Porbandar : UK વર્ક વિઝાના નામે લાખોની છેતરપિંડી
- UK વિઝા કૌભાંડ, 19.80 લાખની છેતરપીંડીમાં બે આરોપી ઝડપાયા
- વિદેશ જવાની લાલચમાં પોરબંદરના યુવક સાથે લાખોની ઠગાઈ થઇ
- વિઝા ફ્રોડ કેસ : કમલાબાગ પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા
Porbandar : યુનાઇટેડ કિંગડમ (UK) ના વર્ક વિઝા અપાવવાની લાલચ આપી જામનગર જિલ્લાના બે શખ્સોએ અને તેના મળતીયાઓએ મળીને પોરબંદર તાલુકાના વાછોડા ગામના એક યુવક સાથે 19.80 લાખની છેતરપિંડી કરી હોવાની ઘટના પોલીસ ફરિયાદના રૂપમાં સામે આવી છે. પોલીસે બે આરોપીને ઝડપી લઇને ઉંડાણપૂર્વેક તપાસ હાથ ધરી છે.
વિઝા અપાવવાની લાલચે છેતરપિંડી
રાજ્યમાં નાગરિકો સાથે વિદેશ લઇ જવાની લલાચ આપી વિઝા ફ્રોડના બનાવમાં વધારો જોવા મળી રહ્યો છે. પોરબંદરના વાછોડા ગામના યુવાન સાથે વિઝા અપાવવાની લાલચ આપી 19,80,000 ની છેતરપિંડી થઇ છે. આ કેસમાં પોરબંદર ASP સાહિત્યા વી. સૌપ્રથમ અરજીના આધારે ઉંડાણપૂર્વે તપાસ કર્યા બાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી ગણતરીના કલાકોમાં ઠગાઇ કરનારાઓને કાયદાનો ડર બતાવવામાં આવ્યો છે. યુનાઇટેડ કિંગડમના વર્ક વિઝા અપાવવાની લાલચ આપી જામનગર જિલ્લાના બે શખ્સોએ અને તેના મળતીયાઓએ મળીને પોરબંદર તાલુકાના વાછોડા ગામના એક યુવક સાથે 19.80 લાખની છેતરપિંડી કરી હોવાની ઘટનામાં બે આરોપી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વિદેશ વિઝા કૌભાંડ, 19.80 લાખની છેતરપીંડીનો પર્દાફાશ
આ મામલે સુનીલભાઇ સરમણભાઇ ગોરાણીયાએ જામનગરના મયુર રમેશભાઈ બારમેળા અને શ્યામલ રણછોડભાઈ પટેલ તથા તપાસમાં ખુલે તે તમામ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર આરોપીઓએ ફરિયાદી સાથે ઠગાઈ કરવાના ઈરાદે ઓછી રકમમાં કન્સ્ટ્રકશનની જોબ માટે વિદેશ (UK) જવાની જગ્યા આવેલ છે, જેમાં કોઇ ઇન્ટરવ્યુ લેવામાં આવશે નહી, તેમ કહી ફરિયાદીને વિદેશ જવા માટે 26,50,000 માં વર્ક વિઝા કરાવી આપવાનો વિશ્વાસ અપાવી ફરિયાદી પાસેથી કટકે કટકે રૂ.19,80,000/- જેટલી રકમ પડાવી લઈ, ફરિયાદી સુનીલ પાસે UK હોમ ઓફીસ ખાતેથી ઈન્ટરવ્યુ લેવડાવી ફરિયાદી સુનીલને UK જવા માટે કોઇ વિઝા નહી અપાવી, સુનીલની વિઝા ફાઈલ કેન્સલ થયેલનું કહી, વિઝા કઢાવવા માટે આપેલ રકમ પરત આપવાનું કહેતાં સુનીલને ભુંડી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદી સુનીલ સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત ગુનો દાખલ થતા કમલાબાગ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ બી દેસાઈએ તપાસ હાથ ધરી હતી.
અહેવાલ - કિશન ચૌહાણ
આ પણ વાંચો : Banaskantha : ડીસામાં સ્થાનિક સુવિધાઓના અભાવે હાલાકી