રાજ્યમાં વધુ એક નકલી હોસ્પિટલનો પર્દાફાશ, પુત્રીની ડિગ્રી પર પિતા ચલાવતો હતો હોસ્પિટલ
- રાજ્યમાં વધુ એક નકલી હોસ્પિટલનો પર્દાફાશ
- પુત્રીની ડિગ્રી પર પિતા ચલાવતો હતો હોસ્પિટલ
- ગોધરા શહેરમાંથી ગેરકાયદે હોસ્પિટલ ઝડપાઈ
- ભુરાવાવ વિસ્તારમાં ચાલતી હતી આસ્થા હોસ્પિટલ
- બોગસ ડૉક્ટર સંદીપ ભીંડે સામે ફરિયાદ દાખલ
- પંચમહાલ SOG, આરોગ્ય વિભાગે કરી કાર્યવાહી
- દવા, સાધનો મળીને 3.86 લાખનો મુદ્દામાલ જપ્ત
- ગોધરા બી ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ
Fake Hospital Exposed : ગુજરાતમાં નકલી હોસ્પિટલો અને બોગસ ડૉક્ટરોના કૌભાંડોનો સિલસિલો યથાવત રહ્યો છે. તાજેતરમાં પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ભુરાવાવ વિસ્તારમાં આવેલી આસ્થા હોસ્પિટલમાંથી એક ગેરકાયદે હોસ્પિટલનો પર્દાફાશ થયો છે. આ હોસ્પિટલમાં બોગસ ડૉક્ટર સંદીપ ભીંડે પોતાની પુત્રીની ડિગ્રીનો દુરુપયોગ કરીને હોસ્પિટલ ચલાવતો હોવાનું બહાર આવ્યું છે. પંચમહાલની ખાસ ઓપરેશન ટીમ (SOG) અને આરોગ્ય વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને આ મામલે 3.86 લાખ રૂપિયાની કિંમતની દવાઓ અને મેડિકલ સાધનોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઘટના સંદર્ભે ગોધરા બી ડિવીઝન પોલીસ મથકમાં સંદીપ ભીંડે સામે ફરિયાદ નોંધાઈ છે.
શું છે આસ્થા હોસ્પિટલ કૌભાંડ?
ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલી આસ્થા હોસ્પિટલ લાંબા સમયથી ગેરકાયદે રીતે કાર્યરત હોવાની બાતમી પંચમહાલ SOG અને આરોગ્ય વિભાગને મળી હતી. આ બાતમીના આધારે ટીમે હોસ્પિટલ પર દરોડો પાડ્યો અને તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકતો બહાર આવી. હોસ્પિટલનું સંચાલન સંદીપ ભીંડે નામનો વ્યક્તિ કરતો હતો, જેની પાસે ડૉક્ટર તરીકેની કોઈ માન્ય ડિગ્રી કે લાયસન્સ નહોતું. તે પોતાની પુત્રીની ડિગ્રીનો ઉપયોગ કરીને દર્દીઓની સારવાર કરતો હતો, જે ગંભીર ગુનો ગણાય છે. આ કૌભાંડમાં દવાઓ, ઈન્જેક્શનો અને અન્ય તબીબી સાધનોનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની કિંમત આશરે 3.86 લાખ રૂપિયા જેટલી છે. આ ઘટનાએ ગુજરાતના આરોગ્ય ક્ષેત્રે ફરી એકવાર ચોંકાવનારો મુદ્દો ઉભો કર્યો છે. નકલી ડૉક્ટરો અને ગેરકાયદે હોસ્પિટલો દ્વારા લોકોના જીવ સાથે ખેલ થઈ રહ્યો છે, જે રાજ્યની આરોગ્ય વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કરે છે.
