બળાત્કારીઓને છેલ્લા શ્વાસ સુધી સજા અપાવવા અમે પ્રતિબદ્ધ : હર્ષ સંઘવી
રાજ્યય (GUJARAT) માં દિકરીઓ પર થતા દુષ્કર્મ-છેડતીના મામલે સરકારનું ગૃહ વિભાગ (HOME MINISTRY OF GUJARAT) મક્કમતાથી કામગીરી કરી રહ્યું છે. જેના ફળ સ્વરૂપે આ પ્રકારના ગુનાઓમાં કોર્ટ આરોપીઓને કડકમાં કડક સજા સંભળાવી રહ્યું છે. રાજ્યમાં દિકરીઓ સુરક્ષિત રહે, અને તેમની જોડે ખોટા કૃત્ય કરનારાઓને દાખલારૂપ સજા મળે તે માટે ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીના નેતૃત્વનું ગૃહ વિભાગ ખુબ બારીકાઇથી કામ કરી રહ્યું છે. દિકરીઓ વિરૂદ્ધના ગુનાઓમાં રાજ્ય સરકારના ગૃહ વિભાગ કડક કાર્યવાહીના આદેશો આપવામાં આવ્યા છે. જેના કારણે કન્વીક્શન રેટ વધ્યો છે.
ગુનાહિત માનસિકતા ધરાવનારાઓમાં ડર પેંસી જવા પામ્યો
સમગ્ર મામલાની પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ, વૈજ્ઞાનિક ઢબે તપાસમાં પુરાવાઓ એકત્ર કરવા માટે એફએસએલની મદદ, મજબુત પુરાવાઓ, ગવાહોનું કોર્ટરૂમ સુધી મક્કમ રહેવું અને ગૃહવિભાગની ઇચ્છા શક્તિના કારણે હવે દિકરીઓ જોડે દુષ્કર્મ જેવું હિન કૃત્ય કરનારાઓને કોર્ટ દાખલારૂપ સજા ફટકારી રહી છે. એક પછી એક કિસ્સાઓમાં કોર્ટ દ્વારા કડક સજા સંભાળાવતા હવે ગુનાહિત માનસિકતા ધરાવનારાઓમાં ડર પેંસી જવા પામ્યો છે. અને બીજી તરફ દિકરીઓનો રાજ્ય સરકાર પરનો વિશ્વાસ વધુ મજબુત બન્યો છે. તાજેતરમાં જ ગૃહમંત્રી હર્ષભાઇ સંધવીએ કહ્યું હતું કે, બળાત્કારીઓને છેલ્લા શ્વાસ સુધી સજા અપાવવા અમે પ્રતિબદ્ધ છીએ.
અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદ અને દંડ ફટકાર્યો
ઉપરોક્ત વાતની સાબિતી આપતા કિસ્સાઓ આ પ્રમાણે છે. દોઢ વર્ષ પહેલા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના એક ગામમાં 11 વર્ષની પુત્રી પર પિતાએ વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ હતી. જે મામલે સગીરાને માતા બનાવનાર નરાધમ 45 વર્ષિય પિતાને ધરમપુર સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ દ્વારા અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદ અને રૂ. 25 હજારનો દંડ ફટકાર્યો હતો. સાથે જ ભોગ બનનાર કિશોરીને રૂ. 6 લાખનું વળતર ઉપરાંત ચાઇલ્ડ વેલ્ફેર ઓફિસર અને પોલીસ ચાઇલ્ડ યુનિટને ભોગ બનનારની કાળજી રાખવાનો હુકમ કરીને ઐતિહાસીક ચુકાદો આપ્યો હતો. અન્ય એક કિસ્સામાં સુરતના કપોદ્રામાં 16 વર્ષની સગીરાનું અપહરણ કરીને તેની પર દુષ્કર્મ આચરનારા 36 વર્ષિય પરિણીત આરોપીને સેશન્સ કોર્ટે 20 વર્ષની સજા અને રૂ. 10 હજારના દંડનો હુકમ કર્યો હતો. આ કેસમાં કોર્ટે સગીરાને વળતરનો પણ આદેશ કર્યો હતો.
સરકારી વકીલે આરોપી સામેનો ગુનો પુરવાર કર્યો
અમદાવાદના અમરાઇવાડીમાં 23 વર્ષિય યુવતિ પર દુષ્કર્મ ગુજારીને તેને ગર્ભવતી બનાવવાના કિસ્સામાં આરોપી જેસિંગ ચાવડા (ઉં. 38) ને એડિશનલ સેસન્શ જજ એ 10 વર્ષની સખત કેદ અને રૂ. 15 હજારનો દંડ ફટકાર્યો હતો. આ મામલે અમરાઈવાડી પોલીસે આરોપીની ધરપકડ કરીને ચાર્જશીટ રજુ કરી હતી. કોર્ટ કેસ દરમિયાન સરકારી વકીલ મિનલ ભટ્ટે દસ્તાવેજી પુરાવા-સાક્ષી તપાસી આરોપી સામેનો ગુનો પુરવાર કર્યો હતો.
સગીરા પર બે શખ્સો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું
ધ્રાંગધ્રાના એક કિસ્સામાં વર્ષ 2016 માં સગીરાને ચોકલેટ આપવાનું કહીને લઇ જઇ તેના પર દુષ્કર્મ કેસમાં એક આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો. જેમાં એડિશનલ સેશન્સ કોર્ટમાં મામલો ચાલતા જજ દ્વારા આરોપીને આજીવન કેદ અને રૂ. 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વિસવદરના એક કિસ્સામાં એક ગામમાં રહેતી સગીરા પર બે શખ્સો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ કેસમાં સેશન્સ કોર્ટે બંને શખ્સ સુખા લવજી પરમાર અને સાજન ઉર્ફે કાબો નાનુ સોલંકી ને 20 - 20 વર્ષની સખત કેદ અને રૂ. 5 - 5 હજારનો દંડ ફટકાર્યો હતો. સાથે જ ભોગબનનારને માનસિક યાતના બદલ રૂ. 4 લાખ વળતર પેટે ચુકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો.
મદદગારી કરનાર સામે પણ ચાર્જશીટ દાખલ કરવામાં આવી
પાટણના એક કિસ્સામાં ચણાસ્મા તાલુકાના એક ગામે સગીરાને લગ્નની લાલચ આપીને તેનો દેહ ચૂંથવામાં આવ્યો હતો. જે બાદ તે ગર્ભવતી બની હતી. આ અંગેનો મામલો સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા આરોપી ભાલજી સંતુજી ઝાલાને વિવિધ ગુનામાં 10 વર્ષની સખત કેદની સજા ફરમાવવામાં આવી હતી. આ કેસમાં ગામના મિતુસિંહ વિક્રમસિંહ ઝાલાએ મદદગારી કરી હોવાનું જણાતા તેની સામે પણ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
છેડતીના કિસ્સામાં ત્રણ વર્ષની સજા
સુરતના એક કિસ્સામાં કપોદ્રામાં ઘરે જતી સગીરાની રીક્ષામાં છેડતી કરવામાં આવી હતી. છેડતી કરનાર 32 વર્ષિય યુવક બેજુભાઇ અમુભાઇ ઉગરેજીયા (ઉં. 32) ને કોર્ટે તક્સીરવાર ઠેરવ્યો હતો. આ મામલામાં કોર્રો આરોપીને ત્રણ વર્ષની સજા ફટકારી હતી.
આ પણ વાંચો -- Gujarat Teacher Bharti:ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈને આવ્યાં મોટા સમાચાર