Pahalgam Terror Attack : સમગ્ર ગુજરાતમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન, અમદાવાદમાં રાજપૂત સમાજે રોષ વ્યક્ત કર્યો
- સમગ્ર ગુજરાતમાં Pahalgam Terror Attack મુદ્દે વિરોધ પ્રદર્શન
- અમદાવાદમાં રાજપૂત સમાજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યુ
- પાટણમાં આતંકવાદનું પૂતાળા દહન કરાયું
- રાજકોટ, વલસાડમાં મુસ્લિમ સમુદાયે પણ આ હીચકારા હુમલાની નીંદા કરી
Pahalgam Terror Attack : સમગ્ર દેશમાં આ હીચકારા અને અમાનવીય હુમલા મુદ્દે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જેમાં અમદાવાદ, રાજકોટ, વલસાડ, હિંમતનગર, પાટણ, દાંતા, વાપી, તલોદ, પ્રાંતિજ, સુરેન્દ્રનગર, પાટડી, વગેરે જગ્યાએ ભારે વિરોધ થઈ રહ્યો હોવાની માહિતી મળી રહી છે. અમદાવાદમાં રાજપૂત સમાજના યુવકોએ આતંકવાદીઓનું પૂતળું બાળીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત કેન્ડલ દ્વારા Pahalgam Terror Attack મૃતકોને શ્રધાંજલિ પણ અપાઈ હતી.
રાજપૂત યુવકોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
અમદાવાદના રાજપૂત ભવન ખાતે રાજપૂત સમાજના આગેવાનો તથા રાજપૂત મહિલાઓએ પાકિસ્તાન મુર્દાબાદ અને આતંકવાદ હાય હાયનો સૂત્રોચ્ચાર કર્યો હતો. ઈઝરાયલે હમાસ પર હુમલા કર્યા તે રીતે પાકિસ્તાનને તેની ઓકાત બતાવવા ભારત પગલાં લે તેવી માંગ રાજપૂત યુવકોએ કરી હતી. રાજપૂત યુવકોએ જણાવ્યું હતું કે, રાજપૂત સમાજે મુગલો સામે હંમેશા મજબૂતાઈથી લડીને મુગલોને સબક શીખવાડ્યો હતો. તે જ રીતે ભારત પાકિસ્તાનને સબક શીખવે. રાજપૂત યુવકોને પાકિસ્તાન બોર્ડર પર મોકલવાની રજૂઆત પણ કરાઈ હતી.
ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ
રાજપૂત સમાજના યુવકો, આગેવાનો અને મહિલાઓ દ્વારા Pahalgam Terror Attack મૃતકોને શ્રધાંજલિ પણ અપાઈ હતી. રાજપૂત સમાજના સભ્યોએ કેન્ડલ પ્રગટાવી મૃતકોના આત્માને શાંતિ અને તેમના પરિવારજનોને આ આઘાત સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના પણ કરાઈ હતી. રાજપૂત વિદ્યાસભાના પ્રમુખ અશ્વિનસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, નિર્દોષ હિન્દુઓને પાકિસ્તાની આતંકવાદીઓએ રહેંસી નાંખ્યા છે ત્યારે ચૂપ કેવી રીતે બેસી રહેવાય...અમે રાજપૂતોએ સદીઓથી મોગલો જેવા આક્રમણકારીઓ વિરુદ્ધ અમારા માથા આપીને લડાઈ લડી છે. અમારી સરકારને વિનંતી છે કે રાજપૂત બટાલિયનને બોર્ડર પર મૂકી દો અને પાકિસ્તાનનો ખાતમો કરો.
સુરેન્દ્રનગરના પાટડીમાં બંધ પળાયો
આતંકી હુમલાના વિરોધમાં સુરેન્દ્રનગરના પાટડીની બજારો બંધ રાખવામાં આવી હતી. નિર્દોષોની નિર્મમ હત્યાના વિરોધમાં પાટડી બંધનું એલાન પળાયું હતું. પાટડીમાં તમામ વિસ્તારોના દુકાનદારોએ સજ્જડ બંધ પાળ્યો હતો. વેપારીઓએ ધંધો-રોજગાર બંધ બંધ રાખી સ્વૈચ્છીક બંધ પાળ્યો હતો. આતંકવાદીઓને ઝડપી કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરાઈ હતી. આ ઉપરાંત હિંમતનગર, તલોદ તેમજ પ્રાંતિજમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ Gujarat ના અમદાવાદમાં સૌથી વધારે 77 પાકિસ્તાની નાગરિકો, તમામને હાંકી કાઢવા કવાયત તેજ
રાજકોટ, વલસાડમાં મુસ્લિમ સમાજનો અનોખો વિરોધ
Pahalgam Terror Attack પર હિન્દુ ઉપરાંત મુસ્લિમ સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં મુસ્લિમ સમાજ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. મુસ્લિમ સમાજે કહ્યું કે, અમે પાકિસ્તાન નહીં આતંકીસ્તાન કહીએ છીએ. આ આતંકીસ્તાનને નાબૂદ કરી દેવું જોઈએ. વલસાડ જિલ્લાના મુસ્લિમોએ આતંકી હુમલાની નિંદા કરી. વાપીના ઝંડાચોક ખાતે મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું. નમાઝ બાદ કાળીપટ્ટી ધારણ કરી બેનરો સાથે સુત્રોચ્ચાર કર્યો. પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. દેશની એકતા તોડવામાં પાકિસ્તાનનો હાથ હોવાના સમાજના સૂર સંભળાયા હતા.
પાટણમાં પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરાયો
પાટણમાં બગવાડા દરવાજા ખાતે આતંકવાદનું પૂતળા દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને જિલ્લા ભાજપ દ્વારા ઉગ્ર રોષ દર્શાવાયો હતો. મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકોએ ગુસ્સો ઠાલવ્યો અને પાકિસ્તાન વિરુદ્ધ સુત્રોચાર કર્યા.
આ પણ વાંચોઃ Pahalgam Terror Attack : સુરતના મૃતક શૈલેષ કળથિયાના પત્નીએ મોદી સરકાર પર જાહેર કર્યો વિશ્વાસ