રાજુલા, જાફરાબાદની સરકારી હોસ્પિટલના તબીબો ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા ઝડપાયા
(અહેવાલ : ફારૂક કાદરી, અમરેલી)
અમરેલી જિલ્લામાં લેભાગુ ડોકટરો છૂટક દવાખાના ખોલીને જન આરોગ્ય સાથે ચેડા કરતા હોય તેના પર આરોગ્ય વિભાગ કાર્યવાહી કરતું હોય પણ સરકારી હોસ્પિટલમાં સરકારનો પગાર લેતા તબીબો જ ખાનગી દવાખાનામાં રોકડી કરતા હોવાની બાતમીના આધારે ભાવનગર આરોગ્ય વિભાગે દરોડો પાડીને રાજુલા અન જાફરાબાદ ની સરકારી હોસ્પિટલના ત્રણ ડોકટરોને રંગેહાથ ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે આજે રાજુલાની ખાનગી હોસ્પિટલમાં આરોગ્ય વિભાગ ભાવનગરની અચાનક તપાસ આવતા જાફરાબાદ અને રાજુલાની સરકારી હોસ્પિટલના 3 ડોકટરો પ્રેક્ટિસ કરતા ઝડપાઈ ગયા હતા જેમાં સરકારી પગાર લેતા સરકારી હોસ્પિટલના તબીબ ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા રંગેહાથ ઝડપાયાની વિગતો બહાર આવી રહી છે.
તેમાં જાફરાબાદ સરકારી હોસ્પિટલનો તબીબ શૈલેષ કળસરીયા રાજુલાની સદવિચાર હોસ્પીટલમાં ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતો ઝડપાયો હતો તો રાજુલાની સરકારી હોસ્પિટલના ડો.ભૂમિ કડીયા, ડો.મહેશ કળસરીયા પણ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા ઝડપાયા ગયા હતા.
રાજુલાના સરકારી હોસ્પિટલમાં સર્વિસ કરતા 2 ડોકટરો સમર્પણ મલ્ટી સ્પેશયાલીસ્ટ હોસ્પીટલમાં સરકારી તબીબો પ્રેક્ટીસ કરીને કમાણી કરતા હોવાની વિગતો જાણવા મળી રહી છે જેમાં સગર્ભા મહિલાઓને ગાયનેકની ડિગ્રી ના હોવા છતાં સોનોગ્રાફી કરતા હોવાનું બહાર આવ્યું છે.
અમરેલી જિલ્લા આરોગ્ય વિભાગ ઊંઘતું રહ્યું ને ભાવનગર આરોગ્ય નિયામક દરોડો પાડવામાં આવ્યો હોવાની વિગતો બહાર આવી રહી છે ને હાલ જિલ્લા આરોગ્ય વિભાગને સમગ્ર બાબતે ભાવનગર આરોગ્ય વિભાગે જાણ કરીને સરકારી ડોકટરો પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા ઝડપાઈ ગયા હોય તે અંગે તપાસ કરીને કાર્યવાહી કરવાની સૂચનાઓ આપી હોવાની વિગતો મળી રહી છે ત્યારે આગામી દિવસોમાં સરકારી તબીબો સામે કાર્યવાહી થવાની શક્યતાઓ સેવાઇ છે.
આ પણ વાંચો : યુવરાજસિંહ જાડેજાને પોલીસે ન આપ્યો 10 દિવસનો સમય, ફરી એક વાર પાઠવ્યું સમન્સ