પંચમહાલ : તળાવો પાણીથી ભરાતા ખેડૂતોમાં ખુશી
અહેવાલ - નામદેવ પાટીલ, પંચમહાલ
પંચમહાલ અને મહીસાગર જીલ્લાના 44 ગામમાં આવેલા 62 તળાવ સુધી પાનમ હાઇલેવલ કેનાલમાંથી ઉદ્દવહન કરી પાણી પહોંચાડવા માટે ગુજરાત સરકાર દ્વારા પાનમ હાઈ લેવલ કેનાલમાંથી ઉદ્દવહન યોજના અમલમાં મુકવવામાં આવી હતી. અને આ યોજના અંતર્ગત તળાવમાં પાણી પહોંચાડવામાં આવતાં પંચમહાલ અને મહીસાગર જિલ્લાના ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારના ખેડૂતો વર્ષોથી ચોમાસાની ખેતી આધારિત જીવન નિર્વાહ કરતા હતા. ત્યારે હવે ખેડૂતોને તળાવમાં પાણી ભરાતાં ત્રણ સિઝનમાં ખેતી કરી શકશે. ઉપરાંત પશુઓ અને પંખીઓને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થઈ છે. 118 રૂ.કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી આ યોજનાનું ટેસ્ટિંગ પાનમ વિભાગ દ્વારા કરવામાં આવતાં જ ગોધરા તાલુકાના તોરણા ગામના ખેડૂતોએ ખાલી તળાવમાં પાણી આવતાં જ હર્ષોલ્લાસ સાથે નિરના વધામણાં કર્યા છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા, શહેરા અને કાલોલ તેમજ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલા કેટલાક ગામોમાં સિંચાઈ પાણીની સુવિધાનો અભાવ હતો. જેના કારણે અહીંના ખેડૂતોને માત્ર ચોમાસાની ખેતી ઉપર નિર્ભર રહેવું પડતું હતું. આ ઉપરાંત આ સિંચાઈની કોઈ સુવિધા ન હોવાના કારણે અહીંના વિસ્તારોમાં ભૂગર્ભ જળ સ્તર પણ તળિયે જતા રહીશોને પીવાના પાણી અને સિંચાઈના કુવા બોરવેલમાં પણ પાણી પૂરતા પ્રમાણમાં મળતું નહોતું. આ સમગ્ર સ્થિતિને અનુલક્ષી સ્થાનીય ખેડૂત અગ્રણીઓએ ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજીને અનેક વાર રજૂઆત કરતા ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજી દ્વારા સરકારમાં પાનમ યોજના આધારિત પાણી તળાવો સુધી પહોંચાડવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા પાનમ હાઈ લેવલ કેનાલમાંથી ઉદ્દવહન યોજના મંજુર આવી હતી. 118 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવેલી આ યોજનામાં 44 ગામોના 62 તળાવોમાં પાણી ભરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તમામ વિસ્તારમાં 8500 હેક્ટર જમીનમાં ખેડૂતોને વિવિધ પદ્ધતિથી પાણી ખેતર સુધી મળી રહે એ પ્રકારનું આયોજન ત્રણ તબક્કામાં કરવામાં આવ્યું હતું. અને જેની મહત્તમ કામગીરી પૂર્ણ થતા હાલ તળાવમાં પાણી પહોંચાડવાની ટેસ્ટિંગ કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં સફળતાપૂર્વક તળાવ સુધી પાણી પહોંચી જતા જ હવે ખેડૂતો તળાવમાં આવી રહેલા નવા નિર ના વધામણા કરી રહ્યા છે અને ખૂબ જ ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. સાથે સાથે જ જણાવી રહ્યા છે કે, વર્ષોથી તેઓને પાણીની સમસ્યા હતી જે સમસ્યા હલ થતા જ હવે ખેતી માટે ખૂબ જ સુવિધા મળી રહેશે. અને દરેક સિઝન માં ખેતી કરીને પોતાના પરિવારનો ગુજરાન ચલાવી શકીએ છે. હાલ ગુજરાત સરકાર દ્વારા પાનમ હાઈ લેવલ કેનાલમાંથી ઉદ્દવહન યોજના અંતર્ગત પ્રથમ ફેઈઝની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને તળાવ સુધી પાણી પહોંચાડવાનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં કેટલાક તળાવ માં ગ્રેવીટી થી અને કેટલાક તળાવમાં પંપિંગ કરી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. અંદાજીત 115 કિલોમીટર લંબાઈ ધરાવતી આ યોજનાનું માળખું છે .જેના માધ્યમથી ખેડૂતોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સિંચાઈ સુવિધા મળી રહેશે.
ગોધરા તાલુકાના તોરણા અને આજુબાજુના 7 ગામમાં વચ્ચે આવેલું મુખ્ય તળાવ વર્ષોથી ખાલી રહેતું હતું અને સાથે સાથે જ ભૂગર્ભ જળસ્તર તળિયે જતાં ગામના બોરવેલ અને કુવા ખાલી ખમ થયા હતા. જેથી ખેડૂતો માત્ર ચોમાસાની ખેતી ઉપર નિર્ભર રહેતા હતા અને ચોમાસાની ખેતી કર્યા બાદ અન્ય ઋતુની ખેતી ને પાણી નહિ મળતા તેઓ અન્ય દિવસોમાં રોજગારી માટે પોતાના પરિવાર સાથે બહારગામ જતા હતા. હાલ ગુજરાત સરકાર દ્વારા પાનમ હાઈ લેવલ કેનાલ માંથી ઉદ્દવહન યોજના અંતર્ગત તોરના ગામના મુખ્ય તળાવ અને આજુબાજુના વિસ્તારના તળાવોમાં પાણી ભરવામાં આવતા હાલ તળાવો છલોછલ થઈ રહ્યા છે જેથી ખેડૂતોમાં ખૂબ જ ખુશી જોવા મળી રહે છે. અહીંના ખેડૂતો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે કે હવે અમારે ત્રણ ઋતુમાં ખેતી કરી શકાશે. આ ઉપરાંત અહીં સ્થાનિક કક્ષાએ જ રોજગારી મળી રહેશે અને પશુઓના ઘાસચારા કે પીવાના પાણી માટે અન્યત્ર સ્થળે ભટકવાની પરિસ્થિતિ માંથી મુક્તિ મળશે. ખેડૂતોએ તળાવમાં આવતાં સરકાર અને પદાધિકારીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો - ડીસા : આ તે કેવી માતા? પુત્રને 6 મહિના સુધી બંધક બનાવ્યો, જાણો પૂરી વિગત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