Junagadh : દેવ દિવાળી થી ગિરનારની પરિક્રમાનો થશે પ્રારંભ, વહીવટી તંત્ર, સાધુ સંતો, સામાજીક સંસ્થાનો મહત્વનો ફાળો
અહેવાલ _ સાગર ઠાકર -જુનાગઢ
- દેવ દિવાળી થી ગિરનારની પરિક્રમાનો વિધિવત પ્રારંભ થશે
- છેલ્લા થોડા વર્ષોથી દેવ દિવાળી પહેલાં જ શરૂ થઈ જાય છે પરિક્રમા
- લોકોની ભીડ એકત્ર થતી હોય તંત્ર પરિક્રમાના દરવાજા ખોલી નાખે છે
- વહીવટી તંત્ર, સાધુ સંતો, સામાજીક સંસ્થાનો મહત્વનો ફાળો
- સામાજીક સંસ્થાઓમાં દ્વારા પરિક્રમામાં થાય છે અનન્ય સેવા
- વહીવટી તંત્ર દ્વારા એક મહિનાથી તૈયારી થતી હતી
- પરિક્રમાના એક દિવસ અગાઉ શરૂ થઈ ગિરનારની પરિક્રમા
- એક જ દિવસમાં એક લાખથી વધુ ભાવિકોએ કર્યો છે પ્રવેશ
- ચાલુ વર્ષે 10 લાખથી વધુ ભાવિકો ઉમટી પડે તેવી સંભાવના
જૂનાગઢમાં દેવ દિવાળી થી શરૂ થનાર ગિરનારની પરિક્રમા એક દિવસ અગાઉ જ શરૂ થઈ ચુકી છે, છેલ્લા થોડા વર્ષોથી દેવ દિવાળી પહેલા જ ભાવિકો ભવનાથ તળેટીમાં આવી પહોંચે છે અને ભાવિકોની ભીડને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા ના છુટકે પરિક્રમાના દરવાજા ખોલી નાખવા પડે છે, વિધિવત રીતે દેવ દિવાળી થી શરૂ થતી ગિરનારની પરિક્રમા માટે જીલ્લા વહીવટી તંત્ર, સાધુ સંતો અને સામાજીક સંસ્થાઓ એક મહિનાથી તૈયારી કરતાં હોય છે અને તેમનો પરિક્રમામાં મહત્વનો ફાળો હોય છે, પરિક્રમા રૂટ પર સામાજીક ધાર્મિક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર તથા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, ચાલુ વર્ષે પણ ભાવિકોના ધસારાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા એક દિવસ અગાઉ પરિક્રમાના દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે અને અંદાજે એક લાખ જેટલા ભાવિકોએ પરિક્રમા શરૂ કરી દીધી છે,ચાલુ વર્ષે 10 લાખ થી વધુ ભાવિકો પરિક્રમા કરે તેવી સંભાવના છે જેને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
ચાલુ વર્ષે 23 નવેમ્બર થી 27 નવેમ્બર સુધી ગિરનારની લીલી પરિક્રમા યોજાઈ રહી છે જેને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. પરિક્રમા રૂટ પર ઉતારા અને અન્નક્ષેત્ર ચલાવતી સંસ્થાઓ દ્વારા સેવાયજ્ઞ શરૂ થઈ ગયા છે, ગિરનારની પરિક્રમા કરવા આવતાં ભાવિકોને કોઈ અગવડતા ન પડે અને કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર પરિક્રમા પૂર્ણ થાય તેવા પ્રયાસો તંત્ર દ્વારા થઈ રહ્યા છે, પરિક્રમા રૂટ પર તંત્ર દ્વારા સતત નિરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. અન્નક્ષેત્રો, પિવાના પાણી, સફાઈ, ટ્રાફીક વ્યવસ્થા, લોકોની સુરક્ષા, તથા આરોગ્ય લક્ષી સેવાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. સમગ્ર પરિક્રમા દરમિયાન સ્વચ્છતા જળવાઈ રહે તે પણ જરૂરી છે અને સફાઈ માટેની વ્યવસ્થા અંગે ખાસ ચિંતા કરવામાં આવી છે કારણ કે જ્યારે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવતાં હોય ત્યારે કોઈ રોગચાળો ન ફેલાઈ તેના માટેની પણ તંત્ર દ્વારા તકેદારી લેવામાં આવી રહી છે. આ ઉપરાંત યાત્રીકોને જૂનાગઢ તથા ભવનાથ તળેટી સુધી પહોંચવા માટે એસટી બસની સુવિધા તથા અન્નક્ષેત્ર માટે પુરતાં પ્રમાણમાં દૂધ, પાણી તથા અનાજ અને શાકભાજીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, પરિક્રમા દરમિયાન કોઈપણ ચીજવસ્તુઓના બમણા ભાવ ન લેવાય અને નિયત ભાવે જ ચીજવસ્તુઓ મળી રહે તે માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
સામાન્ય રીતે કારતક માસની અગિયારસ એટલે કે દેવ દિવાળી થી પરિક્રમા ની શરૂઆત થાય છે પરંતુ ઘણા લોકો બે ત્રણ દિવસ અગાઉથી જ પરિક્રમા શરૂ કરે છે, તંત્ર દ્વારા અનેક વખત અપીલ કરવામાં આવી હોવા છતાં લોકોને એટલો ધસારો હોય છે કે તંત્રને ના છુટકે પરિક્રમાના દરવાજા ખોલી નાખવા પડે છે અને દેવ દિવાળી અગાઉ થી જ પરિક્રમા શરૂ થઈ જાય છે. જ્યારે લાખોની સંખ્યામાં ભાવિકો ભવનાથ તળેટીમાં ગિરનારની પરિક્રમા માટે આવતાં હોય ત્યારે સ્વાભાવિક રીતે વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને વન વિભાગ દ્વારા આયોજન સાથે પુરી તૈયારી કરવામાં આવે છે.
