VADODARA : કળિયુગી જમાઇએ વૃદ્ધ સાસુના મોઢે ડુચો દઇ માર માર્યો
VADODARA : વડોદરા (VADODARA) માં એકલવાયુ જીવન જીવતા વૃદ્ધાને તેના જમાઇ દ્વારા મોઢે ડુચો દઇને માર મારવાની ઘટનાએ સનસનાટી મચાવી છે. દિકરી-જમાઇ વચ્ચે કોઇ મામલે મનદુખ થતા ખટરાગ ચાલતો હતો. તેવામાં ગતરોજ જમાઇએ ઘરે અચાનક ઘરે આવીને પોતાનું પોત પ્રકાશ્યું હતું. ઘરનો દરવાજો બંધ કરી જમાઇએ વૃદ્ધ સાસુને માર મારી ગાળો આપી હતી. જે બાદ સાસુનો ફોન પાણીમાં નાંખીને તે નાસી છુટ્યો હતો. આખરે સમગ્ર મામલે કારેલીબાગ પોલીસ મથક (KARELIBAG POLICE STATION) માં ફરિયાદ નોંધાવવા પામી છે. જે બાદ પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જમાઇ ઘરે કેમ આવ્યા તે અંગે વાતચીત કરી
કારેલીબાગ પોલીસ મથકમાં કુસુમબેન પ્રમોદરાય ત્રિવેદી (રહે. સરગમ એપાર્ટમેન્ટ, કારેલીબાગ) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમના પતિનું મૃત્યુ થયું છે. અને તેમની દિકરીના લગ્ન અમદાવાદ કરવામાં આવ્યા છે. જ્યાં દિકરી જમાઇ વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી મનદુખ થતા અંદરોઅંદર ઝગડા થયા કરે છે. બપોરના સમયે તેઓ ઘરમાં હતા, તેવામાં જમાઇ રાજેશ ત્રિવેદી (રહે. ગણેશ એપાર્ટમેન્ટ, અમદાવાદ) આવ્યા હતા. આ અંગે દિકરીને ફોન કરી જમાઇ ઘરે કેમ આવ્યા તે અંગે વાતચીત કરી હતી. જે બાદ જમાઇને બેસવાનું કહી પાણી માટે પુછ્યુ હતું. તે માટે હા પાડતા પાણી લેવા તેઓ રસોડામાં ગયા હતા.
ફોન પાણીમાં નાખીને નાસી ગયો
દરમિયાન જમાઇએ ઘરનો દરવાજો બંધ કરી, રસોડામાં આવી વૃદ્ધાને ધક્કો મારી દીધો હતો. અને નીચે પાડી દીધા હતા. અને ઝપાઝપી કરી ગંદી ગાળો આપી હતી. આમ કરતા સમયે વૃદ્ધા બુમો ન પાડે તે માટે પથ્થરને પ્લાસ્ટીકની થેલીમાં લપેટી મોઢામાં ડુચો મારી દીધો હતો. અને માર માર્યો હતો. તે બાદ જમાઇએ સાસુનો ફોન પાણીમાં નાખીને નાસી ગયો હતો.
પાડોશી આવતા વૃદ્ધાને સ્થિતીમાંથી મુક્ત કરાવ્યા
માતાનો સંપર્ક કરતા થઇ શક્યો ન હતો. જેથી દિકરીએ પાડોશીને ફોન કરીને ઘરે શું થઇ રહ્યું છે તેની ભાળ મેળવવા કહ્યું હતું. આખરે પાડોશી આવતા વૃદ્ધાને સ્થિતીમાંથી મુક્ત કરાવ્યા હતા. અને જાણ કરતા દિકરી પણ અમદાવાદથી આવી ગઇ હતી. આખરે સમગ્ર મામલે રાજેશભાઇ અરવિંદભાઇ ત્રિવેદી (રહે. ગણેશ એપાર્ટમેન્ટ) સામે કારેલીબાગ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો --VADODARA : બુટલેગરે SUV કારના એન્જિન અને બોડીને બનાવ્યું દારૂનું સંગ્રહસ્થાન, PCB સામે ચાલાકી નાકામ