VADODARA : MSU માં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશ બાબતે મોટો નિર્ણય લેવાના સંકેતો
VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (VADODARA - MSU) માં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશની પ્રથા દુર કરવાના સંકેતો મળી રહ્યા છે. તાજેતરમાં યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓના ડીનની સંયુક્ત બેઠકમાં યુનિ સત્તાધીશો દ્વારા આ પ્રસ્તાવ મુકવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
જુની પ્રથાનો અંત આણવાનું નક્કી
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અગાઉ એક સ્વાયત્ત યુનિવર્સીટી હતી. પરંતુ કોમન એક્ટ લાગુ થયા બાદ તે પ્રમાણેનું સ્ટેટસ રહ્યું નથી. રાજ્ય સરકાર દ્વારા યુનિ.ના પ્રથમ વર્ષમાં એડમિશન માટે પોર્ટલ શરૂ કર્યું છે. જે બાદ હવે યુનિ સત્તાધીશો દ્વારા યુનિ.માં 70 ટકા સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તેવી ચાલતી જુની પ્રથાનો અંત આણવાનું નક્કી કર્યું હોય તેવા અણસાર જોવા મળી રહ્યા છે.
ખાનગી યુનિવર્સિટીઓને ધી કેળા
આ વાતની સાબિતી આપતી ઘટના તાજેતરમાં થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. તાજેતરમાં યુનિ.ની વિવિધ ફેકલ્ટીના ડીનની સંયુક્ત બેઠક યોજવામાં આવી હતી. જેમાં યુનિ. સત્તાધીશો દ્વારા આ ક્રાઇટેરીયા કાઢી નાંખવા માટેનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જો તેમ થાય તો વડોદરાવાસીઓને મોટો અન્યાય થશે તેવી લોકચર્ચાઓએ જોર પકડ્યું છે. તો બીજી તરફ વડોદરાની ખાનગી યુનિવર્સિટીઓને ધી કેળા થાય તેવી સ્થિતીનું સર્જન થઇ શકે છે.
ક્રાઇટેરીયાને ભૂતકાળ બનતા વાર નહિ લાગે
યુનિ.ની વિવિધ ફેકલ્ટીના ડીનની સંયુક્ત બેઠકમાં મુકવામાં આવેલા પ્રસ્તાવ અંગે હાલ કોઇ ખુલીનો બોલવા તૈયાર નથી. યુનિ.ને કોમન એક્ટમા સમાવવા અંગે પણ વિરોધ થયો હતો. પણ તેનું કોઇ પરિણામ મળી શક્યુ ન હતું. તેવી જ રીતે આ વાતને લઇને પણ કોઇ મોટા પાયે વિરોધ કરવામાં નહિ આવે તો આ ક્રાઇટેરીયાને ભૂતકાળ બનતા વાર નહિ લાગે. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે. આ મામલે કોંગી આગેવાન નરેન્દ્ર રાવત દ્વારા વીસીને પત્ર લખીને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
આ પણ વાંચો -- VADODARA : સ્માર્ટ વિજ મીટરનો કકળાટ, કચેરીએ લોકોનો હલ્લાબોલ