VADODARA : તરસાલીના રહીશો પાણીની સમસ્યાથી ત્રસ્ત, માટલા ફોડ્યા
VADODARA : વડોદરા (VADODARA) ના તરલાસી વિસ્તારમાં આવેલી વ્રજધારા સોસાયટીના રહીશો પાણીની સમસ્યાને લઇને આક્રોશિત છે. આજે તમામે એકત્ર થઇને માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો છે. સોસાયટીના પ્રમુખે જણાવ્યું કે, સ્થાનિક કોર્પોરેટર ધનશ્યામ પટેલને જાણ કરી છે. પરંતુ તેઓ દ્વારા કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
પાલિકાનું તંત્ર નિષ્ફળ
ઉનાળા દરમિયાન વડોદરા શહેરના ખુણે ખુણે પાણીની સમસ્યા સામે આવી હતી. વડોદરા પાસે પીવાના પાણીના પર્યાપ્ત સ્ત્રોત હોવા છતાં તેના મેનેજમેન્ટમાં પાલિકાનું તંત્ર નિષ્ફળ રહ્યું છે. આજે શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી વ્રજધારા સોસાયટીના રહીશો દ્વારા ઓછું પાણી આવવાની બુમો સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સાથે જ માટલા ફોડીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
પૈસા ખર્ચીને લાવવું પડે
પાણીની સમસ્યાને લઇને મહિલાઓ સર્વે એકત્ર થઇ જણાવે છે કે, ચાર મહિનાથી પાણી નથી આવતું. કોઇ અમારી વાત સાંભળતું નથી. ત્રણ મહિનાથી અમે ટેન્કર મંગાવીને પાણી પૂરી પાડી રહ્યા છીએ. અમે વાટ જોઇ જોઇને થાકી ગયા છીએ. રાત્રે 10 - 15 મીનીટ પાણી આવે છે. જેનાથી 5 - 6 ડોલ ભરાય. તેનો ઉપયોગ આખો દિવસ કેવી રીતે ચલાવવાનો ! અહિંયા રહેતા લોકો જીઆઇડીસીમાં નોકરી કરે છે. પીવાનું તથા અન્ય વપરાશનું પાણી વધારાના પૈસા ખર્ચીને લાવવું પડે છે. અમે વેરો ન ભરીએ, તો પાલિકા કાપી નાંખે છે ! અમારી સમસ્યા તેમને કેમ દેખાતી નથી.
ટેન્કર પોષાતું નથી
વધુમાં સર્વેએ જણાવ્યું કે, પાણીનો ફોર્સ જ નથી મળી રહ્યો. 10 મીનીટ પાણી ન આવે તો મહિલાઓ શું કરી શકે ! ગરમી ચાલુ થઇ ત્યારથી આ સમસ્યા શરૂ થઇ છે. અમારા પરિવારમાં બાળકો છે. ઘરઘણી નોકરીએ જતા રહે છે, તે આખો દિવસ ઘરે નથી હોતા. અમને ટેન્કર પોષાતું નથી.
વોટ લેવા માટે બધા આવે છે
સોસાયટીના પ્રમુખ જણાવે છે કે, કાઉન્સિલરને અમે ધ્યાન દોર્યુ છે. પાલિકામાં અમે એક મહિનાથી ધક્કા ખાઇ રહ્યા છીએ. પાલિકામાંથી ટેન્કર પણ આવતું નથી. પાલિકાના અધિકારીઓ જોઇને જતા રહે છે. વોટ લેવા માટે બધા આવે છે, પરંતુ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કોઇ આવતું નથી. આખરે કોઇ રસ્તો ન નિકળતા મીડિયાનો સહારો લેવો પડી રહ્યો છે.
આ પણ વાંચો -- VADODARA : L&T સર્કલ પર વાહનોની લાંબી કતારો માથાનો દુ:ખાવો બની