VADODARA : નિઝામપુરામાં કાંસના ગરનાળાનો એક ભાગ બેસી ગયો
VADODARA : વડોદરા (VADODARA) માં ચોમાસાની શરૂઆતમાં જ પાલિકા તંત્રની કામગીરીની પોલંપોલ ખુલી જાય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. અત્યાર સુધી આપણે શહેરના રોડ-રસ્તા પર ભૂવા પડવાની ઘટનાઓ જોઇ હતી. હવે ગાબડા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. સ્થાનિક કોર્પોરેટર જહા ભરવાડે આ કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવા તરફ આંગળી ચીંધી છે. અને કોઇ જાનહાની ન થાય તે માટે તાત્કાલીક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
રીતસરનું ગાડબું પડી ગયું
વડોદરામાં ચોમાસાની શરૂઆતથી જ અલગ અલગ વિસ્તારોમાં રોડ પર ભૂવા પડવાનું શરૂ થઇ ગયું હતું. જો કે, હવે ભૂવા જુના થયા હોય તેમ લાગી રહ્યું છે. હવે શહેરમાં મોટા ગાબડાં પડવાનું શરૂ થઇ રહ્યું છે. આજે શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં નિઝામપુરા વિસ્તારમાં ભૂખી કાંસના ગરનાળામાં રીતસરનું ગાડબું પડી ગયું હોવાનું સ્થાનિક કોર્પોરેટરે ઉજાગર કર્યું છે. અને અહીંયાથી પસાર થતા લોકોની સુરક્ષા માટે ગરનાળાનું સત્વરે રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવે તેવી માંગ કરી છે.
છેલ્લા એક અઠવાડિયાથી આ પરિસ્થીતી
સ્થાનિક કોર્પોરેટર જહા ભરવાડ જણાવે છે કે, નિઝામપુરામાં અવધપાર્ક ભૂખી કાંસનું ગરનાળું આવેલું છે. બાજૂમાં સમાજની વાડી, અતિથિ ગ્રૃહ છે. આ વોર્ડ નં 1 અને 2 ના નજીકનો વિસ્તાર છે. તમે જુઓ ભૂખી કાંસની ઉપરનું ગરનાળું બેસી ગયું છે. ભૂવો નહી આખેઆખુ ગાબડુ જ પડ્યું છે. આખો રોડ જ બેસી ગયો છે. છેલ્લા એક અઠવાડિયાથી આ પરિસ્થીતી છે. બેરીકેડીંગ કરીને અધિકારીઓ જતા રહ્યા છે. હજુ સુધી જોવા નથી આવતા. આનો યોગ્ય રસ્તો કરવો જોઇએ, તેની યોગ્ય કાળજી લેવાવવી જોઇએ.
રોડ તુટવા તંત્રનો ભ્રષ્ટાચાર
વધુમાં તેમણે જણાવ્યું કે, આ રસ્તો પહોળો કરવાની કામગીરી અમે એક વર્ષથી લેવડાવી છે. પાલિકા તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં આવી નથી. મોટું ગાબડું પડી ગયું છે. ટુ વ્હીલર સિવાય કોઇ નિકળે તો જાનહાની થઇ શકે છે. તંત્રએ પ્રિમોન્સૂનના નામે ભ્રષ્ટાચાર કર્યો છે. મોટા-નવા રોડ પર ભૂવા પડે, ગાબડા પડે, રોડ બેસી જવાની ઘટનાઓ આવે છે. મેઇન રોડ પરથી ભૂખી કાંસ દેખાય છે. તંત્ર સબ સલામતની વાતો કરે છે. શહેરભરમાં રોડ તુટવા તંત્રનો ભ્રષ્ટાચાર છે. આ જગ્યાએ તાત્કાલીક કામગીરી કરાવવાની માંગ છે. જો તેમ કરવામાં નહી આવે તો કમિશનરની ઓફીસે રજૂઆત કરવામાં આવશે.
આ પણ વાંચો -- VADODARA : બોગસ પાવતી કૌભાંડમાં VMC કર્મી સામે પોલીસ ફરિયાદ