BHARUCH : નવલી નવરાત્રીમાં ખેલૈયાઓમાં રંગબેરંગી માટલીઓની માગ આસમાને
અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ
તહેવાર અને વ્યાપારને એક બીજાના પૂરક ગણવામાં આવે છે. અલગ અલગ તહેવારમાં સીઝન મુજબના વ્યવસાય ઉપર વેપારીઓ નિર્ભર રહેતા હોય છે. ઉનાળાની સીઝન સિવાય આસો નવરાત્રીમાં પણ કુંભારો રંગબેરંગી માટલા બનાવતા હોય છે. નવરાત્રીના પર્વમાં રંગ-રોગાન અને શણગારવાળી માટલીઓની માંગ હવે વધી ગઈ છે. કુંભારોની સંખ્યા ઘટી જવાના કારણે જે ઘણા ખરા કુંભારોએ પોતાનો વ્યવસાય જાળવી રાખ્યો છે તેઓ હાલ રોજગારી મેળવવામાં મગ્ન બન્યા છે.
માટીની માટલીઓની માંગ વધી , પણ કુંભારોની સંખ્યા નહીવત
ભરૂચ જિલ્લામાં કુંભારોની સંખ્યા નહીવત થઇ રહી છે. પરંતુ, કુંભારો જે વિસ્તારમાં રહેતા હતા તે વિસ્તારો જેવા કે કુંભારીયાવાડ, કુંભારીયા ઢોળાવ હજી પણ યથાવત છે. આ વિસ્તારોમાં રહેતા કેટલાય કુંભારીયાઓએ પોતાના બાપ-દાદાઓના કુંભારના વ્યવસાયને જાળવી રાખ્યા છે. પહેલાના સમયમાં નવરાત્રીના પર્વમાં માટીની સાદી માટલીનો ઉપયોગ કરવામા આવતો હતો. પરંતુ હવેના સમયની નવરાત્રીમાં ગરબામાં માથે ગરબો મૂકી ખેલૈયા ગરબાની રોનક જમાવતા હોય છે માટે તેને વધુ આકર્ષક અને સુંદર બનાવવા માટે લોકો રંગીન માટલીનો ઉપયોગ વધારે કરતાં હોય છે.
લોક માંગને પૂરી કરવા 500થી વધુ માટલીઓ નવરાત્રી માટે તૈયાર કરાઇ
જેના કારણે રંગ-રોગાન અને શણગાર કરેલી માટલીઓની માંગ વધી છે. ભરૂચના વેજલપુર કુંભારીયા ઢોળાવ વિસ્તારમાં મહેશ પ્રજાપતિએ પોતાના બાપ દાદાના સમયનો કુંભારનો વ્યવસાય જાળવી રાખ્યો છે. તેમના જ વિસ્તારમાં 200થી વધુ લોકો માટીની શણગાર કરેલી માટલી જગદંબાની આરાધનામાં લઈ જતા હોય છે. પરંતુ આ વિસ્તારમાં મહેશભાઈ પ્રજાપતિ જ માટીની માટલીને રંગ રોગાન કરી નયનરમ્ય સ્વરૂપ આપવાનું કામ કરી રહ્યા છે. રંગબેરંગી માટલીયો ભક્તોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. અને લોકોની આ માંગને પૂરી કરવા 500થી વધુ માટલીઓ નવરાત્રી માટે તૈયાર કરી હોવાની માહિતી તેઓએ પૂરી પાડી છે.
જૂની પરંપરાઓ આજે પણ યથાવત
ભારતીય સંસ્કૃતિની જૂની પરંપરા આજે પણ માતાજીના ભક્તોએ જાળવી રાખી છે. જેમાં ગરબા ગ્રાઉન્ડ ઉપર માથે ગરબો મૂકી માં જગદંબાની આરાધના કરવામાં આવતી હોય છે. આ ભક્તિ અને આસ્થાના સમન્વયના કારણે જ આવી કળા-કૃતિની માંગ આજે પણ યથાવત છે.
આ પણ વાંચો -- ભરુચ-દહેજ રોડ પર SRF કંપનીની બસ પલટી,15 કર્મચારીઓને નાની મોટી ઈજા