VADODARA : કલકત્તામાં દુષ્કર્મ બાદ હત્યાના વિરોધમાં SSG હોસ્પિટલના તબિબો જોડાયા
VADODARA : તાજેતરમાં કલકત્તામાં ડોક્ટર યુવતિ પર દુષ્કર્મ (Kolkata rape-murder case) આચર્યા બાદ તેની હત્યા કરી દેવાનો મામલો સપાટી પર આવ્યો છે. આ મામલાને લઇને દેશભરના તબિબોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. ત્યારે આજે રાજ્યભરમાં ચાલતા વિરોધમાં મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL - VADODARA) ના તબિબો પણ જોડાયા છે. અને તેઓ ઓપીડી સેવાથી વિમુખ રહેશે, તેવું સુત્રો જણાવી રહ્યા છે. જેને લઇને દર્દીઓની મુશ્કેલી વધે તો નવાઇ નહીં.
રેલી સ્વરૂપે નિકળીને વિરોધ નોંધાવ્યો
કલકત્તાની આર.જી. મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ બાદ તેની હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે. આ ઘટનાએ દેશવાસીઓને હચમચાવી નાંખ્યા છે. આ ઘટનાના વિરોધમાં આજે જુનિયર ડોક્ટર્સ એસોસિયેશન દ્વારા રાજ્યવ્પાપી વિરોધ દર્શાવવામાં આવ્યો છે. જેમાં રાજ્યની સરકારી હોસ્પિટલના તબિબો વ્યાપક પ્રમાણમાં જોડાયા છે. તેમાં વડોદરાની એસએસજી હોસ્પિટલના તબિબો દ્વારા સુપ્રીટેન્ડેન્ટ ઓફીસથી રેલી સ્વરૂપે નિકળીને આ વાતનો વિરોધ નોંધાવ્યો છે. આ સાથે ડોક્ટરો દ્વારા પોસ્ટર બતાવવામાં આવી રહ્યા છે. જેમાં આ પ્રકારની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યા છે.
મહિલા તેના વર્ક પ્લેસ પર સુરક્ષીત નથી
સુત્રોના જણાવ્યા અનુસાર, આજે તબિબો ઓપીડી સેવાઓથી વિમુખ રહેશે. સાથે જ ઇમરજન્સી સેવાઓમાં દર્દીઓને કોઇ પણ પ્રકારની તકલીફ ન પડે તેની પણ તકેદારી રાખવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. વિરોધ કરતા મહિલા તબિબે જણાવ્યું કે, આ ઘટના પરથી જણાય કે કોઇ પણ મહિલા તેના વર્ક પ્લેસ પર સુરક્ષીત નથી. આ માત્ર ડોક્ટરો નહી પરંતુ કામ કરતી તમામ મહિલાઓને લાગુ પડે છે. તમામે અમારી સાથે વિરોધમાં જોડાવવું જોઇએ. આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઇએ તેવી અમારી માંગ છે.
રેસીડેન્ટ ડોક્ટર પ્રોટેક્શન એક્ટ સરકાર અમલમાં લાવે
અન્ય તબિબ ડો. હર્ષે જણાવ્યું કે, કલકત્તામાં મહિલા રેસીડેન્ટ ડોક્ટર જોડે જઘન્ય ઘટના થઇ છે. બાદમાં તેમની હત્યા કરવામાં આવી છે. પહેલા આ મર્ડરને કવરઅપ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે જગ્યાએ (આર.જી. મેડિકલ કોલેજ) જ્યારે શાંતિપૂર્વક વિરોધ કરવામાં આવતો હતો ત્યારે ગુંડાતત્વોએ તે કેમ્પસમાં ઘૂસીને ડોક્ટરોને માર માર્યો હતો, હોસ્પિટલ-હોસ્ટેલને નુકશાન પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું છે. આ સંજોગોમાં ડોક્ટરો જીવ દાવ પર મુકીને દર્દીઓની સેવા કરી રહ્યા છે. તેમની સુરક્ષાનું શું ! ઓલ ઇન્ડિયા રેસીડેન્ટ ડોક્ટર એસોસિયેશનની માંગ છે કે, રેસીડેન્ટ ડોક્ટર પ્રોટેક્શન એક્ટ સરકાર અમલમાં લાવે, અને પીડિતાને ન્યાય મળે તે માટે આજે હડતાલ છે. આ હડતાલ તંત્રને જાગૃત કરવા માટે છે. આ એક્ટ આવે અને ડોક્ટરોની સિક્યોરીટીમાં વધારો થાય તો આ ઘટનાઓ ટાળી શકાય છે. સરકાર અમારી માંગ નહી સાંભળે અને પીડિતાને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ હડતાલ ચાલુ રહેશે.
આ પણ વાંચો -- VADODARA : યુવતિ દુષ્કર્મ-સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યનો ભોગ બની, યુવકે ન્યૂડ ફોટા વાયરલ કર્યા