રાજ્યના આ જિલ્લામાં ગાયોનું ઝુંડ શરીર ઉપરથી દોડાવી ક્ષમાયાચનાની પ્રાચીન પરંપરા
- "દાહોદના આદિવાસી સમાજમાં 'ગાય ગોહરી' તહેવાર"
- "નવા વર્ષના દિવસે ગાય ગોહરીની અનોખી પરંપરા"
- "ગાયમાતાના આશીર્વાદ માટે દાહોદનો પરંપરાગત તહેવાર"
- "ગાયમાતાની ક્ષમાયાચના સાથે દાહોદમાં ઉજવાતો તહેવાર"
Dahod : દાહોદ જિલ્લાના આદિવાસી સમાજમાં નવા વર્ષના દિવસે ઉજવાતો ગાય ગોહરીનો તહેવાર જેમાં આસ્થા અને શ્રદ્ધા સાથે લોકો જમીન ઉપર સૂઈ જાય છે અને ગાયોનું ધાડૂ તેમના ઉપરથી પસાર થાય છે.
નવા વર્ષને લઈને અનોખી પરંપરા
દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને જિલ્લાના આદિવાસી સમાજમાં દિવાળી અને નવા વર્ષને લઈને અનોખી પરંપરા છે. વર્ષો જૂની ચાલી આવતી આ પરંપરા આજે પણ યથાવત છે. નવા વર્ષના દિવસે વહેલી સવારે ખેડૂતો પોતાના પશુઓને નવડાવી અને તેને કલર કરી મોરપીછ, ફૂમતા ઘૂઘરા સહિતની વસ્તુઓથી શણગાર કરે છે.
અનેક ગામોમાં ગાયગોહરી ઉજવાય છે. શણગારેલા પશુઓને લઈ જવામાં આવે છે અને લોકો રસ્તા ઉપર સૂઈ જાય છે અને તેમના ઉપરથી ગાયોનું ધાડું દોડીને પસાર થાય છે. ગાયોને ભડકાવવા માટે ફટાકડાનો ઉપયોગ થાય છે. ગાયોના પગમાં ફટાકડા ફોડવામાં આવે છે. જેથી ગાયો દોડવા લાગે ઢોલ નગારા સાથે ઉત્સાહભેર આ રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે. પ્રાચીન સમયથી ચાલી આવતી પરંપરા આજે પણ યથાવત છે.
ઉજવણી પાછળ શું છે માન્યતા?
ઉજવણી પાછળની માન્યતા છે કે આખું વર્ષ ખેતી સહિતના કામોમાં પશુઓનો ઉપયોગ થતો હોય છે. ત્યારે વર્ષ દરમિયાન જાણે અજાણે પશુઓને દુઃખ પહોચાડ્યું હોય કે અત્યાચાર થયો હોય તો નવા વર્ષના દિવસે ગાયમાતાને દંડવત પ્રણામ સાથે લોકો જમીન ઉપર સૂઈ જાય છે. અને ગાયમાતાની ક્ષમા માંગતા હોય છે. તેમજ આવનારું વર્ષ સારું જાય ખેતી સારી થાય તેવી આસ્થા અને શ્રદ્ધા સાથે લોકો સૂઈ જાય છે. ગાયોનું ઝુંડ તેમના ઉપરથી દોડીને પસાર થાય છે. અનેક લોકો આસ્થા સાથે આ રીતે વારાફરથી જમીન ઉપર સૂઈ જઈ ગાયમાતાની ક્ષમાયાચના માંગતા હોય છે. આટલી ગાયો શરીર ઉપરથી પસાર થયા પછી પણ કોઈને ઇજા નથી પહોચતી જે વિશે વિચારીને લોકો ચોંકી જાય છે.
સાબીર ભાભોર - દાહોદ