VADODARA : મરણ પ્રસંગમાંથી પરત ફરવાની વાટ જોતા ફોન આવ્યો, દવાખાને પહોંચો
VADODARA : મહારાષ્ટ્રમાં મરણ પ્રસંગમાં હાજરી આપીને પરત ફરતા સ્વજનની વાટ જોતા મોડી રાત્રે ફોન આવ્યો કે દવાખાને પહોંચો. દવાખાને પહોંચતા જ પત્નીનું અક્સ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ થયું હોવાનું પતિને જાણવા મળ્યું હતું. આખરે સમગ્ર મામલે બેદરકારી પૂર્વર કાર હાંકનાર શખ્સ સામે વરણામા પોલીસ મથક (VARNAMA POLICE STATION) માં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
સાંજે પત્નીનો ફોન આવ્યો
વરણામા પોલીસ મથકમાં ધનરાજ ગજમલ પાટીલ (રહે. ઓમપાર્ક બીલ ગામ, વડોદરા) એનોંધાવેલી ફરિયાદ અનુસાર, 20 એપ્રિલના રોજ ભત્રીજા કલ્પેશ પાંડુરંગ પાટીલ, ભાભી મુક્તાબેન અને તેમના પત્ની સાધનાબેન મહારાષ્ટ્રના ધુલીયાના ડોડાઇચા પાસે આવેલા માંડળ ગામે મરણ પ્રસંગમાં કાર લઇને ગયા હતા. કારનું ડ્રાઇવીંગ ભત્રીજો કલ્પેશ કરતો હતો. સાંજે સાત વાગ્યે તેમની પત્નીનો ફોન આવ્યો હતો, અને જણાવ્યું કે, મરણપ્રસંગ પતાવીને વડોદરા પરત આવવા નિકળી ગયા છીએ. જેથી તેઓ જમી પરવારીને સુઇ ગયા હતા.
સરકારી દવાખાનામાં લઇ જવાયા
અચાનક રાત્રે દોઢ વાગ્યે તેમના પર સાળા પૃથ્વીરાજનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું કે, કેલનપુર નજીક ઇકો કારનો અકસ્માત થયો છે. જેમાં તમામને ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોને 108 મારફતે વડોદરાના સરકારી દવાખાનામાં લઇ જવામાં આવ્યા છે. તમે દવાખાનો પહોંચો. જે બાદ તેઓ તાત્કાલિક દવાખાને પહોંચે છે. દરમિયાન અન્ય સગાં પણ દવાખાને આવી જાય છે. ત્યાં જઇને જોયું તો તેમની પત્ની સંધ્યા બેનને અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. કારમાં મુસાફરી કરતા અન્યને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.
પોલીસ ફરિયાદ નોંધાઇ
આ અંગે કલ્પેશને પુછતા તેણે જણાવ્યું કે, ઇકો કાર પલાસવાડા ફાટકથી વડોદરા તરફ આવતા સ્ટીયરીંગ પરનો કાબુ તેણે ગુમાવ્યો હતો. જેથી કાર પલીટ થાઇ ગઇ હતી. અને રોડની બાજુમાં આવેલા હેતમપુરા બસ સ્ટેન્ડ પાસે આવેલા મંદિરના આગળના ભાગે સિમેંટના પિલ્લર સાથે અથડાઇ હતી. આખરે વરણામા પોલીસ મથકમાં કલ્પેશ પાંડુરંગ પાટીલ (રહે. તિર્થવમ ફ્લેટ, પોલો ગ્રાઉન્ડ, વડોદરા) સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો --VADODARA : ગૌ માંસના વેચાણની આશંકાએ દરોડા