SOU : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રૂ.284 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત-લોકાર્પણ
- વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સ્થળે નવા પ્રોજેક્ટ્સનો પ્રારંભ
- એકતા નગરમાં વિઝનરી વિકાસ: પર્યાવરણ અને પ્રવાસનને પ્રોત્સાહન આપતી નવી પહેલ
- સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલથી લઈ બોન્સાઈ ગાર્ડન સુધીના વિવિધ વિકાસકાર્યોનું શ્રેષ્ઠ નજરાણું
STATUE OF UNITY : પ્રકાશપર્વ દિવાળી (DIWALI - 2024) અને દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની પુર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM NARENDRA MODI) એકતા નગર (EKTA NAGAR - STATUE OF UNITY) ને મોટી ભેટ આપતાં રૂ. ૨૮૪ કરોડથી વધુના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ અવસરે તેમણે નવા પ્રવાસન અને આકર્ષણ કેન્દ્રોની સાથે સાથે પ્રવાસન કાર્યના વિકાસને પ્રોત્સાહન આપતાં પ્રોજેક્ટ્સનું અનાવરણ કર્યું હતું, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને વધુ વૈશ્વિક પ્રતિષ્ઠા અપાવશે.તેમજ એકતાનગર ખાતે આવતા પ્રવાસીઓને વૈશ્વિક કક્ષાની સવલતો પ્રાપ્ત થશે.
SOU - PM MODI VISIT
વિશ્વની ઊંચી પ્રતિમા આસપાસ નવી સગવડો અને આરોગ્યપ્રદ સેવાઓનો ઉમેરો
વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી આજકાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. આ વૈશ્વિક પ્રવાસન સ્થળની સ્થાપનાને વધુ મજબૂત બનાવવા માટે આજે વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થયું. બોન્સાઈ ગાર્ડન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સરદાર સરોવર ડેમ એક્સપીરિયન્સ સેન્ટર જેવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ અને ૫૦ બેડની ક્ષમતા ધરાવતી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ઉદ્ઘાટન સાથે હવે એકતા નગરમાં આરોગ્ય અને જનસુવિધાઓ બંનેને નવી ઉંચાઈ મળી છે.
આધુનિક આરોગ્યસુવિધાઓ અને સ્માર્ટ શહેરી આયોજનનો પ્રારંભ
વડાપ્રધાનશ્રીએ ૨૨ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું, જેની સાથે ટ્રોમા સેન્ટર, સિટી સ્કેન, ICU, લેબર રૂમ અને ઓપરેશન થિયેટર જેવી પ્રાથમિક આરોગ્યસુવિધાઓ નાગરિકો માટે ઉપલબ્ધ થશે. આ સાથે, ICU ઓન-વ્હીલ્સની નવી સેવાઓ પણ શરુ કરવામાં આવી છે, જેને કારણે વિકટ પરિસ્થિતિઓમાં પણ તાત્કાલિક સારવાર ઉપલબ્ધ થશે. ટ્રાફિક વ્યવસ્થાપન અને એકતાનગરની સુંદરતાને વધારવા માટે એકતા નગરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક સર્કલ્સ બ્યુટીફિકેશન બનાવવામાં આવ્યા છે. ૧૦ સ્માર્ટ બસ સ્ટોપ અને ૧૦ પિક-અપ સ્ટેન્ડના નિર્માણ સાથે નગરની સગવડો વધારવામાં આવી છે, જેના પ્રથમ તબક્કાનું લોકાર્પણ આ સમારોહમાં થયું.
શિલ્પકલા અને સૌંદર્ય સાથે પ્રવાસન વિકાસને વેગ
જુલાઈ ૨૦૨૪માં SAPTI સંસ્થાના સહયોગથી યોજાયેલા ૨૦ દિવસના શિલ્પ સિમ્પોઝિયમના ભાગરૂપે ‘પાણી, પ્રકૃતિ અને એકતા’ પર આધારિત ૨૪ શિલ્પકૃતિઓ બનાવવામાં આવી હતી. આ શિલ્પો હવે એકતા નગરના વિવિધ જાહેર સ્થળોએ સ્થાપિત કરવામાં આવ્યા છે, જે શહેરના પ્રવાસન અને આકર્ષણમાં વધારો કરશે. વડાપ્રધાનશ્રીએ બસખાડીથી વ્યુપોઈન્ટ-૧ સુધીના વૉકવે તેમજ એકતા દ્વારથી શ્રેષ્ઠ ભારત ભવન સુધીના નવનિર્મિત માર્ગોના પ્રથમ તબક્કાનું પણ ઉદ્ઘાટન કર્યું.
સૌંદર્ય અને પર્યાવરણ સંરક્ષણ સાથે રિન્યુએબલ એનર્જીનું પ્રોત્સાહન
વડાપ્રધાનશ્રીએ રૂ. ૨૩.૨૬ કરોડના ખર્ચે ૪ મેગાવોટ સોલાર પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કર્યું, જે એકતા નગરને હરિત ઉર્જાના માર્ગે આગળ વધારશે. પર્યાવરણ સંરક્ષણના હેતુથી બોન્સાઈ ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટના વિસ્તરણ સાથે પ્રકૃતિપ્રેમીઓને અનોખો અનુભવ મળશે.
સુરક્ષા અને લચીલા વિકાસ માટેની મહત્વની યોજના
૨૦૨૩માં આવેલા પૂરનાં નુકસાનને ધ્યાનમાં રાખીને કેક્ટસ ગાર્ડન નજીક પ્રોટેક્શન વોલનો વિસ્તાર કરવામાં આવશે, જે પ્રવાસીઓને સુરક્ષિત પર્યાવરણ અને વધુ સગવડો આપશે. સાથે જ, ગરૂડેશ્વર ખાતે રૂ. ૬૦ કરોડના ખર્ચે હૉસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટના પુનર્વિકાસ માટે જમીનનું સ્તર ઊંચું કરવાનું કામ હાથ ધરાયું છે, જેથી ભવિષ્યમાં પૂરથી સુરક્ષા મળે અને વિકાસ યથાવત્ રહે.
નિગમિત વિકાસ અને સુંદર ભવિષ્યની દિશામાં પ્રગતિ
આ પ્રોજેક્ટ્સના લોકાર્પણ સાથે એકતા નગર માત્ર પ્રવાસન માટે નહીં, પરંતુ ટકાઉ વિકાસ અને નાગરિક સુવિધાઓ માટે પણ દેશભરમાં મોડેલ બનશે.એકતા નગર મજબૂત માળખાગત વિકાસ અને પર્યાવરણપ્રેમી નીતિઓના સંગમનું પ્રતિક બનશે.આ પ્રવાસન સ્થળ પ્રવાસીઓ માટે મનમોહક બની રહેશે.પ્રધાનમંત્રીશ્રીએ એકતાનગર ખાતે સાકાર થઇ રહેલા પ્રકલ્પ-પ્રોજેક્ટ પ્રદર્શનિનું નિરિક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, નર્મદા નિગમના CMD અને SOU ઓથોરિટીના ચેરમેન શ્રી મુકેશ પુરી, SOUના મુખ્ય કારોબારી અધિકારી શ્રી ઉદિત અગ્રવાલ, નાયબ વન સંરક્ષક શ્રી અગ્નીશ્વર વ્યાસ અને અધિક કલેક્ટર સર્વશ્રી નારાયણ માધુ તથા ગોપાલ બામણિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
આ પણ વાંચો -- VADODARA : VVIP મુવમેન્ટને પગલે SOU તરફ જવાના રસ્તે "શરતો લાગુ"