ગુજરાતમાં અગાઉના નકલી હોસ્પિટલ અને બોગસ ડૉક્ટરના કાંડ
ગુજરાતમાં આસ્થા હોસ્પિટલનો આ કેસ કોઈ નવી ઘટના નથી. રાજ્યમાં અગાઉ પણ નકલી ડૉક્ટરો અને ગેરકાયદે હોસ્પિટલોના અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે. નીચે આવા કેટલાક મુખ્ય કાંડોની ટૂંકી માહિતી આપવામાં આવી છે:
ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ (2024):
અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા કડીમાં મેડિકલ કેમ્પ યોજી PMJAY હેઠળ જરૂરિયાત ન હોવા છતાં 19 લોકોની એન્જિયોગ્રાફી કરાઈ હતી. ત્યારબાદ હૃદયમાં સ્ટેન્ડ મૂકાયા હતા. 19 પૈકી 2 દર્દીનાં મોત થતાં હોબાળો થયો હતો. ત્યારબાદ ખ્યાતિ હોસ્પિટલનાં સમગ્ર કૌભાંડનો (Khyati Hospital Scam) પર્દાફાશ થયો હતો. આમ, અયોગ્ય રીતે PMJAY લાભ લેનારી હોસ્પિટલ સામે સરકારે કડક કાર્યવાહી શરૂ કરી છે.
મોરબીમાં બોગસ ડૉક્ટરોની ધરપકડ (2024):
મોરબી હળવદમાંથી 5 બોગસ તબીબો (Bogus doctor) ઝડપાયાં હતો. જેમાં લીલાપુર , રાયસંગપુર, ઢવાણા, સુંદરી ભવાની, રણમલપુરથી ડિગ્રી વગરના તબીબો ઝડપાયા હતા. જેમાં ડિગ્રી વગર એલોપેથી દવાઓ દર્દીઓને આપી સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી તબીબો ઝડપાયા હતા. જેમાં નકલી તબીબોમાં સંદીપ મનુભાઇ પટેલ - લીલાપુર ગામે ક્લિનિક, વાસુદેવ કાનજીભાઈ પટેલ - સુંદરી ભવાની ગામે ક્લિનિક, પરીમલ ધિરેનભાઈ બાલા - રણમલપુર ગામે ક્લિનિક તેમજ પંચાનન ખુદીરામ ધરામી - રાયસંગપુર ગામે ક્લિનિક અને અનુજ ખુદીરામ ધરામી - ઢવાણા ગામે ક્લિનિક ધરાવી લોકોના સ્વાસ્થ્ય સાથે રમત કરી રહ્યાં હતા. જેમાં 51567ની ટેબ્લેટ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ હળવદ પોલીસે 5 લાયસન્સ વગર ક્લિનિક ચલાવતાં નકલી ડોક્ટર ઝડપી લેતા સ્થાનિકોમાં ચકચાર મચી હતી.
અમરેલીમાં ડિગ્રી વગરનો ડૉક્ટર (2024):
અમરેલીના ધારી તાલુકાના ગોવિંદપુર ગામમાં ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતો બોગસ ડૉક્ટર SOGના હાથે ઝડપાયો હતો. આ કેસમાં પણ મેડિકલ સાધનો અને દવાઓ જપ્ત કરાઈ હતી. અમરેલી SOGને બોગસ ડોક્ટર અંગે બાતમી મળી હતી. આ બાતમીના આધારે શખ્સને દબોચ્યો હતો. શખ્સ પાસેથી કોઈપણ ડિગ્રી મળી આવી નહોંતી, અને દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં પણ નકલી ડૉક્ટરો અને ગેરકાયદે હોસ્પિટલોના કેસો બહાર આવ્યા છે. આ ઘટનાઓએ રાજ્યની આરોગ્ય વ્યવસ્થામાં દેખરેખની ગંભીર ખામીઓને ઉજાગર કરી છે.
આ પણ વાંચો : Sabarkantha: અસલી પોલીસના સકંજામાં નકલી પોલીસ, મેળામાં સરાજાહેર ડંડાથી કરી યુવકની ધોલાઈ!