Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પ્રાકૃતિક ખેતી અપનાવનારા કાશીરામભાઈ વાઘેલા અન્ય ખેડૂતો માટે બન્યા પ્રેરણા રૂપ

અમદાવાદના સાણંદ તાલુકાના ખીચા ગામના ખેડૂત કાશીરામભાઈ વાઘેલાએ પ્રાકૃતિક ખેતીમાં અનેરી સિદ્ધિ મેળવી છે. જમીનના જતનકાર કાશીરામભાઈએ પ્રાકૃતિક ખેતીની આહલેક જગાવીને અનેક ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળ્યા છે. કાશીરામભાઈ વાઘેલા પ્રાકૃતિક ખેતીના પ્રહરી બન્યા છે. વર્ષ ૨૦૧૩થી પ્રાકૃતિક ખેતી કરતા...
05:21 PM Jun 10, 2024 IST | Hardik Shah
Natural Farming

અમદાવાદના સાણંદ તાલુકાના ખીચા ગામના ખેડૂત કાશીરામભાઈ વાઘેલાએ પ્રાકૃતિક ખેતીમાં અનેરી સિદ્ધિ મેળવી છે. જમીનના જતનકાર કાશીરામભાઈએ પ્રાકૃતિક ખેતીની આહલેક જગાવીને અનેક ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળ્યા છે. કાશીરામભાઈ વાઘેલા પ્રાકૃતિક ખેતીના પ્રહરી બન્યા છે. વર્ષ ૨૦૧૩થી પ્રાકૃતિક ખેતી કરતા કાશીરામભાઈએ ડાંગરમાં રાસાયણિક ખેતી જેટલું જ ઉત્પાદન અને બમણો નફો મેળવવામાં સફળતા હાંસલ કરી છે.

કાશીરામભાઈના જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૧૨ સુધી તેઓ રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ કરી ખેતી કરતા હતા. જેથી પાકમાં રોગ અને જીવાતનું પ્રમાણ વધુ હતું. બીજી તરફ ઉત્પાદન ખર્ચ વધુ આવતો અને જોઈએ તેવા ભાવ મળતા નહોતા. ત્યારબાદ પ્રાકૃતિક ખેતીથી પ્રેરાઈને તેમણે ધીરે ધીરે જીવામૃત, ઘનજીવામૃત અને બીજામૃતના આધારે પ્રાકૃતિક ખેતી અપનાવી. તેમણે પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ એક વીઘાથી શરૂ કરેલો અને આજે તેઓ ૨૦ વીઘા જમીન પર પ્રાકૃતિક ઢબે ખેતી કરી રહ્યા છે.

ઉત્પાદન વિશે જણાવતા કાશીરામભાઈ કહે છે કે, તેઓ વર્ષમાં બે વખત ડાંગરની સીઝન લે છે. જેમાં દહેરાદૂન, ગુજરાતી સહિતની ૨૦થી વધુ વેરાયટીઝનું તેઓ વાવેતર કરતા હોય છે. માટી, ગોળ, ચણાનો લોટ તથા ગાય આધારિત તત્ત્વોનો ઉપયોગ કરી તેમણે જમીન ફળદ્રુપ બનાવી છે. આ ઉપરાંત કુદરતી પેસ્ટિસાઈડ તરીકે તેઓ પાક પર ગોળ અને ખાટી છાશના મિશ્રણનો છંટકાવ કરે છે. આ પદ્ધતિથી ખેતી કરવાથી જમીનમાં પાકમિત્ર કિટકોનું પ્રમાણ પણ સારું એવું વધ્યું છે. અને ડાંગરની સોડમમાં પણ વધારો થયો છે.

Natural Farming

 

કાશીરામભાઈના કહેવા પ્રમાણે, સામાન્ય રીતે રાસાયણિક ખેતીથી ઉત્પાદિત થયેલા ડાંગરનો એક મણનો ભાવ ₹ ૨૫૦થી ૩૦૦ રહેતો હોય છે. જેની સામે પ્રાકૃતિક ખેતીથી પકવેલા ડાંગરનો ભાવ ₹ ૫૫૦ જેટલો મળે છે. સાથોસાથ પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ખર્ચ ખૂબ ઓછો આવતો હોવાથી બમણો નફો મળે છે. કાશીરામભાઈ ઉમેરે છે કે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવો ત્યારે શરૂઆતમાં ઉત્પાદન ઘટવાનો ડર રહે છે, પરંતુ ધીમે ધીમે ઉત્પાદન અને ગુણવત્તા બન્ને વધી જવાથી ખેતપેદાશનું મૂલ્યવર્ધન કરીને સારો એવો નફો મેળવી શકાય છે.

રાજ્ય સરકારના એકમ ‘એગ્રિકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી’ (આત્મા) સાથે જોડાઈને જમીનના જતનકાર એવા કાશીરામભાઈએ પ્રાકૃતિક ખેતીની આહલેક જગાવીને બીજા અનેક ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળ્યા છે.

આત્માની મદદથી પ્રાકૃતિક ખેતીનો અભ્યાસ, તાલીમ અને પ્રયોગોને આધારે ખેતીમાં કાઠું કાઢનાર કાશીરામભાઈએ મધ્યપ્રદેશ, દિલ્હી, પંજાબ અને હિમાચલપ્રદેશ સહિતનાં રાજ્યોમાં યોજાયેલા સેમિનારમાં હાજરી આપીને પ્રાકૃતિક ખેતી વિષયક માર્ગદર્શન મેળવ્યું છે. પ્રાકૃતિક ખેતીમાં આવનવી તકનીકોની સફળ અમલવારી કરવા બદલ તેમને વર્ષ ૨૦૧૬માં બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.

આમ, પ્રાકૃતિક ખેતી વિષયક જાગૃતિને જ જીવનમંત્ર બનાવી કાશીરામભાઈ તેમના સંપર્કમાં આવનાર અનેક ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદા સમજાવી ચૂક્યા છે. હાલમાં તેઓ સાણંદ, બાવળા અને વિરમગામમાં કાર્યરત ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશનના ૪૫૦થી વધુ સભ્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિષયક માર્ગદર્શન આપી રહ્યા છે.

અહેવાલ - સંજય જોશી

આ પણ વાંચો - Ahmedabad : ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી

આ પણ વાંચો - Ahmedabad: સમરસ છાત્રાલય વંચિત સમાજના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ, 8,000 વિદ્યાર્થીઓના સપના કર્યાં સાકાર

Tags :
adopted natural farmingAhmedabadAhmedabad Newsfarmer of Khicha villageFarmersguardian of natural farmingGujarat FirstKashirambhai Vaghelanatural farmingSanand
Next Article