VADODARA : વટવૃક્ષ ધરાશાયી થતા વાહનોનો ખુરદો બોલી ગયો
VADODARA : વડોદરા (VADODARA) માં વગર વરસાદ-વાવાઝોડાએ એક વટવૃક્ષ ધરાથાયી થતા કાર-રીક્ષાનો ખુરદો બોલી ગયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. પરંતુ કાર-રીક્ષા મળી બે વાહનોને મોટું નુકશાન પહોંચ્યું છે. આ ઘટનાને પગલે પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે. મુખ્ય માર્ગ પાસેનું વટવૃક્ષ વરસાદ અને વાવાઝોડાની સ્થિતી વચ્ચે ધરાશાયી થયું હોત તો સ્થિતીની કલ્પના કરવી જ મુશ્કેલ છે.
વગર વાવાઝોડા-વરસાદે વૃક્ષ ધરાશાયી
વડોદરા પાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં વૃક્ષોનું ટ્રીમીંગ કાર્ય પણ હતું. તથા જે વૃક્ષો જોખમી હોય તેને દુર કરવાની કામગીરી પણ તેમાં સામેલ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. પરંતુ હવે આ કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. આજરોજ વગર વાવાઝોડા-વરસાદે એક વટવૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આજે સવારે કમાટીબાગની સામે આવેલા ઘટાદાર વૃક્ષો પૈકી એક વૃક્ષ અચાનક ધરાશાયી થયું હતું. તેની નીચે કાર અને રીક્ષા દબાઇ ગયા હતા. વૃક્ષનો મોટો ભાગ સાઇડમાં પણ આવીનો પડ્યો હતો. સામાન્ય રીતે અહિંયા વાહનોની અવર-જવર રહેતી હોય છે. સાથે જ વાહનો પાર્ક પણ કરવામાં આવે છે. વહેલી સવાર હોવાથી મોટું નુકશાન ટળ્યું હતું.
પ્રિમોન્સૂન કામગીરી સામે સવાલો
ઘટના અંગે ફાયરના લાશ્કરોને જાણ થતા જ તેઓ દોડી આવ્યા હતા. અને ઝાડને દુર કરવાની કામગીરી હાથ ધરી હતી. તેવામાં વાહનોથી ધમધમતા રોડની એક બાજુ બંધ કરવાનો વારો આવ્યો હતો. આ ઘટનામાં એક રીક્ષા અને કારનો ખુરદો બોલી ગયો હતો. આ ઘટના બાદ પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે.
તો દુર્ઘટના ટાળી શકાય
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં એમ એસ યુનિ.માં પણ આ જ રીતે એક ઘટાદાર વૃક્ષ ધરાશાયી થયું હતું. જેમાં ત્રણ વિદ્યાર્થીનીઓ દબાયા હતા. વૃક્ષ ધરાશાયી થયા બાદ તેને દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે, પરંતુ આ પ્રકારના કિસ્સાઓમાં અગાઉથી જ કામગીરી હાથ ધરવામાં આવે તો દુર્ઘટના ટાળી શકાય છે.
આ પણ વાંચો -- VADODARA : SSG હોસ્પિટલના OT માં આગ, નજીક દાખલ દર્દીઓ બચાવી લેવાયા