VADODARA : નવા બાંધકામમાં બેદરકારીને લઇ ફ્લેટની માટી ધસી પડી, નિર્ભયતા શાખાએ કામગીરી સંભાળી
વડોદરા (VADODARA) ના વાસણા-ભાયલી રોડ પર આવેલા સિદ્ધી વિનાયક પ્લાઝાની બાજુમાં અન્ય સાઇટનું બાંધકામ ચાલી રહ્યું છે. બાંધકામ વેળાએ બેદરકારી દાખવતા ફ્લેટની કોમન દિવાલની માટી ધસી પડી છે. અને અનેક પરિવારો ભયના ઓથાર હેઠળ જીવવા મજબુર બન્યા છે. આ અંગેની જાણ કરવામાં આવતા ફાયરના લાશ્કરો ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલ ઘર હોવા છતાં રહીશો બહાર બેસવા મજબૂર બન્યા છે.
સ્થાનિકોમાં ભારે ચિંતા
વડોદરાના વાસણા-ભાયલી રોડ પર સિદ્ધી વિનાયક પ્લાઝા નામના ફ્લેટ્સ આવેલા છે. જેની બાજૂમાં આવેલી જગ્યા પર આશરે દોઢ મહિનાથી બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે. આજે સિદ્ધી વિનાયક ફ્લેટ અને બાંધકામ વાળી જગ્યાની કોમન દિવાલની માટી કેટલીક જગ્યાએથી ધસી પડવાની ઘટના બની છે. અને બિલ્ડીંગને જોખમની સ્થિતી ઉભી થઇ છે. જે બાદ સ્થાનિકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે. જે બાદ ફાયરના લાશ્કરોએ સ્થળ પર પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે નિર્ભયતા શાખાને વધુ કામગીરી સોંપવામાં આવી છે. હાલ તબક્કે પરિવારો બહાર બેસવા માટે મજબૂર બન્યા છે.
તમામ બાજુએથી બેરીકેટીંગ કરવા જણાવાયું
ફાયર જવાન જણાવે છે કે, સવારે સિદ્ધી વિનાયક પ્લાઝાનો સ્બેલ ધરાશાયી થયો હોવાનો કોલ મળ્યો હતો. સ્થળે પહોંચતા જાણ્યું કે બાજુમાં બાંધકામ ચાલી રહ્યું છે. જેનું ખોદકામ કરવાના કારણે સ્લેબ ધરાશાયી થયો છે, તેવી પ્રાથમિક વિગત જાણવા મળી. જે બાદ નિર્ભયતા શાખાને સ્થળ પર બોલાવી લેવામાં આવી છે. જે આગળની વધુ કાર્યવાહી હાથ ધરશે. સાથે જ તમામ બાજુએથી બેરીકેટીંગ કરવા પણ જણાવાયું છે.
પાર્કિંગ બ્લોકની માટી ધસી પડી
મહિલા જણાવે છે કે, એક મહિના પહેલા બાંધકામ ચાલું કર્યું છે. જેવું મકાન બાંધવાનુ્ ચાલુ કર્યું તેમાં એ બ્લોકની વોલ તુટી પડી. જે પછી તમામે ભેગા થઇને બિલ્ડરને અરજી કરી હતી. તેમાં જણાવ્યું હતું કે, વોલ સેફ્ટી કરો, અમને પુરૂ સેફ્ટી પ્રોટેક્શન આપો. બિલ્ડરે અઠવાડિયામાં કામગીરી પૂર્ણ કરવાની બાંહેધારી આપી હતી. પણ બિલ્ડરે તેનું કામ ચાલુ કર્યું. આજે પાર્કિંગ બ્લોકની માટી ધસી પડી છે. અમારે આજે ફ્લેટની બહાર બેસવાનો વારો આવ્યો છે. અમે અમારી જમાપૂંજી બિલ્ડીંગમાં લગાવેલી છે. તેની માટે જવાબદાર કોણ !
અમે સ્વખર્ચે કરીશું
સાઇટ કર્મી નિલેશભાઇ જણાવે છે કે, અમે અમારૂ ફાઉન્ડેશનનું કામ કરી રહ્યા હતા. તે દમિયાન તેમની દિવાલ ખુલ્લી થઇ છે. તેમનું પ્લમ્બિંગ-ડ્રેનેજનું લિકેજ હતું. જે ભીની માટી ધસાઇ ગઇ છે. જે અંગે તેમની સાથે વાત થઇ ગઇ છે કે, આ બધુ અમે સ્વખર્ચે કરીશું. અમારી કોમન દિવાલ છે. જ્યાંથી માટી ધસી છે ત્યાં અમે કરી આપીશું.
આ પણ વાંચો --VADODARA : મનુભાઇ ટાવરના 7 માં માળે આગ, મોટું નુકશાન થતા બચ્યું