ગિરનારની પરિક્રમામાં અન્નક્ષેત્રોનું મહત્વનું યોગદાન, દાતાઓના સહયોગથી ધમધમે છે અન્નક્ષેત્રો
અહેવાલ - સાગર ઠાકર
કારતક સુદ અગિયારસ થી પૂનમ સુધી થતી ગિરનારની પરિક્રમામાં અન્નક્ષેત્રોનું મહત્વનું યોગદાન છે, પરિક્રમા શરૂ થતાં પહેલા અને પુરી થયા પછી પણ અન્નક્ષેત્રો ચાલુ રહે છે. ભવનાથ તળેટીમાં કાયમી અન્નક્ષેત્રની સાથે ધાર્મિક અને સામાજીક સંસ્થાઓના અન્નક્ષેત્ર શરૂ થાય છે અને અન્નક્ષેત્રના કારણે જ લાખોની સંખ્યામાં ભાવિકો પરિક્રમા માં ઉમટી પડે છે. ઘરમાં ન મળે તેવું ભોજન અન્નક્ષેત્રમા મળતું હોય છે, સેવાભાવિ દાતાઓના સહયોગથી પરિક્રમા દરમિયાન અન્નક્ષેત્રો ધમધમતા હોય છે, અને અનેક સેવાભાવિ લોકો અન્નક્ષેત્રમાં માત્ર સેવા અર્થે આવે છે.
ગરવા ગિરનારની લીલી પરિક્રમા હોય કે મહાશિવરાત્રીનો મેળો હોય ગિરનારની તળેટીમાં ભજન અને ભોજન કાયમ રહે છે. ગિરનારની પરિક્રમા દરમિયાન લાખો ભાવિકો આવતાં હોય છે, ત્યારે ભાવિકોની સેવા માટે અનેક ધાર્મિક અને સામાજીક સંસ્થાઓ અન્નક્ષેત્રો ચલાવે છે. ભવનાથ તળેટીમાં આવેલી ઘાર્મિક જગ્યાઓ અને આશ્રમોમાં તો બારે માસ અન્નક્ષેત્રો ચાલે છે અને પરિક્રમા દરમિયાન પણ ચાલુ હોય છે. સાથે પરિક્રમા રૂટ પર જંગલમાં પણ તંત્રની મંજૂરી સાથે મોટી સંખ્યામાં અન્નક્ષેત્રો ચાલે છે.
ગિરનારની પરિક્રમાં દરમિયાન જે કોઈ અન્નક્ષેત્ર ચાલે છે તે તમામ નિઃશુલ્ક હોય છે, સેવાભાવિ દાતાઓના સહયોગથી ધાર્મિક અને સામાજીક સંસ્થાઓ આ અન્નક્ષેત્રો ચલાવે છે. જેમાં સવારે ચા નાસ્તો બપોરે જમવાનું સાંજે ફરી ચા નાસ્તો અને રાત્રીના જમવાનું હોય છે. અન્નક્ષેત્રમાં કોઈ શુલ્ક લેવાતું નથી એટલે એનો મતલબ એ નથી કે ગુણવત્તા વગરનું ભોજન હોય, કદાચ લોકો પોતાના ઘરે પણ નહીં જમતા હોય તેવું શુધ્ધ અને સાત્વિક ભોજન અન્નક્ષેત્રમાં પીરસવામાં આવે છે. દરરોજ અલગ અલગ જાતના મિષ્ટાન, ફરસાણ, શાકભાજી, કઠોળ, પુરી, રોટલી, બાજરાના રોટલા,, રીંગણાનો ઓળો, ગિરનારી ખીચડી, કઢી, દાળ ભાત, સંભારો, છાશ પાપડ વગેરે જાણે છપ્પન ભોગ હોય તેમ રસથાળ પિરસાઈ છે.
અન્નક્ષેત્રોમાં ભાવિકોને ભોજન કરાવવા પાછળનો એક માત્ર સેવાનો હેતુ છે. ગિરનારની પરિક્રમા પુણ્યનું ભાથું બાંધવાની પરિક્રમા છે ત્યારે ભાવિકોના પુણ્યમાં ભાગીદાર બનવા ભાવિકોની સેવાના ભાવથી તેમને જાતજાતના ભોજન પીરસાઈ છે એટલું જ નહીં પરંતુ પરિક્રમામાં પસાર થતાં ભાવિકોને આગ્રહ કરીને તેમને બોલાવીને માનભેર તેમને ભોજન કરાવવામાં આવે છે. ગરીબ હોય કે અમીર અન્નક્ષેત્રમાં તમામ લોકો એક સરખા જ હોય છે અને એકી સાથે જંગલમાં વનભોજનનો આસ્વાદ માણતા હોય છે. પોતાને આંગણે આવનાર ભાવિક ભુખ્યો ન જાય અને તૃપ્ત થઈને જાય તેવા હેતુથી સેવાભાવિઓ પરિક્રમા દરમિયાન નિરંતર સેવા કરે છે, તમામ ભાવિકોને ગરમાગરમ અને સ્વાદીષ્ટ ભોજન મળી રહે છે.
એક સમય હતો કે જ્યારે ગિરનારની પરિક્રમા કરવા બહુ ઓછા લોકો આવતાં, માંડ કરીને બે પાંચ હજાર લોકો જ્યારે પરિક્રમા કરતાં ત્યારે પાંચ દિવસનું રાશન માથે બાંધીને લાવતાં. આજે પણ ઘણાં વૃધ્ધ ભાવિકો પોતાનું ભાથું સાથે લાવે છે અને જંગલમાં જાતે રોટલા ઘડીને જમે છે અને બીજાને પણ જમાડે છે. એ સમયે સાધુ સંતો પણ પોતે ભીક્ષા માંગીને અન્નક્ષેત્ર ચલાવતા, હવે સમય બદલાયો છે અને સુવિધાઓ વધી ગઈ છે. પરિક્રમાના 36 કીમી રૂટ પર 50 થી વધુ નાના મોટા અન્નક્ષેત્રો કાર્યરત હોય છે ત્યારે ભાવિકોને આરામથી ભોજન મળી રહે છે.
આ ઉપરાંત તંત્ર દ્વારા પીવાના પાણીની પુરતી વ્યવસ્થા કરવામાં આવે છે, આમ અહીં આવનાર ભાવિકોને પીવાનું પાણી અને ભોજન પુરતાં પ્રમાણમાં મળી રહે છે. ભાવિકોને માત્ર આવવા જવાના ભાડાનો જ ખર્ચ કરવો પડે છે. કારણ કે, ઉતારામાં નિઃશુલ્ક રહેવાનું તથા અન્નક્ષેત્રોમા નિઃશુલ્ક જમવાનું મળી રહે છે અને તેથી જ સમય જતાં ભાવિકોની સંખ્યામાં વધારો થતો જાય છે અને દર વર્ષે 10 લાખથી વધુ ભાવિકો ગિરનારની પરિક્રમા કરવા આવે છે અને પુણ્યનું ભાથું બાંધી જાય છે ભાવિકોની સાથે સેવાભાવિ લોકો દ્વારા ચાલતાં અન્નક્ષેત્રો પણ ક્યાંક પુણ્યના ભાગીદાર બને છે.
આ પણ વાંચો -- જાણીતા ફોટો જર્નાલિસ્ટ પદ્મશ્રી ઝવેરીલાલ મહેતાનું નિધન