Panchmahal : નવા સત્રમાં ભૂલકાઓ જીવ ના જોખમે ભણશે ? અનેક શાળાઓ જર્જરિત
પંચમહાલ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓના ઓરડાઓ પૈકી કેટલાક ઓરડા જર્જરિત અવસ્થામાં હોવાના કારણે નાના ભૂલકાઓ જીવ ના જોખમી રીતે અભ્યાસ કરી રહ્યા છે, જેને લઈ ચોમાસા પૂર્વે વેકેશન દરમિયાન નવા પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડાનું બાંધકામ અથવા જર્જરિત ઓરડાનું સમારકામ કરવામાં આવે એવી વાલીઓમાં ઉગ્ર માંગ ઉઠી હતી, જોકે તેમ છતાં આજદિન સુધી સંલગ્ન વિભાગ દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવી નથી.
બીજી તરફ આગામી ચાર દિવસ બાદ વેકેશન પૂર્ણ થતાં શાળાઓ શરૂ થઈ જશે અને શાળાઓ શરૂ થવાના પહેલા સંલગ્ન વિભાગ દ્વારા શાળા પ્રવેશ મહોત્સવ માં નાના ભૂલકાઓને શાળા પ્રવેશ માટે લાખો રૂપિયા ખર્ચ કરીને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
પરંતુ હાલ પણ પંચમહાલ જિલ્લામાં અનેક પ્રાથમિક શાળાઓમાં જર્જરિત ઓરડાઓ છે, હવે નવું સત્ર શરૂ થશે અને થોડા દિવસો બાદ ચોમાસુ પણ શરૂ થશે જેના કારણે હાલ વાલીઓ ચિંતિત જોવા મળી રહ્યા છે અને જર્જરિત ઓરડાની સમારકામ કામગીરી કરવામાં આવે અથવા વિદ્યાર્થીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે એવી માંગ વાલીઓમાં ઉઠી છે.
પંચમહાલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓ પૈકી કેટલીય શાળાઓના ઓરડા લાંબા સમયથી જર્જરિત અવસ્થામાં છે, આ જર્જરિત ઓરડા ડિસમેન્ટલ કરી નવીન ઓરડા બનાવવા માટે સ્થાનિક શિક્ષણ વિભાગ દ્વારા જોગવાઈ મુજબ ઠરાવ કરી રાજ્યકક્ષાએ મોકલી આપવામાં આવ્યો છે, પરંતુ આજદિન સુધી નવા ઓરડા બનવા અંગેની કામગીરી પૂર્ણ થઈ શકી નથી, અગાઉ નવીન ઓરડા બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી દરમિયાન પણ ટેકનીકલ ગુંચ કહો કે કોઇ કોન્ટ્રાકટર કામગીરી કરવા માટે તૈયાર નહિ હોવાની બાબત પરંતુ કેટલાય મહિનાઓ સુધી આ કામગીરી ખોરંભે પડી હતી જે માંડ માંડ હવે શરૂ થઈ છે, જોકે આ કામગીરી દરમિયાન તમામ જર્જરિત ઓરડા એક સાથે નવા બની જશે અને વિદ્યાર્થીઓ-વાલીઓની ચિંતા દૂર થઈ જશે એવું નથી, ખેર ! આ તમામ બાબતો વચ્ચે હોતી હૈ ચલતી હૈ ની નીતિ વચ્ચે આ વર્ષે પણ વેકેશન પૂર્ણ થઈ ગયું તેમ છતાં કેટલીય જર્જરિત ઓરડા ધરાવતી શાળાઓના વિદ્યાર્થીઓ અને વાલીઓની આશા દિવા સ્વપ્ન બની ગઈ છે, ત્યારે જોવું કે સરકારનો સંલગ્ન વિભાગ જર્જરિત ઓરડા માંથી પોપડા ખરી વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા બાદ જાગશે કે એ પૂર્વે જરૂરી કામગીરી કરશે, પરંતુ હાલ તો વાલીઓ આ જર્જરિત ઓરડાઓ ને લઈ ભારે ચિંતામાં મુકાયા છે.
પંચમહાલ જિલ્લામાં આવેલી સરકારી પ્રાથમિક શાળાના ઓરડાઓ પૈકી ૧૧૫૧ ઓરડા જર્જરિત થતાં ડિસમેન્ટલ કરવા મંજૂરી મેળવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જર્જરિત ઓરડાઓ પૈકી હાલ ૧૯૬ ઓરડાની કામગીરી કરવામાં આવી રહી છે ૨૫૬ ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે, જયારે ૩૫૯ ઓરડાનું સમારકામ કરવાની સ્થિતિમાં છે જેમાંથી ૨૫૪ ઓરડાનું સમારકામ પૂર્ણ થયું છે, અતિ જર્જરિત ઓરડામાં વિદ્યાર્થીઓને ચોમાસામાં શિક્ષણ માટે નહીં બેસાડવા અને ઉતારી લેવાની સૂચના આપવામાં આવી છે, આ ઉપરાંત અન્ય વૈકલ્પિક વ્યવસ્થા માટે આચાર્યોને સૂચન કરવામાં આવ્યું છે એમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જણાવી રહ્યા છે.
સરકાર દ્વારા દર વર્ષ યોજવામાં આવતાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ની જેમ આ વર્ષે પણ પ્રવેશોત્સવ કાર્યક્રમની તડામાર તૈયારી કરવામાં તંત્ર વ્યસ્ત બની ગયું છે, ત્યારે જાગૃત વાલીઓ જણાવી રહ્યા છે કે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ કરવામાં આવે એ આવરદાયક બાબત છે પરંતુ શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની સલામતીની બાબત અને જરૂરિયાતને પ્રાથમિકતા આપવામાં આવે એ જરૂરી છે.
અહેવાલ : નામદેવ પાટિલ, પંચમહાલ
આ પણ વાંચો : જાલોદ-ઉપલેટા બસને ગોંડલ એસ.ટી બસ સ્ટોપ પર લાવવા આગેવાનો બસની આડે સૂઇ ગયા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.