VADODARA : MSU માં એડમિશનને લઇ વિરોધ દર્શાવવા "લોલીપોપ"નો સહારો
VADODARA : વડોદરાના વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) માં એડમિશન મામલે ગતરોજથી પ્રચંડ વિરોધ ચાલી રહ્યો છે. જેમાં આજે એક વિદ્યાર્થી જૂથના વિદ્યાર્થી અગ્રણીઓ દ્વારા મસમોટી લોલીપોપ સાથે રાખીને વિરોધ દર્શાવવામાં આવ્યો છે. સાથે જ હવે લોલીપોપ નહી ચાલે તેવા પોસ્ટરો રાખવામાં આવ્યા હતા. આ સમયે યુનિ. સત્તાધીશો દ્વારા પોલીસ પણ બોલાવી લેવામાં આવી હતી. આ તકે એડમિશનથી વંચિત વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બાદમાં પોલીસ દ્વારા વિદ્યાર્થી નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.
હેડ ઓફીસ જઇને વિરોધ
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એડમિશનને લઇને બબાલ ચાલી રહી છે. ગતરોજ કાળા દિવસ તરીકે ઉજવણી કરીને શહેરના શ્રેષ્ઠીઓ વિરોધમાં જોડાયા હતા. ત્યારે વીસી દ્વારા મોડી સાંજે 1400 બેઠકોનો વધારો કરવામાં આવ્યો હોય તેવી જાહેરાત કરવામાં આવી હતી. જો કે, આ જાહેરાતને યુનિ.ના વિદ્યાર્થી નેતાઓ દ્વારા લોલીપોપ સમાન ગણવામાં આવી રહી છે. અને વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એમ. એસ. યુનિ.માં એડમિશન મળે તેવી માંગ ઉઠાવવામાં આવી છે. આજે એક વિદ્યાર્થી જુથના નેતાઓ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે મોટી લોલીપોપ યુનિ. હેડ ઓફીસ લઇ જઇને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
1400 બેઠકોથી અમને સંતોષ નથી
વિદ્યાર્થી અગ્રણી જણાવે છે કે, આ લોલીપોપ અમે વીસી સાહેબને આપવા આવ્યા છીએ. જે રીતે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને તમણે લોલીપોપ આપી છે. જેથી અમે આ લોલીપોપ તેમના આપવા આવ્યા છીએ. અને કહેવું છે કે, આ લોલીપોપ તમે રાખો, પણ સ્થાનિક વિદ્યાર્થીઓને લોલીપોપ ન આપો. યુનિ.માં બેઠકો વધારવામાં આવે તેવી અમારી માંગ છે. 1400 બેઠકોથી અમને સંતોષ નથી. વડોદરાનો વિદ્યાર્થી 50 ટકા લાવ્યો હોય તો પણ તેને એડમિશન મળવું જોઇએ.
આજે અમે લોલીપોપ આપવા આવ્યા
અન્ય અગ્રણીએ કહ્યું કે, ગઇ કાલે વીસી સરે કહ્યું કે, 1400 બેઠકોનો વધારો કરવામાં આવ્યો છે. વડોદરામાં પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળવું જોઇએ. ગઇ કાલે વીસીએ 1400 બેઠકોનો વધારો કરવામાં આવ્યો છે. જે લોલીપોપ સમાન છે. આજે અમે તેમને મોટી લોલીપોપ આપવા આવ્યા છીએ. જો કે, મસમોટી લોલીપોપ વીસીને આપવા યુનિ. હેડ ઓફીસ પહોંચેલા વિદ્યાર્થી નેતાઓની પોલીસે અટકાયત કરી હતી. દરમિયાન વિદ્યાર્થી નેતાએ જણાવ્યું કે, વીસી અમારો અવાજ દબાવવાના પ્રયત્નો કરી રહ્યા છે.
આ પણ વાંચો -- VADODARA : “શહેર વેચવા કાઢ્યું છે”, ભાજપના કોર્પોરેટરનો બળાપો