જૂનાગઢ પોલીસની વાત કરીએ તો ગિરનાર પરિક્રમાને લઈને અંદાજે ત્રણ હજાર જેટલો પોલીસ સ્ટાફનો બંદોબસ્ત ગોઠવાયો છે, જેમાં 8 ડીવાયએસપી, 18 પીઆઈ, 110 પીએસઆઈ, 1726 પોલીસ કર્મચારી, 435 હોમગાર્ડ જવાન, 680 જીઆરડી તથા એસઆરપીની બે ટુકડી તૈનાત કરવામાં આવી છે. પરિક્રમા દરમિયાન ગુન્હા બનતા અટકાવવા 12 સર્વેલન્સ ટીમ જેમાં 72 કર્મચારી ફરજ બજાવી રહ્યા છે, મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ ની 10 ટીમ કાર્યરત છે, આ ઉપરાંત નેત્રમ શાખા દ્વારા 285 સીસીટીવી કેમેરા મારફત પરિક્રમાનું મોનિટરીંગ થઈ રહ્યું છે., 125 બોડીવોર્ન કેમેરા સાથેના જવાનો તૈનાત છે, 49 અગ્નિ શામક, 210 વોકીટોકી, 9 નાઈટ વિઝન બાયનો ક્યુલર, 36 મેગાફોન, 55 વાયરલેસ સેટ, જેવી સાધન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, સમગ્ર રૂટ પર પોલીસની 45 છાવણી તૈયાર કરવામાં આવી છે, આમ પોલીસ ન માત્ર સુરક્ષા પરંતુ માનવિય અભિગમ સાથે ફરજ બજાવી રહી છે, ગિરનાર પરિક્રમા ધાર્મિક ઉત્સવ હોય પોલીસ સુરક્ષા સાથે લોકોને મદદ કરી રહી છે, આ ઉપરાંત જો મેડીકલ ઈમરજન્સી થાય તો તેના માટે પણ સીપીઆર તાલીમ થકી લોકોને મદદરૂપ થવાનો અભિગમ છે, જંગલ વિસ્તારમાં નેટવર્ક મળતું ન હોવાથી કોઈ વ્યક્તિને સંપર્ક કરવાની જરૂરીયાત ઉભી થાય તેના માટે તમામ રાવટી પર વાયરલેસ સુવિધા ઉભી કરવામાં આવી છે. આમ પોલીસ સુરક્ષાની સાથોસાથ માનવીય અભિગમ દાખવી રહી છે.
વન વિભાગની વાત કરીએ તો વન વિભાગની અલગ અલગ ટીમો પરિક્રમા રૂટ પર તૈનાત કરવામાં આવી છે, વન વિભાગ દ્વારા ખાસ કરીને પ્રકૃતિના જતન અને જંગલને સ્વચ્છ રાખવા માટે ખાસ અપીલ કરવામાં આવી છી, સાથોસાથ વન વિભાગના ટ્રેકર પણ સતત કાર્યરત છે જેથી વન્ય પ્રાણીઓને અથવા લોકોને પરિક્રમા દરમિયાન કોઈ વન્યપ્રાણીથી જોખમ ન રહે અને લોકો સુખ સાંતિ પૂર્વક પરિક્રમા કરી શકે, વન વિભાગ દ્વારા પાણી તથા કચરાપેટી ની વ્યવસ્થા કરવામાં આવી છે
જેથી જંગલ વિસ્તાર દુષિત ન થાય, લોકોની સુવિધા હેતુ જંગલ વિસ્તારમાં 70 જેટલા અન્નક્ષેત્રોને મંજૂરી આપવામાં આવી છે સાથે પાણીની પુરતી સુવિધા ઉભી કરવામાં આવી છે. આમ સમગ્ર તંત્ર દ્વારા પરિક્રમા કરવા આવતાં યાત્રીકોને કોઈ મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે સાથોસાથ તંત્ર દ્વારા લોકોને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી છે અને નિયત સમયે જ પરિક્રમા કરવા આગ્રહ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો -પાંજરાપોળને આ પુલ અવરજવર માટે પાંચ દિવસ બંધ,જીલ્લા પ્રસાશને જાહેરનામું પ્રસિધ્ધ કર્યું