્કાલિક જ સુરત પોલીસ કંટ્રોલરૂમમાં આ બાબતે જાણ કરી હતી. પોલીસ કંટ્રોલ રૂમ તરફથી આ બાબતે ખટોદરા પોલીસને માહિતી આપવામાં આવી હતી.
પોલીસ મધરાતે હોસ્ટેલમાં પહોંચી
કંટ્રોલરૂમમાંથી આ પ્રકારની માહિતી મળતા જ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI સુશીલા ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ શિવરાજ સિંહ, પોલીસ કોન્સ્ટેબલ ભરત પ્રજાપતિ અને પોલીસ કોન્સ્ટેબલ મનીષા બગડા તાત્કાલિક જ પોલીસ ઇન્સ્પેક્ટરની જીપ લઈ રાત્રે 1 વાગ્યે નવી સિવિલ હોસ્પિટલના ફિઝિયોથેરાપી હોસ્ટેલમાં પહોંચ્યા હતા.
પોલીસ વિદ્યાર્થીનીના રુમમાં પહોંચી
મહત્વની વાત છે કે ખટોદરા પોલીસ સ્ટેશનના સ્ટાફ પાસે જ્યારે કંટ્રોલમાંથી કોલ આવ્યો ત્યારે બાઈક હતી પરંતુ વરસાદ હોવાના કારણે તેઓ પોલીસ ઇન્સ્પેક્ટરની વાન લઈને નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ફિઝીયોથેરાપી હોસ્ટેલમાં પહોંચ્યા હતા અને ત્યારબાદ હોસ્ટેલના વોર્ડનને સમગ્ર બાબતે જાણ કરી હતી અને કંટ્રોલમાંથી મળેલી માહિતી અનુસાર વિદ્યાર્થીનીનો રૂમ બતાવવા જણાવ્યું હતું. ત્યારબાદ હોસ્ટેલના વોર્ડન દ્વારા ખટોદરા પોલીસની ટીમને વિદ્યાર્થીની જે રૂમમાં હતી તે રૂમ બતાવવામાં આવ્યો હતો.
ભારે સમજાવટ બાદ વિદ્યાર્થીનીએ રુમ ખોલ્યો
ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI અને તેમની સાથે ત્રણ કોન્સ્ટેબલ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ત્યારબાદ વિદ્યાર્થીનીને રૂમની બહાર આવવા માટે જણાવ્યું હતું પરંતુ વિદ્યાર્થીની રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો અને તે પોલીસ કર્મચારીઓને અહીંથી ચાલ્યા જાવ તેવું કહેતી હતી. જોકે ત્યારબાદ ASI શુસિલા ચૌધરી અને તેમની સાથે રહેલા કોન્સ્ટેબલ મનીષા બગડા, ભરત પ્રજાપતિ અને શિવરાજ સિંહ દ્વારા વિદ્યાર્થીનીને સમજાવવામાં આવી હતી અને ત્યારબાદ વિદ્યાર્થીની દ્વારા પોતાની રૂમનો દરવાજો ખોલવામાં આવ્યો હતો.
પરીક્ષાની તૈયારી ન થઈ હોવાના કારણે વિદ્યાર્થીની ડિપ્રેશનમાં આવી ગઈ હતી
વિદ્યાર્થીનીએ રૂમનો દરવાજો ખોલતાં જ તાત્કાલિક પોલીસ કર્મચારીઓ રૂમમાં પ્રવેશી ગયા હતા અને તેમને જોયું હતું કે વિદ્યાર્થીની એ ગળે ફાંસો ખાવા માટે પંખા સાથે એક દોરડું બાંધ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીની પરસેવે રેબઝેબ હતી, તો પોલીસ કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીનીની પૂછપરછ કરવામાં આવી અને જાણવા મળ્યું હતું કે, પરીક્ષાની તૈયારી પૂરતા પ્રમાણમાં ન થઈ હોવાના કારણે આ વિદ્યાર્થીની ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને તે આપઘાત કરવા કરવા જઈ રહી હતી. પરંતુ સમયસર સુરતની ખટોદરા પોલીસની ટીમ નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ ફિઝિયોથેરાપી હોસ્ટેલમાં પહોંચી ગઈ અને વિદ્યાર્થીનીનું કાઉન્સેલિંગ કરી તેનો જીવ બચાવ્યો હતો. આ ઉપરાંત પોલીસ કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીનીના પિતા કે જે અંકલેશ્વરના વતની છે તેમને રાત્રે જ સુરત બોલાવવામાં આવ્યા હતા.