ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગિરનારની પરિક્રમાથી સ્થાનિક અર્થતંત્ર વેગવંતુ બન્યું, વર્ષમાં બે વખત વેપારીઓને દિવાળી જેવો માહોલ

અહેવાલ - સાગર ઠાકર  જૂનાગઢમાં વર્ષમાં બે વખત મોટા ધાર્મિક ઉત્સવ યોજાઈ છે : મહાશિવરાત્રીનો મેળો અને ગિરનારની લીલી પરિક્રમાઆ. બંને ધાર્મિક ઉત્સવોને કારણે સ્થાનિક અર્થતંત્રને વેગ મળે છે અને ભવનાથ વિસ્તારના વેપારીઓને જાણે દિવાળી હોય તેવી ઘરાકી નીકળે છે....
01:16 PM Nov 28, 2023 IST | Harsh Bhatt

અહેવાલ - સાગર ઠાકર 

જૂનાગઢમાં વર્ષમાં બે વખત મોટા ધાર્મિક ઉત્સવ યોજાઈ છે : મહાશિવરાત્રીનો મેળો અને ગિરનારની લીલી પરિક્રમાઆ. બંને ધાર્મિક ઉત્સવોને કારણે સ્થાનિક અર્થતંત્રને વેગ મળે છે અને ભવનાથ વિસ્તારના વેપારીઓને જાણે દિવાળી હોય તેવી ઘરાકી નીકળે છે. મહાશિવરાત્રીનો મેળો અને પરિક્રમાથી સ્થાનિક વેપાર ધંધાને ફાયદો થાય છે. નાના મોટા વેપારીઓને સારી એવી કમાણી થઈ જાય છે, આ બંને ધાર્મિક ઉત્સવો વખતે ભાવિકોને રહેવા જમવાનો ખર્ચ થતો નથી તેથી તેઓ ખરીદી તરફ વળે છે જેનો સ્થાનિક વેપારીઓને ફાયદો થાય છે.

કોઈપણ મેળામાં જઈએ એટલે ખાણી પીણી રમકડા અને નાની મોટી ચીજવસ્તુઓ ખરીદવાનો લોકો આગ્રહ રાખતા હોય છે. જૂનાગઢમાં સમગ્ર વર્ષ દરમિયાન મહાશિવરાત્રીનો મેળો અને ગિરનારની લીલી પરિક્રમા સમયે લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. આ બન્ને ધાર્મિક ઉત્સવો દરમિયાન વિવિધ ધાર્મિક અને સામાજીક સંસ્થાઓ દ્વારા ઉતારામાં રહેવાની અને અન્નક્ષેત્રમાં જમવાની વ્યવસ્થા નિઃશુલ્ક હોય છે. તેથી ભાવિકોને માત્ર જૂનાગઢ આવવા જવાનો જ ખર્ચ લાગે છે, અને તેથી અહીં આવીને લોકો કાંઈક ખરીદી કરવાનો આગ્રહ રાખે છે.

આમ પણ જીવન જરૂરી એવા દૂધ, અનાજ અને શાકભાજી ઉપરાંત ખાણીપીણી, ચા, નાસ્તો, પાન બીડી, ઠંડા પીણાં જેવા ધંધાર્થીઓને તો ફાયદો થાય છે. સાથે પાથરણા અને સ્ટોલ નાખીને કટલેરી, રમકડાં જેવી નાની મોટી ચીજવસ્તુઓનો વેપાર પણ થાય છે.  ભવનાથ ક્ષેત્ર ધાર્મિક ક્ષેત્ર છે, સાધુ સંતો મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે રૂદ્રાક્ષની માળા, પૂજનો સામાન, દીવા, આરતી, ઘૂપ જેવી અન્ય ધાર્મિક ચીજવસ્તુઓનું પણ સારૂ એવું વેચાણ થાય છે.

ખાસ કરીને જૂનાગઢના સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવતી ઈમીટેશન જ્વેલરીની પણ મહિલાઓમાં જબરી માંગ રહે છે. ટ્રેડીશ્નલ ઈમીટેશન જ્વેલરીનું ચલણ વધ્યુ છે, ત્યારે સ્થાનિક વેપારીઓ પણ આવી ચીજવસ્તુનું વેચાણ કરીને સારી એવી કમાણી કરી લે છે. ભવનાથ વિસ્તારમાં બજાર સિમિત છે, નાના વેપારીઓ છે જે જૂનાગઢ શહેરના હોલસેલ વેપારીઓ પાસેથી માલ ખરીદીને ભવનાથમાં વેચાણ કરે છે. આમ જ્યારે ભવનાથમાં કોઈ ધાર્મિક ઉત્સવ હોય ત્યારે તેની ઘરાકીનો જૂનાગઢના વેપારીઓને ફાયદો થાય છે, અનાજ કરીયાણા, શાકભાજી, દૂધ, પાન મસાલા બીડી જેવી અનેક ચીજવસ્તુઓનો ઉપાડ બમણાંથી વધુ થાય છે.

જૂનાગઢની વસ્તી ત્રણ લાખની છે અને ધાર્મિક ઉત્સવો દરમિયાન 10 લાખ જેટલી માનવ મેદની જૂનાગઢમાં આવે છે. આમ જૂનાગઢની વસ્તીથી ત્રણ ગણી વસ્તી જૂનાગઢમાં આવે છે તેથી સ્વાભાવિક રીતે ખરીદી, ટ્રાન્સપોર્ટ થી માંડીને તમામ ક્ષેત્રે એક ઉછાળો જોવા મળે છે . જેને લઈને સ્થાનિક અર્થતંત્ર ધમધમી ઉઠે છે, જે યાત્રીકો આવે છે તે ગિરનાર પર્વત પર જાય છે અને ગિરનાર પર્વત પર માલ સામાન પહોંચાડવાનું કામ ડોલીવાળા કરે છે.  આ સમય દરમિયાન તેમને પણ વધુ ઓર્ડર મળે છે તેથી તેમને પણ સારી એવી આવક થાય છે. હવે તો ગિરનાર રોપવે પણ કાર્યરત થઈ ગયો છે જેમાં દરરોજ હજારો પ્રવાસીઓ મુસાફરી કરે છે.

  આ પ્રવાસીઓનો પણ ભવનાથના વેપારીઓને લાભ મળે છે અને નાની મોટી ખરીદીના કારણે તેમના ધંધા રોજગાર ખીલ્યા છે. અહીં આવતાં પ્રવાસીઓ જૂનાગઢની યાદરૂપે કાંઈને કાંઈક ખરીદી કરીને જાય છે અને જૂનાગઢનું સંભારણું લઈને જાય છે જેનો વેપારીઓને તો ફાયદો થાય છે સ્થાનિક અર્થતંત્ર પણ વેગવંતુ બને છે અને ધાર્મિક ઉત્સવો અર્થતંત્રને વેગવંતુ કરવાનું માધ્યમ બને છે.

આ પણ વાંચો -- ગિરનારની તળેટીમાં સાધુ સંતોની સેવા માટે ચાલે છે આ અનોખું અન્નક્ષેત્ર, વાંચો અહેવાલ

Tags :
economyfairGirnarlocal businessesParikrama
Next Article