Amreli : વધુ એક સિંહનું મોત, સિંહણે પાઠડા દિપડા પાછળ દોટ મુકી, બંને કુવામાં ખાબકતા થયું મોત
સાવરકુંડલાના હાથસણી ગામના ખોડી જવાના માર્ગના અશ્વિનભાઈ નાગજીભાઈ શિંગાળાની (રહે. હાથસાણી, હાલ સુરત) ફાર્મ રાખનાર જેરામભાઈ મોહનભાઈ સાવલિયાની વાડીના અવાવરૂ કુવામાં પાઠડા દીપડાની પાછળ એક સિંહણે દોડ લગાવેલી જેના ફળસ્વરૂપે સિંહણ અને પાઠડો દીપડો બન્ને ખુલ્લા અવાવરૂ કુવામાં ખાબકતા મોતને ભેટ્યા હતા.
વનવિભાગ પહોંચ્યું
સિંહણ અને દિપડાના મોતની જાણ થતાં વનવિભાગની ટીમ હાથસણીની સીમ વિસ્તારમાં પહોચી ત્યારે દીપડો સિંહણના મોત થઈ ચુક્યા હતા. વનવિભાગની તપાસમાં દીપડાની પાછળ સિંહના પગલાંના નિશાનો પણ ઘટના સ્થળ નજીક જોવા મળ્યા હતા ત્યારે સિંહણે દિપડા પાછળ દોટ મુકતા બંને અવાવરું કુવામાં ખાબક્યા હોવાનું પ્રાથમિક તારણ છે.
થોડા દિવસ પહેલા પણ થયું હતું સિંહનું મોત
ઉલ્લેખનીય છે કે, હજુ ત્રણેક દિવસ પહેલા રાજુલાના ઉચૈયામાં રેલવે ટ્રેકમાં આવી જતાં સિંહનું મોત થયું હતું ત્યારે સિંહોની સુરક્ષા પાછળ સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે તેમ છતાં અલગ-અલગ અકસ્માતોમાં સિંહોના મોત થઈ રહ્યાં છે.
અહેવાલ : ફારૂક કાદરી, અમરેલી
આ પણ વાંચો : JUNAGADH : દાતાર રોડ પર બિલ્ડીંગ ધરાશાયી, કાટમાળ નીચે અનેક લોકો દટાયા હોવાની આશંકા