VADODARA : હોળી-ધૂળેટી પર્વને લઇ વધુ ST બસો દોડશે, વિભાગે ગત વર્ષ કરતા મોટું આયોજન કર્યું
VADODARA : વડોદરા એસટી વિભાગ (VADODARA ST DIVISION) દ્વારા હોળી-ધૂળેટી (HOLI 2024) પર્વને ધ્યાને રાખીને વધુ બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. ગત વર્ષની સરખામણીએ વધુ મુસાફરોની અવર-જવરને ધ્યાને રાખીને મોટા આયોજનનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા એસટી વિભાગના નેટવર્ક ક્ષેત્ર અંતર્ગત આવતા અનેક ગામડા/ટાઉનમાં હોળી-ધૂળેટી માટે પહોંચવા મુસાફરો મોટી સંખ્યામાં આવતા-જતા હોય છે. જેને ધ્યાને રાખીને વિશેષ ટ્રાફિક સુપરવાઇઝરી સ્ટાફ પણ મુકવામાં આવ્યો હોવાનું વિભાગીય સુત્રો જણાવી રહ્યા છે.
રેલવેની સુવિધાઓ નથી ત્યાં એસટીની બસ પહોંચે
વડોદરા (VADODARA) મધ્યગુજરાતમાં મહત્વનું સ્થાન ધરાવે છે. વડોદરા એસટી ડેપો પરિવહનની મહત્વની કડી છે. હોળી-ધૂળેટી પર્વ મનાવવા માટે હજારોની સંખ્યામાં મુસાફરો પોતાના વતન જાય છે. આંતરિયાળ ગામોમાં જ્યાં રેલવેની સુવિધાઓ નથી તેવી જગ્યાએ પણ એસટી વિભાગની બસો પહોંચતી હોવાથી તેની માંગ વધુ રહે છે. દર વર્ષે હોળી-ધૂળેટી પર્વ પહેલા એસટી વિભાગ દ્વારા વધુ બસો દોડાવવાનું આયોજન કરવામાં આવતું હોય છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે એસટી વિભાગ દ્વારા મોટું આયોજન કરવામાં આવ્યું છે. જે મુસાફરો માટે આનંદની વાત છે.
વતન જવા માટે 330 બસો મુકી
ડેપો અધિકારી જણાવે છે કે, વડોદરા એસટી વિભાગ દર વર્ષે હોળી-ધૂળેટીમાં વતન જતા મુસાફરો માટે વિશેષ વ્યવસ્થા કરે છે. ગત વર્ષે 255 બસોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે તેના કરતા વધારે મુસાફરોની શક્યતાઓને ધ્યાને રાખવામાં આવી છે. આ વર્ષએ 330 બસો મુકવાનું આયોજન કર્યું છે. 20 માર્ચથી આ સાથેનું સંચાલન શરૂ કરી દેવામાં આવ્યું છે. 50 બસો એક્સ્ટ્રા મુકવામાં આવી છે, જે પૈકી 27 બસોનો મુસાફરોએ લાભ લીધો છે. ગઇ કાલે 1392 મુસાફરોએ આ બસમાં સફર કર્યો છે. આજથી 75 ટ્રીપ કરવામાં આવનાર છે. જેને ક્રમશ વધારતા વધારતા 110 ટ્રીપ સુધી લઇ જવાના છે. આ વખતે હોળી ધૂળેટીમાં વતન જવા માટે 330 બસો મુકી છે.
રાઉન્ડ ધી ક્લોક ટ્રાફિકનું મોનીટરીંગ
ડેપો અધિકારીએ વધુમાં ઉમેર્યું કે, આ સાથે જ સ્પેશિયલ ઓર્ડર થકી ટ્રાફિક સુપરવાઇઝરી સ્ટાફ મુકવામાં આવ્યો છે. જે રાઉન્ડ ધી ક્લોક ટ્રાફિકનું મોનીટરીંગ કરશે. સાથે જ દાહોદ, ઝાલોદ અને ગોધરા તરફ મુસાફરી વધુ થતી હોય છે. તેને ધ્યાને રાખીને વધુ બસો દોડાવવાનું આયોજન કરવામાં આવે છે.
આ પણ વાંચો --VADODARA : ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરીંગ કંપની પર રેન્સમવેર સાયબર એટેક