VADODARA : રૂ. 59.16 લાખની ઉચાપત મામલે આવ્યો નવો વળાંક
VADODARA : તાજેતરમાં ડેસરના વિશ્વા પેટ્રોલ પંપ પર પૈસાની ઉચાપતની ઘટના બાદ ધાકધમકી મામલે ભાજપના નેતા અને બરોડા ડેરીના ડિરેક્ટર કુલદિપસિંહ રાઉલજી સામે ડેસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જે મામલે આજે નવો વળાંક આવ્યો છે. આ મામલે કુલદિપસિંહ રાઉલજીના મોટાભાઇએ વળતી ફરિયાદ નોંધાવી છે. હવે આ સમગ્ર ઉચાપત પ્રકરણમાં સાચુ કોણ તે નક્કી કરવું અટપટુ બન્યું છે.
પંપ વર્ષ 2020 થી કાર્યરત
ડેસર પોલીસ મથક (DESAR POLICE STATION) માં પ્રવિણસિંહ ઉદેસિંહ રાઉલજી (રહે. વેજપુર, ડેસર) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ વિશ્વા પેટ્રોલ પંપના માલિક છે. આ પંપ વર્ષ 2020 થી કાર્યરત છે. જેમાં ચૌહાણ વિરલકુમાર ગિરવતસિંહ મેનેજર તરીકે કામ કરતા હતા. પરમાર સત્યમસિંહ લક્ષ્મણસિંહ, રણજીતસિંહ મનહરસિંહ રાઠોડ, ચાવડા દશરથસિંહ બળવંત સિંહ, ફીલર તરીકે કામ કરતા હતા.
હિસાબો જોઇને જણાવીશું
ફીલર તરીકે ગ્રાહકોને વેચાણ, ઓનલાઇન પેમેન્ટ સ્વીકારી પંપના ડીએસઆર કોમ્પ્યુટરમાં રીડીંગ, ડિયુ મીટરની નોઝલ વાઇઝ મેળવી તે નાણાં મેનેજરને જમા કરાવવાનું હતું. જે નાણા અંગે મેનેજરે ડેટા ચેક કરીને બેંકમાં જમા કરાવવાના હતા. સાથે રોજેરોજનો ખર્ચ નિભાવણીની કામગીરી કરવાની હતી. તેઓ ફરાસખાનાનો પણ ધંધો કરતા હોવાથી પેટ્રોલપંપ પર હાજરી આપી શકતા ન્હતા. તેવામાં વર્ષ 2024 માં હિન્દુસ્તાન પેટ્રોલિયમ તરફથી મોટી રકમ બાકી હોવા અંગેની જાણ કરવામાં આવી હતી. જે અંગે મેનેજરને પુછતા તેણે હિસાબો જોઇને જણાવીશું તેમ કહ્યું હતું. ત્યાર બાદ એકાઉન્ટન્ટને બોલાવીને પુછતા તેણે જણાવ્યું કે, પેઢીના હિસાબો લાંબા વખતથી હાથ ઉપરની સિલક મેનેજર પાસે વધારે છે. અને આથી કંપનીના ખાતાના પૈસા જમા કરાવ્યા નહી હોય.
59.16 લાખ ઓછા ભર્યા
જે બાદ મેનેજરને બોલાવીને પુછતા તેણે હાથ પર કોઇ સિલક ન હોવાનું જણાવ્યું હતું. બાદમાં સીએ દ્વારા હિસાબોની ચકાસણી કરવામાં આવી હતી. તેમાં હકીકત જાણવા મળી કે, હિન્દુસ્તાન પેટ્રોલિયમ દ્વારા નિયત કરાયેલી સેલ્સ રેકોર્ડ બુક નિભાવવાની હોય છે. જેમાં તારીખ, પંપ વાઇઝ રીડીંગ, નોઝલ વાઇઝ ટેસ્ટીંગ અને રજીસ્ટર નિભાવવાનું હોય છએ. આ અંગે મેનેજર વિરલ કુમાર દ્વારા વાસ્તવીક વેચાણની જગ્યાએ ઓછા વેચાણનું નોંધી, તે વેચાણ મુજબના પૈસા પેઢીમાં જમા કરાવવામાં આવતા હતા. તફાવતના નાણાંની ઉચાપત કરવામાં આવતી હતી. અને પેઢીના હિસાબો ડેઇલી રિપોર્ટ મુજબ તૈયાર કરવામાં આવતા હતા. આ અંગે મેનેજર વિરલ ચૌહાણને હાથ ઉપરની સિલક પેઢીમાં ન હોવા અંગે પુછતા જણાઇ આવ્યું કે, મેનેજર વિરલકુમાર ગિરવતસિંહ, ફીલર પરમાર સત્યમસિંહ લક્ષ્મણસિંહ, રણજીતસિંહ મનહરસિંહ રાઠોડ, ચાવડા દશરથસિંહ બળવંત સિંહ, અને વીરપાલસિંહ અજીતસિંહે વર્ષ 2022 - 2023 માં વેચાણ પૈકી રૂ. 24.06 લાખ બેંકમાં ઓછા ભર્યા હતા. વર્ષ 2023 - 2024 માં કુલ વેચાણ પૈકી રૂ. 35.10 લાખ ઓછા ભર્યા હતા. આમ વર્ષ 2022 - 2024 દરમિયાન 59.16 લાખ ઓછા ભર્યા હોવાનું સામે આવ્યું હતું. જે તેમણે સ્વિકાર્યું હતું. આ અંગેની કબુલાત તમામે મારા ભાઇ કુલદિપસિંહ રાઉલજીને જણાવી હતી.
બદઇરાદાથી અને દબાણમાં લેવા ફરિયાદ નોંધાવી
આ રકમ ઓગષ્ટ - 2024 સુધીમાં પરત ચુકવવાની બાંહેધારી આપી હતી. સામે તેમની સામે કોઇ કાનુની કાર્યવાહી નહી કરવા માટેની વિનંતી કરી હતી. જે અંગે પાંચેય જણાએ લખાણ આપ્યું હતું. જેને નોટરી કરાવવામાં આવ્યું હતું. પરંતું ઉચાપત કરેલી રકમ પરત નહિ આપવાના બદઇરાદાથી અને દબાણમાં લેવા માટે નાના ભાઇ કુલદિપસિંહ રાઉલજી સામે ડેસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પાંચ સામે ફરિયાદ
આખરે ઉપરોક્ત મામલે રૂ. 59.16 લાખની ઉચાપત મામલે મેનેજર વિરલકુમાર ગિરવતસિંહ ચૌહાણ (રહે. અમરેશ્વર), ફીલર પરમાર સત્યમસિંહ લક્ષ્મણસિંહ (રહે. મેરાકુવા, ડેસર) , રણજીતસિંહ મનહરસિંહ રાઠોડ (રહે. મેરાકુવા, ડેસર) , ચાવડા દશરથસિંહ બળવંત સિંહ (રહે. કલ્યાણા, ગોધરા) અને વીરપાલસિંહ અજીતસિંહ રાઠોડ (રહે. મેરાકુવા, ડેસર) સામે ફરિયાદ નોંધાઇ છે.
નવો વળાંક આવ્યો
અત્રે ઉલ્લેખીય છે કે, આ મામલે અગાઉ ભાજપના નેતા કુલદિપસિંહ રાઉલજી સામે મેનેજરે ધાક-ધમકી અંગેની ફરિયાદ નોંધાવી હતી. આજે આ મામલે વળતી ફરિયાદ નોંધાઇ છે. જેના કારણે આ મામલે નવો વળાંક આવ્યો છે.
આ પણ વાંચો -- VADODARA : BJP ના નેતાએ પૈસા વસુલવા ફિલ્મી સ્ટાઇલ અજમાવી