VADODARA : મજાક-મસ્તીથી વાત વણસતા પતાવી દેવાની ધમકી સુધી પહોંચી
VADODARA : વડોદરાના મંજૂસર પોલીસ મથક વિસ્તાર (MANJUSAR POLICE STATION - VADODARA) માં આવતા ઇન્દ્રાડ ગામે બે મિત્રો પડીકી બાબતે મજાક મસ્તી કરી રહ્યા હતા. તેવામાં પાસે રહેતો શખ્સ આવ્યો અને તેના નામે મજાક કરી રહ્યા હોવાનું જણાવીને ઉશ્કેરાઇ ગયો હતો. જે બાદ તેણે પિત્તો ગુમાવતા યુવક પર પથ્થર વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં તેના પિતા પણ જોડાયા હતા. આખરે બુમાબુમ થતા લોકોએ તેમને છોડાવ્યા હતા. આ ઘટનામાં પિતા અને પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
પડીકી ખાવાની વાતને લઇને મજાક
મંજૂસર પોલીસ મથકમાં અજયભાઇ ભુપતભાઇ પરમાર (રહે. ઇન્દ્રાડ ફળિયું, સાવલી) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ શ્રમિક છે. તેઓને અગાઉ ફ્રેક્ચર થયું હતું જેથી ઘરે બેઠા હતા. પત્ની જમવાનું બવાનતા હતા. અને ભાણીયો કામે ગામમાં ગયો હતો. તેવામાં ફળિયામાં રહેતો લખાભાઇ ડાહ્યાભાઇ રાઠોડિયાએ તેમની પાસે આવીને બંને પડીકી ખાવાની વાતને લઇને મજાક કરતા હતા. તેવામાં ફળિયામાં રહેતો વિજયસિંહ મેલસિંહ રાઠોડિયા તેની પાસે આવ્યો હતો. અને કહ્યું કે, તુ મારી મજાક કેમ કરે છે ? તેમ કહી તેણે ગાળો આપવાનું શરૂ કરી દીધું હતું.
સિમેન્ટનું નળિયુ હાથમાં મારી દીધું
જે બાદ તેઓ કહે છે કે, અમે તારી વાતો નથી કરતા. બાદમાં વિજયે ઉશ્કેરાઇ જઇને અજયની ફેંટ પકડી લીધી હતી. જેથી અજયના પત્ની લક્ષ્મીબેન છોડાવવા વચ્ચે પડ્યા હતા. તેવામાં વિજયના પિતા મેલસિંહ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. અને ઝપાઝપી કરવા લાગ્યા હતા. દરમિયાન વિજય સામેના રસ્તા પર પડેલો ધારદાર પથ્થર લઇને આવ્યો હતો. અને અજયના માથે ઘા કરી દીધો હતો. અને તેના પિતાએ સિમેન્ટનું નળિયુ અજયના હાથે મારી દીધું હતું. ઘટનામાં બુમાબુમ થતા ફળિયાના લોકો એકત્ર થઇ ગયા હતા. ઝઘડામાંથી છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા. અને મહામુસીબતે છોડાવ્યા હતા.
જાનથી પતાવી દઇશ
તેવામાં વિજય અને તેના પિતાએ લક્ષ્મીબેનને ધમકી આપતા કહ્યું કે, તમે બંને અહિંયાથી જતા રહેજો, નહિતો હું જાનથી પતાવી દઇશ. આ ઘટનામાં માથામાં ઇજા પહોંચતા અજયને 108 એમ્બ્યુલન્સ મારફતે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તેને માથાના પાછળના ભાગે ત્રણ ટાંકા આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરોક્ત મામલે વિજયભાઇ મેલસિંહ રાઠોડિયા અને મેલસિંહભાઇ (બંને રહે. ઇન્દ્રાડ, વડોદરા ગ્રામ્ય) સામે ફરિયાદ નોંધવામાંં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- UP : અમેઠીમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર અડધો ડઝનથી વધુ વાહનોમાં તોડફોડ, BJP પર આરોપ