પંચમહાલ લોકસભા બેઠક માટે ભાજપે કરી રાજપાલસિંહ જાદવની પસંદગી
આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપા દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રથમ યાદીમાં પંચમહાલ લોકસભાના ભાજપના ઉમેદવાર તરીકે રાજપાલ સિંહ જાદવની પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજપાલસિંહ જાદવ ઓબીસી સમાજમાંથી અને એક યુવા નેતા છે .રાજપાલસિંહ જાદવ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
ભાજપ પ્રદેશ કારોબારી સભ્ય હોવા સાથે જ તેઓ વર્ષોથી આર.એસ સાથે પણ સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું હતું .નોંધનીય છે કે, પંચમહાલ લોકસભાના સાંસદ તરીકે રતનસિંહ રાઠોડને રિપીટ કરવામાં આવ્યા નથી. જેની પાછળના કેટલાક પ્રબળ કારણો તેઓ દ્વારા ઓછો જન સંપર્ક અને વિકાસ કાર્યો કેટલાક વિસ્તારો સુધી નહિ પહોંચ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપ એ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. તેમાં ગુજરાતના ૧૫ ઉમેદવારોનો સમાવેશ કરાયો છે જે પૈકી પંચમહાલ ગોધરા લોકસભા બેઠક માટે ઉમેદવાર તરીકે તત્કાલિન જિલ્લા પંચાયત પ્રમુખ અને કાલોલના કરોલી ગામના રહેવાસી રાજપાલસિંહ જાદવની પસંદગી કરવામાં આવી છે. રાજપાલ સિંહ જાદવ પ્રદેશ ભાજપાના કારોબારી સભ્ય છે તેમજ હાલ તેઓના પત્ની કરોલી તાલુકા પંચાયત સભ્ય તરીકે પણ કાર્યરત છે .
ટીવાય બીએ સુધીનો અભ્યાસ કરી ચૂકેલા રાજપાલસિંહ જાદવ અગાઉ કાલોલ વિધાનસભા માટે પણ દાવેદારી કરી હતી .ઓબીસી સમાજમાં એક યુવા નેતા તરીકેની છાપ ધરાવતા રાજપાલસિંહ જાદવની ભાજપે પસંદગી ઉતારતા તમામ રાજકીય પંડિતો અને દાવેદારોના દાવાઓ ખોટા સાબિત થયા છે .આ સાથે જો વાત કરવામાં આવે તો રતનસિંહ રાઠોડની સાંસદ તરીકે ના કાર્યકાળ દરમિયાન તેઓનો કેટલાક વિસ્તારોમાં જન સંપર્ક ઓછો રહેવા ઉપરાંત આંતરિક રાજકીય નેતાઓ સાથે પણ છૂપો અંતઃકલહ હોવાનું માનવામાં આવે છે. જેથી જ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઓબીસી મતદારોને બાહુલ્ય ધરાવતા પંચમહાલ લોકસભામાં ઓબીસી સમાજમાંથી આવતા યુવા નેતાની પસંદગી કરવામાં આવી છે.
અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ
આ પણ વાંચો -- World Hearing Day ની પૂર્વ સંધ્યાએ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા સ્કૂલમાં જઇ બાળકોની તપાસ કરાઇ