સૌરાષ્ટ્ર અને કચ્છના બિપોરજોય અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો પુન:સ્થાપિત
ગુજરાતમાં તાજેતરમાં ત્રાટકેલા બિપોરજોય વાવાઝોડાને કારણે, દરિયાકાંઠા વિસ્તારના કચ્છ, દ્વારકા અને પોરબંદર સહિત 10 જિલ્લાઓમાં વીજ ટ્રાન્સમિશનના માળખાને વ્યાપક નુકસાન થયું હતું. જો કે આ વાવાઝોડાને ધ્યાનમાં લઇને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આગોતરાં આયોજનને કારણે, રાજ્યની પાવર ટ્રાન્સમિશન...
05:50 PM Jun 25, 2023 IST
|
Vipul Pandya
ગુજરાતમાં તાજેતરમાં ત્રાટકેલા બિપોરજોય વાવાઝોડાને કારણે, દરિયાકાંઠા વિસ્તારના કચ્છ, દ્વારકા અને પોરબંદર સહિત 10 જિલ્લાઓમાં વીજ ટ્રાન્સમિશનના માળખાને વ્યાપક નુકસાન થયું હતું. જો કે આ વાવાઝોડાને ધ્યાનમાં લઇને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આગોતરાં આયોજનને કારણે, રાજ્યની પાવર ટ્રાન્સમિશન કંપની ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિ.(GETCO) દ્વારા 2000થી વધુ કર્મચારીઓની 100 ટીમો તહેનાત કરવામાં આવી હતી. તેમના અવિરત પ્રયાસો અને દિવસ રાતની તાબડતોબ કામગીરીના કારણે, 20 જૂન 2023 સુધીમાં GETCOના સબસ્ટેશન અને જટિલ વિસ્તારોમાં વીજ પુરવઠો બહાલ કરી દેવામાં આવ્યો છે.
વાવાઝોડાના કારણે નુકસાન
આ ચક્રવાતને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને બનાસકાંઠામાં 391 સબસ્ટેશન, અલગ અલગ વોલ્ટેજ ક્ષમતાની 675 ટ્રાન્સમિશન લાઇન, 43 એચ ફ્રેમ સ્ટ્રક્ચર અને 78 ટ્રાન્સમિશન ટાવરને નુકસાન થયું હતું. જો કે નાગરિકોની સેવા અને તેમની ફરજ પ્રત્યે સમર્પિત કર્મચારીઓએ દિવસ-રાત કામ કરીને દરેક 391 સબસ્ટેશનોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કર્યો અને તમામ જટિલ વિસ્તારોમાં 20મી જૂન 2023 સુધીમાં ક્રમશઃ પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. પાવર બેકઅપની કામગીરી માટે જરૂરી ટાવર અને ટ્રાન્સમિશન લાઇનના પુનઃસ્થાપનનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે.
પડકારો વચ્ચે વીજ પુરવઠો સ્થાપિત
તમામ જટિલ EHV અને HT ગ્રાહકોને વીજ પુરવઠો પહોંચાડતી ટ્રાન્સમિશન લાઈનોને પણ ખૂબ જ પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. અમુક સ્થળોએ પાણી ભરાયેલું હતું, અને મર્યાદિત વિકલ્પો ઉપલબ્ધ હતા. જોકે આવી સ્થિતિ વચ્ચે પણ ટીમે અડીખમ રહીને કામગીરી પાર પાડી હતી. કચ્છના અંજારમાં વેલસ્પન કંપનીની ફેક્ટરીને વીજળી પહોંચાડતી 220 kV લાઈનો માત્ર 13 કલાકના રેકોર્ડ ટાઇમમાં પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. તે સિવાય ભારત ઓમાન વાડીનાર રિફાઈનરીને વીજળી પહોંચાડતી 66 kV લાઈનો 20મી જૂન 2023 સુધીમાં પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. આ કંપનીના બે મોટા ટાવરોને વ્યાપકપણે નુકસાન થયું હતું.
ચક્રવાતને કારણે અન્ય 200 થી વધુ HT ગ્રાહકોને ત્યાં 66 kVના સ્તર પર વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો. 19 જૂન 2023 સુધીમાં માત્ર ત્રણ ગ્રાહકો સિવાય, બાકીના તમામને ત્યાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. જ્યાં મોટા પાયે નુકસાન થયું હતું તે બાકીના ત્રણ ગ્રાહકોનો વીજ પુરવઠો ત્રણ દિવસમાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. APL જનરેશન માટે 400 kV પાવર ઇવેક્યુએશન લાઇન પણ માત્ર ત્રણ દિવસમાં પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.
ઝીણવટથી કરેલું આયોજન
આગોતરી કાર્યવાહી અને ઝીણવટથી કરેલા આયોજનના લીધે, વીજ પુરવઠો ઝડપથી પુનઃસ્થાપિત કરવામાં મદદ મળી. ઉચ્ચ અધિકારીઓ અગાઉથીજ દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોંચી ગયા હતાં અને કચ્છ, દ્વારકા અને જામનગર જિલ્લામાં વ્યૂહાત્મક સ્થળોએ તમામ જરૂરી સામગ્રી, T&Ps, વિભાગીય અને કોન્ટ્રાક્ટરોની ટીમ અને તમામ જરૂરી સંસાધનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી હતી. ચક્રવાત બાદ આ સહાયતા પહોંચાડવામાં મુશ્કેલી પડતી હોય છે, તેથી આ કામગીરી પહેલાથી જ કરી દેવામાં આવી હતી.
સ્પેશિયલ ટાવર આ ચક્રવાતમાં ધરાશાયી
પાવરગ્રીડની ઇન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ (ISTS) હેઠળ 400 kV D/C મુન્દ્રા - ભચાઉ લાઇનનો 75 મીટર ઊંચો, DD 25 પ્રકારનો સ્પેશિયલ ટાવર આ ચક્રવાતમાં ધરાશાયી થયો હતો. તેને ફરી કાર્યાન્વિત કરવા માટે 150 થી વધુ કર્મચારીઓની ટીમ અત્યારે કામગીરી કરી રહી છે. આ કામગીરી દિવસ-રાત ચાલી રહી છે, અને 26 જૂન 2023 સુધીમાં તે પુનઃસ્થાપિત થવાની સંભાવના છે. જોકે આ લાઇનના ભંગાણને કારણે મુન્દ્રામાં વીજ પુરવઠાને વધુ ગંભીર અસર થઇ નથી.
Next Article