ગુજરાત હાઉસિંગ બોર્ડના 25 બ્લોકના 500 મકાન અત્યંત જર્જરિત, ફટકારી નોટિસ
ભરૂચ જિલ્લા (Bharuch District) માં અનેક ઈમારતો જર્જરિત છે. ચોમાસાની સિઝન (Monsoon Season) માં ઈમારતો ધસી પડવાના કારણે તંત્ર જર્જરિત ઈમારત મુદ્દે નોટિસ (Notice) આપી સંતોષ માનતા હોય છે. નર્મદા એપાર્ટમેન્ટ (Narmada Apartments) ના 25 બ્લોક જર્જરિત હોય એક બ્લોક ધસી પડવામાં એકનો જીવ પણ ગયો હતો. ઈમારતો ધસી પડે તો તંત્રની કોઈ જવાબદારી રહેશે નહી. તેવી ગુજરાત હાઉસીંગ બોર્ડે (Gujarat Housing Board) ફરી એકવાર નોટિસ ચોટાડી છે અને પાલિકાએ પણ ગુજરાત હાઉસીંગ બોર્ડ મકાનો ખાલી કરાવી આપશે તો જર્જરિત ઈમારતો દૂર કરાવી આપશે તેમ કહ્યું છે.
ભરૂચમાં ગુજરાત હાઉસીંગ બોર્ડની ઘણી ઈમારતો જર્જરિત અને જોખમી બની ગઈ છે. પરંતુ આ ઈમારતોને દૂર કરવામાં ગુજરાત હાઉસીંગ બોર્ડને રસ ન હોય તેમ લાગી રહ્યું છે. પરંતુ ભરૂચ કોર્ટ રોડ ઉપર આવેલા નર્મદા એપાર્ટમેન્ટના 25 બ્લોકોના 500 મકાનો જર્જરિત છે અને વારંવાર એપાર્ટમેન્ટની ઘણી ગેલેરીઓ અને ઈમારતો ધસી પણ પડી છે અને એક બ્લોક ધસી પડતા ઘરમાં ઉંઘી રહેલું પરિવાર દબાયું હતું. જેમાં એકનું મોત પણ થયું હતું અને ત્યારબાદ ભરૂચ નગર પાલિકાએ ગુજરાત હાઉસીંગ બોર્ડને જર્જરિત ઈમારત મુદ્દે જાણ પણ કરી છે. જેના પગલે રાજકોટના અગ્નિકાંડ ગુજરાત હાઉસીંગ બોર્ડે પણ નર્મદા એપાર્ટમેન્ટના જર્જરીત મકાનોમાં રહેતા લોકોને ફરી નોટિસ આપી છે અને કહ્યું છે કે, તમારા રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા ગુજરાત હાઉસીંગ બોર્ડ કરી શકે એવો કોઈ નિયમ નથી અને જર્જરિત ઈમારતમાં કોઈપણ જાનહાની થશે તો ગુજરાત હાઉસીંગ બોર્ડની કોઈ જવાબદારી રહેશે તેમ લેખિતમાં 500થી વધુ મકાનો પર નોટિસ ચોટાડી છે. ભરૂચ નગર પાલિકાના ચીફ ઓફીસર અને પ્રમુખે પણ કહ્યું છે કે ગુજરાત હાઉસીંગ બોર્ડ જર્જરિત ઈમારતોના મકાનો ખાલી કરાવી આપશે તો જર્જરિત ઈમારતો દૂર કરવા માટે સંકલનમાં રહી પોલીસ બંદોબસ્ત સાથે ઈમારતોને દૂર કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે નર્મદા એપાર્ટમેન્ટ વિસ્તારોમાં વકીલોની ઓફીસો પણ ધમધમી રહી છે. ઘણાં વ્યવસાયો પણ ધમધમી રહ્યા છે અને સતત જર્જરિત નર્મદા એપાર્ટમેન્ટ નજીક માનવ વસ્તી રહે છે અને નર્મદા એપાર્ટમેન્ટની એક પણ ઈમારત ધસી પડે તો મોટી હોનારત થવાનો ભય રહ્યો છે, જેના પગલે જિલ્લા વહીવટીતંત્ર, ભરૂચ નગર પાલિકા અને ગુજરાત હાઉસીંગ બોર્ડ સંકલનમાં રહી નર્મદા એપાર્ટમેન્ટના જર્જરિત મકાનોમાં રહેતા લોકોને દૂર કરવામાં આવે અને તમામ જર્જરિત ઈમારતો ચોમાસા પહેલા દૂર કરે તો મોટી હોનારત ટળી શકે તેમ છે.
નગર પાલિકા અને ગુજરાત હાઉસીંગ બોર્ડે નોટિસનું નાટક કરી હાથ ઉચા કર્યા....
કોઈપણ ઘટના ઘટે તો સૌ પ્રથમ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવતા હોય છે. રાજકોટના અગ્નિકાંડ બાદ અધિકારી સફાળા જાગતા હોય છે. ભરૂચ નર્મદા એપાર્ટમેન્ટ જર્જરિત હોય એક બ્લોક ધસી પડતા એકનું મોત થયા બાદ પણ ભરૂચ નગર પાલિકાએ ગુજરાત હાઉસીંગ બોર્ડની ઈમારત જર્જરિત હોય તે બાબતે નોટિસ આપતા ગુજરાત હાઉસીંગ બોર્ડે પણ નોટિસ ચોટાડી હાથ ઉચા કરવા માટે નોટિસમાં એક મેન્સન કર્યું છે કે, ગુજરાત હાઉસીંગ બોર્ડના લાભાર્થીને જર્જરિત ઈમારત મુદ્દે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની કોઈ જોગવાઈ છે નહી જેથી જર્જરિત ઈમારતમાં કોઈ હોનારત થાય તો તેની જવાબદારી ગુજરાત હાઉસીંગ બોર્ડની રહેશે નહીં...
શું નેતાઓની ભલામણથી નર્મદા એપાર્ટમેન્ટો દૂર થતાં નથી...?
નર્મદા એપાર્ટમેન્ટ જર્જરિત મુદે ઘણા અધિકારીઓ ખો–ખો નો ખેલ રમી રહ્યા છે. સાથે નેતાઓ અને ઘણા રાજકારણીઓ નર્મદા એપાર્ટમેન્ટ જર્જરિત છે તે વિસ્તારોમાં ઘણી ગેરકાયદેસર કેબીનો અને હાટડીઓ ઉભી કરી ભાડાઓ મેળવી રહ્યા છે, જેના કારણે પણ રાજકીય નેતાઓના દબાણમાં કોઈપણ વિભાગના અધિકારીઓ નકકર પગલા ન લેતા હોય તેવું માનવામાં આવી રહ્યું છે.
અહેવાલ - દિનેશ મકવાણા
આ પણ વાંચો - ભરૂચ નગર પાલિકામાં ચેરમેનોને કેબીન અને એ.સી. આપી શકાય ખરા…?