VADODARA : જાણીતા શ્રી જગદીશની ભાખરવડી અખાદ્ય મળી આવી
VADODARA : વડોદરા (VADODARA) ના સ્ટેશન રોડ પર આવેલી જુની અને જાણીતી શ્રી જગદીશ સ્વીટ એન્ડ નાસ્તા હાઉસ (SHREE JAGDISH SWEET AND FARSAN NASTA HOUSE) ની ભાખરવડી અખાદ્ય મળી આવી હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. આ ઘટનાનો વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયા છે. ગ્રાહક દ્વારા 500 ગ્રામના રૂ. 200 લેખે એક પેકેટ ખરીદવામાં આવ્યું હતું. જેમાં ભાખરવડી ખોલતા તેમાં પ્રાથમિક દ્રષ્ટિએ ફુગ લાગી ગઇ હોવાનું નજરે પડતું હતું.
ફુગ લાગી ગઇ
વડોદરાના જગદીશની ભાખરવડી અને લીલો ચેવડો જગવિખ્યાત છે. શહેરમાં જગદીશ નામથી અનેક દુકાનો ધમધમી રહી છે. અને પોતે જુના અને જાણીતા હોવાનું કહી ભાખરવડી અને લીલો ચેવડો વેચી રહ્યા છે. આવી જ એક દુકાન બસ સ્ટેશન નજીક શ્રી જગદીશ સ્વીટ એન્ડ નાસ્તા હાઉસ (SHREE JAGDISH SWEET AND FARSAN NASTA HOUSE નામથી ચાલે છે. તાજેતરમાં અહિંયાથી ગ્રાહક દ્વારા 500 ગ્રામ ભાખરવડી ખરીદી હતી. જેનું પેકેટ ખોલીને અંદર જોતા ભાખરવડીની કિનારીએ ભરવામાં આવેલા મસાલા પર ફુગ લાગી ગઇ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઇ આવ્યું હતું.
25 દિવસ બાદ એક્સપાયરી ડેટ
ગ્રાહકે 500 ગ્રામના રૂ. 200 ચુકવ્યા હોવાનું તેના પેકેટ પર લગેલા લેબલમાં જોવા મળી રહ્યું હતું. આ ઘટનાનો ફોટો-વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે. પેકેટ પર 12 જુન, 2024 ના રોજ પેકીંગ કરવામાં આવ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. અને 25 દિવસ બાદ તેની એક્સપાયરી ડેટ હોવાનું વંચાઇ રહ્યું છે. પરંતુ તે પહેલા જ તેમાંથી અખાદ્ય ભાખરવડી મળી આવતી ખાદ્ય પદાર્થની ગુણવત્તા સામે અસંખ્ય સવાલો ઉઠવા પામ્યા છે.
લોકોએ નારાજગી વ્યક્ત કરી
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ અનેક વખત આ રીતે ખાદ્યપદાર્થોમાં ગોલમાલ મળી આવી હતી. બાદમાં તેવા એકમોના સંચાલકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી. છતાં આ સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. તો બીજી તરફ સોશિયલ મીડિયામાં મોટી સંખ્યામાં લોકોએ આ વિડીયો-ફોટો જોઇને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો -- VADODARA : MSU માં એડમિશનને લઇ વિરોધ દર્શાવવા “લોલીપોપ”નો સહારો