VADODARA : બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના જન્મદિવસની ઉજવણીનો અંત પોલીસ મથકમાં
VADODARA : તાજેતરમાં બોલિવૂડના સુપર સ્ટાર સલમાનખાનનો જન્મદિવસ (BIRTHDAY CELEBRATION OF SALMAN KHAN) હતો. તે નિમિત્તે વડોદરાના અલકાપુરી ખાતે આવેલા કપડાના શો રૂમના મેનેજર દ્વારા અન્ય સાથે મળીને શો રૂમની આગળ પરવાનગી વગર જ લાઉડ સ્પીકર મુકી, લાઇટીંગ કરીને ઉજવણી કરવામાં આવી હતી. આખરે આ અંગે અકોટા પોલીસ (AKOTA POLICE STATION) ને જાણ થતા ઉજવણીનો અંત પોલીસ મથકમાં આવ્યો હતો. અકોટા પોલીસે ત્રણની અટકાયત કરીને લાઉડ સ્પીકર સહિતનો સામાન જપ્ત કર્યો હતો.
લાઉડ સ્પીકર બંધ કરાવ્યા છતાં પોલીસના આદેશની અવગણના
તાજેતરમાં બોલિવુડના સુપર સ્ટાર સલમાનખાનનો જન્મદિવસ હતો. તેને ધ્યાને રાખીને રાત્રીના સમયે અલકાપુરી ખાતે આવેલા ઝેડ બ્લ્યુના શોરૂમના મેનેજર વિપુરભાઇ કિશોરસિંહ મકવાણા અને બીઇંગ હ્યુમન બ્રાંડના મેનેજર સરફરાઝ ઇસ્તીયાક અલીએ પોતાના શોરૂમ બહાર કોઇ પણ જાતની પરવાનગી વગર જાહેર રસ્તા પર બર્થડે પાર્ટીની ઉજવણી કરી હતી. ઉજવણીમાં ભેગા થઇને લાઇટીંગ કરીને તથા લાઉડ સ્પીકર વગાડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંગે પોલીસને જાણ થતા જ ટીમ સ્થળ પર પહોંચી હતી. અને લાઉડ સ્પીકર બંધ કરાવ્યા હતા. છતાં પોલીસના આદેશની અવગણના કરતા આ મામલે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસ દ્વારા એલઇડી લાઇટ્સ અને લાઉડ સ્પીકર જપ્ત કરાયા
અકોટા પોલીસ દ્વારા વિપુલભાઇ કિશોરસિંહ મકવાણા (રહે. અક્ષર રેસીડેન્સી, વડસર બ્રિજ, વડોદરા), સરફરાઝ ઇસ્તીયાક અલી સૈયદ (રહે. દાનીશ ફ્લેટ, રાવપુરા) તથા સલમાન સલીમભાઇ મેમણ (રહે. આફીયાપાર્ક, તાંદલજા, વડોદરા) ની અટકાયત કરીને તમામ વિરૂદ્ધ કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉપરોક્ત કાર્યવાહીમાં અકોટા પોલીસ દ્વારા એલઇડી લાઇટ્સ અને લાઉડ સ્પીકર ગણીને કુલ રૂ. 54 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આમ, સલમાન ખાનની બર્થડેની રાત્રીના સમયે કરવામાં આવેલી ઉજવણીનો અંત પોલીસ મથકમાં થયો હોવાની ઘટના સામે આવી હતી.
આ પણ વાંચો -- Gujarat: રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ યથાવત, ભર શિયાળે ચોમાસા જેવો માહોલ