Rajkot: કિસાન સૂર્યોદય યોજના નિષ્ફળ ગઈ હોવાનો ખેડૂતોનો આક્ષેપ
Rajkot: ખેડૂતોને માટે દિવસે વીજળી આપવાની યોજના કિસાન સૂર્યોદય યોજના નિષ્ફળ ગઈ હોવાનું ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે રાજકોટ (Rajkot) ના જેતપુર પંથકના મોટા ભાગના ગામોમાં રાત્રી દરમિયાન વીજળી આપવામાં આવી રહી છે. જેના કારણે ખેડૂતોને શિયાળાની કડકડતી ઠંડીમાં ઉજાગરા સાથે જંગલી પ્રાણીઓના હુમલાના ડર વચ્ચે અંધારામાં રવિ પાકોને પિયત કરવું પડી રહ્યું છે. જેથી ખેડૂતોએ દિવસે વીજળી આપવાની વીજ વિભાગ પાસે માંગ કરી હતી.
ખેડૂતોને મોડી રાતે વીજળી આપવામાં આવે છે
રાજકોટ (Rajkot) ના જેતપુર પંથકના મોટા ભાગના ગામોમાં ખેતી વાડી માટેનો વીજ પૂરવઠો રાતે જ મળતો હોવાથી ખેડૂતોને જંગલી પ્રાણીઓના ભય અને કડકડતી ઠંડીમાં રાત ઉજાગરા કરવા પડે છે. કેટલાક ગામોમાં તો ખેડૂતોને મોડી રાતે વીજળી આપવામાં આવે છે. તેમાંય વીજ વિભાગના ધાંધીયાને કારણે વીજળી આવકજાવક થાય અને ખેડૂતોને બાર બાર કલાક વીજળીની રાહ જોવી પડે છે. અને વિજળીમાં વારંવાર ઝટકાને કારણે ખેડૂતોના મોટર, પંપ સહિત વીજ ઉપકરણો બળી જાય છે. જેતપુર પંથકમાં જંગલી જાનવરોના વસવાટથી ખેડૂતોમાં તેનો ભય પણ રહેલ છે. જેને કારણે એકથી વધુ ખેડૂતો એકઠા થઇ વારાફરતી એકબીજાને ખેતરોમાં પિયત કરે છે. ઉપરાંત નીલ ગાય, ભૂંડ રોઝ સહિત પશુઓ પાકને નુકશાન પહોંચાડે તે અલગ મુશ્કેલી બની જાય છે. જેથી ખેડૂતો જંગલી પશુઓના ડર અને કડકડતી ઠંડીથી બચી પાક અને પોતાનું બંનેનું રક્ષણ કરી શકે તે માટે દિવસે વીજળી આપવાની માંગ કરવામાં આવી હતી.
દિવસે વીજળી આપવા વીજ વિભાગ પાસે માંગ કરી હતી
જેતપુરના થાણાગાલોર ગામે ત્રણ દિવસ પૂર્વ જ ખેતરમાં કામ કરી રહેલ ખેત મજૂર ઉપર દીપડાએ હુમલો કરતા તેમને ઇજા પહોંચી હતી. જેને કારણે ખેત મજૂરોમાં ભયનો માહોલ છવાયો છે અને મજૂરો પલાયન કરવા લાગ્યા છે. જેથી ખેડૂતો માટે ખેતી કરવી પણ મુશ્કેલ બની છે. ખેત મજૂર પર દીપડાએ હુમલો કર્યા બાદ વન વિભાગે દીપડાને પાંજરે પુરવા માટે એક પાંજરું પણ ગોઠવ્યું છે. ખેડૂતોને જંગલી પ્રાણીઓના હુમલા અને અને કડકડતી ઠંડી સામે રક્ષણ મળી રહે તે માટે દિવસે વીજળી આપવા વીજ વિભાગ પાસે માંગ કરી હતી.
દિવસે નહીં પરંતુ રાત્રે વીજ પૂરવઠો આપે છે
રાત્રે વીજળી મળતી હોવાથી જગ તાતની મુશ્કેલી વધી છે. જ્યારે લોકો ઠંડીથી બચવા ઘરમાં નિરાંતે મીઠી નીંદ્રા માણતા હોય ત્યારે ખેડૂતોએ રાત ઉજાગરા કરી પાકને પિયત માટે રાત્રે નીકળવું પડે છે, કેમકે વીજ વિભાગ તેમને દિવસે નહીં પરંતુ રાત્રે વીજ પૂરવઠો આપે છે. એક બાજુ તો આકરી ઠંડી અને બીજું જીવજંતુ કે જંગલી પ્રાણીઓનો પણ ખેડૂતોને સતત ડર રહે છે. રાત્રે જ વીજળી મળતી હોવાથી ખેડૂતો પાંચથી સાતની ટોળકી બનાવીને પિયત માટે પહોંચે છે. કપાસ, ઘઉં, ચણા, ધાણા, જીરૂ સહિત અનેક પાકોનું વાવેતર કરાયું છે. ત્યારે જો દિવસે વીજળી મળે તો ખેડૂતોને આકરી ઠંડીમાં ઠૂંઠવાઈને પિયત માટે ન જવું પડે. આ સ્થિતિમાં ખેડૂતોને પિયતમાં મુશ્કેલી પડી રહી છે. માટે જ આ ખેડૂતો દિવસે વીજ પુરવઠો આપવા માગ કરી રહ્યાં છે. પરંતુ કડકડતી ઠંડીની આ ઋતુમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનો નિર્ણય લેવાય તો તેમને થોડી રાહત મળી શકે છે.
આ પણ વાંચો - Rajkot માં બાળકો પાસે ભિક્ષાવૃતી કરવાનાર સામે કાર્યવાહી