અમીરગઢ પોલીસે ખાનગી બસમાં લઈ જવાતું 4.26 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું
અહેવાલ - રામલાલ મીણા
રાજસ્થાનની સરહદે આવેલા અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર માદક પદાર્થના જથ્થા સાથે વિદેશી મહિલા ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી છે. અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા બાતમીના આધારે દિલ્હીથી મુંબઈ તરફ લઈ જવાતા ડ્રગ્સના જથાને પકડી એક વિદેશી મહિલા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર ગત રાત્રે
બનાસકાંઠા જિલ્લા પોલીસને મળેલી બાતમીના આધારે જિલ્લા, L. C.B. S. O. G તથા અમીરગઢ પોલીસ દ્વારા દિલ્હી તરફથી આવતી એક ખાનગી લકઝરી બસને રોકાવી તલાસી લેતાં તેમાં બેઠેલી વિદેશી નાઇજિરિયન નિવાસી વાકાઈગો રીજોઇસ મહિલા પાસેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જોકે પોલીસે વિદેશી મહિલાની અટકાયત કરી તેમની પાસેથી કુલ રૂપિયા 4 કરોડ 26 લાખ 87 હજાર 510 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ દરમિયાન અવાર નવાર કેફી દ્રવ્ય, દારૂ સહિત હથિયારો પકડતા હોય છે. ત્યારે આજે ડ્રગ્સ ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી હતી.
આ પણ વાંચો - અમદાવાદમાં દિવાળી પહેલા જ હવા બની ઝેરી, પ્રદૂષણને લઈ તંત્ર ચિંતામાં
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે