VADODARA : મંજુસરની રાજ ફિલ્ટર કંપનીના સંચાલકો સામે ગંભીર આરોપ
VADODARA : વડોદરા પાસે આવેલી મંજુસર જીઆઇડીસી (Manjusar GIDC) માં કાર્યરત રાજ ફિલ્ટર એન્ડ વાયરમેન પ્રા. લી. (Raj Filters & Wiremesh Pvt. Ltd.) કંપનીમાં મશીન પર કામ કરતી વેળાએ અનેક કર્મચારીઓએ પોતાની આંગળીઓ ગુમાવી છે. આ વાત જાણતા હોવા છતાં સંચાલકો દ્વારા કોઇ જરૂરી વ્યવસ્થા કરવામાં નહી આવતા આજે મામલો પોલીસ મથક પહોંચ્યો છે. અને કંપની સંચાલક અને તેના પુત્ર વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ અગાઉ પણ કંપની અનેક વિવાદોમાં આવી ચુકી છે.
કંપની બે શિફ્ટમાં ચાલે છે
મંજુસર પોલીસ મથકમાં જુવાનસિંહ રયજીસિંહ ગોહિલ (રહે. ભાથીજી ફળીયુ, સાવલી) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તે વર્ષ 2010 માં મંજુસર જીઆઇડીસીની રાજ ફિલ્ટર એન્ડ વાયરમેન પ્રા. લી. કંપનીમાં હેલ્પર તરીકે જોડાયા હતા. ત્યારથી તેઓ કંપનીમાં પ્રેસ ઓપરેટર તરીકે કામ કરે છે. કંપની બે શિફ્ટમાં ચાલે છે, પ્રથમ શિફ્ટમાં 400 વર્કરો અને બીજી શિફ્ટમાં 150 વર્કરો જુદા-જુદા મશીન પર કામ કરે છે. કંપની અલગ અલગ પ્રકારના ફિલ્ટર અને ગાસકેટ પાવર પ્રેસ મશીન, લેથ મશીન અને સીએનસી મશીન દ્વારા બનાવે છે.
પ્રેસ મશીનમાં સેન્સર લગાડવા
ફિલ્ટર તૈયાર કરવામાં સૌ પ્રથમ એમ્બોઝ (ઢાંકણા) મશીન આવે છે. તેના પર તેઓ કામ કરે છે. મશીનમાં કોપરની કોઇલ મુકી, તે રોલમાંથી બહાર કાઢી, પાવર પ્રેસ મશીન પર સ્ટ્રોક મારતા ડાઇ સાઇઝનું એમ્બોઝ તૈયાર થાય છે. બીજો સ્ટ્રોક મારે એટલે બીજી તરફનું એમ્બોઝ તૈયાર થાય છે. પરંતુ ક્યારેક રીજેક્ટ માલ મશીનના સ્ટોકમાં ભરાઇ જતા, મશીન રનીંગ સ્ટોક થઇ જતું હોય છે. અને સ્ટોક ઓટોમેટીક દબાઇ જાય છે. આ પાવર પ્રેસ મશીન પર કામ કરવા માટે પ્રોટેક્શન તરીકે હેન્ડ ગ્લોવ્ઝ, ચશ્મા, તથા કંપની શુઝની જરૂર પડે છે, જે કંપની દ્વારા પુરતા પ્રમાણમાં આપવામાં આવે છે. મશીનમાં રનીંગ સ્ટોક થઇ જવાના કારણે કંપનીના કર્મચારીઓની આંગળી કપાઇ જવાના બનાવો બન્યા છે. કેટલીય વખત કંપનીના કર્મચારીઓ દ્વારા માલિક શબ્બીરભાઇ થાનાવાલા અને તેમના પુત્ર મુફદલ થાનાવાલાને પાવર પ્રેસ મશીનમાં સેન્સર લગાડવા, અથવા સેન્સરવાળું પાવર પ્રેસ મશીન લાવવા જણાવ્યું છે. જેથી કર્મચારીઓની આંગળી કપાઇ ન જાય. પરંતુ પાવર પ્રેસ મશીનમાં સેન્ટર ફીટ ન થઇ શકે તેમ જણાવવામાં આવ્યું હતું. કર્મચારીઓની આંગળીઓ કપાઇ જવાની ઘટનાઓ બાદ પણ હાલ સુધી કંપનીમાં મેન્યુઅલી કામ થાય તેવા પાવર પ્રેસ મશીનો ચાલું છે.
બેદરકારી દાખવતા
ફેબ્રુઆરી - 2024 માં મશીનમાંથી એમ્બોઝ બહાર કાઢવા જતા મશીન તેમના હાથ પર પડ્યું હતું. તેમાં ત્રણ આંગળીઓ કપાઇ ગઇ હતી. બુમાબુમ થતા બધા દોડી આવ્યા હતા. બાદમાં તેમની સારવાર હાથ ધરવામાં આવી હતી. જે સમયે કંપનીના એચ.આર. મેનેજર રૂતુલબેન પરીખ દ્વારા સારવારનો ખર્ચ આપવાની વાત કરવામાં આવી હતી. પરંતુ બાદમાં ખર્ચ આપ્યો ન્હતો. અગાઉ કંપનીના અનેક કર્મચારીઓએ પોતાની આંગળીઓ ગુમાવી છે. છતાં સંચાલકો દ્વારા આ મામલે કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આખરે ઉપરોક્ત મામલે બેદરકારી દાખવતા રાજ ફિલ્ટર એન્ડ વાયરમેન પ્રા. લી. કંપનીના સંચાલક શબ્બીરભાઇ અબ્દુલસેન થાનાવાલા અને તેનો પુત્ર મુફદલ શબ્બીરભાઇ થાનાવાલા (બંને રહે. અમન ટાવર, ફતેગંજ, વડોદરા) સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : ફતેગંજ બ્રિજ પર સન્નાટો, રોડ પર ટ્રાફીક જામના દ્રશ્યો