VADODARA : જુના બાંધકામના માળખાનો એક ભાગ ધરાશાયી, જાનહાની નહી
VADODARA : વડોદરા (VADODARA) માં ગતસાંજે ભારે પવન, કડાકા-ભડાકા સાથે વરસાદે એન્ટ્રી લીધી હતી. જે બાદ પાલિકાની પ્રીમોન્સૂન કામગીરીની પોલ ખુલી જવા પામી છે. તેવામાં આજે સવારે મળસ્કે શહેરના વારસીયા રોજ પર આવેલુ જુની હવેલી જેવા માળખાનો એક હિસ્સો જમીન દોસ્ત થયો હતો. જેને લઇને સ્થાનિકોમાં ભયની લાગણી વ્યાપી જવા પામી છે. સ્થાનિકો દ્વારા આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.
એક ભાગ જમીનદોસ્ત
વડોદરામાં અનેક જોખમી અને ભયનજક બિલ્ડીંગો-મકાનો આવેલા છે. પાલિકાની નિર્ભયતા શાખા દ્વારા તેનો ઉપયોગ નહી કરવા અંગે નોટીસ પાઠવવામાં આવે છે. તેવામાં કેટલાક કિસ્સાઓમાં આકસ્મીક રીતે માળકાનો ભાગ જમીનદોસ્ત થઇ જાય છે. આવી જ એક ઘટના ગતરોજ શહેરના વારસીયા વિસ્તારમાંથી સામે આવવા પામી છે. જેમાં ગાયકવાડી શાસન દરમિયાનનું બાંધકામના માળખાનો એક ભાગ જમીનદોસ્ત થઇ ગયો છે. જેને લઇને સ્થાનિકોમાં ભયની લાગણી જોવા મળી રહી છે.
વહેલી સવારે ઘટના બની
વડોદરાના વારસિયા વિસ્તારમાં વર્ષો જૂની એક મિલ્કતનો રોડ સાઈડનો એક ભાગ તૂટી પડવાની ઘટના સામે આવી છે. વારસિયા પોપ્યુલર બેકરી સામે ગાયકવાડી શાસનકાળ દરમિયાનની જૂની હવેલી જેમાં ભાવ શીંધેનું મંદિર આવેલું છે.જેનો એક ભાગ એકાએક તૂટી પડ્યો હતો. આ અંગે સ્થાનિક જણાવે છે કે, વર્ષો જૂની આ જૂની હવેલી છે. જેમાં ભાવ શીંધેનુ ઐતિહાસિક મંદિર આવેલું છે. અહીં ત્રણથી ચાર પરિવારો રહે છે. પણ હાલમાં આ મિલ્કત પડતરરૂપ છે. ત્રણથી ચાર પરિવારો ભાડુઆત રહે છે. હજી આ મિલ્કતનો કબ્જો કોઈને સોંપવામાં આવ્યો નથી. આજે સવારે 5:30 વાગ્યાની આસપાસ રોડ સાઈડનો એક મોટો ભાગ તૂટી પડ્યો હતો. સારું છે કે વહેલી સવારે આ ઘટના બની. કોઈ જાનહાનિ થઈ નથી.
આ પણ વાંચો -- VADODARA : ઉભરાતી ગટરની સમસ્યા દુર નહી થતા મહિલાઓએ રોડ રોક્યો