VADODARA : લાંચિયા તત્કાલીન PI સામે નિવૃત્તિ બાદ ગુનો નોંધાયો
VADODARA : વડોદરાના માંજલપુર પોલીસ મથક (VADODARA - MANJALPUR POLICE STATION) ના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર ઝહુરહુસેન મોટામિયા સિંધી સામે વર્ષ 2019 માં લાંચ માંગવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ત્યાર બાદ આ મામલે તપાસ ચાલી હતી. તાજેતરમાં ગેરકાયદેસર લાંચ માંગવા અંગે મેળવેલા એફએસએલ પુરાવાઓને ઉપરથી સમર્થન મળ્યું હતું. જે બાદ આજરોજ ડિટેઇન કરેલી ગાડીઓ છોડાવવા માટે રૂ. 30 હજારની લાંચ લેવા મામલે તત્કાલીન PI સામે વડોદરા એસીબીમાં ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ તેઓ નિવૃત્ત હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે ACB (ANTI CORRUPTION BUREAU) PI એ. જે. ચૌહાણ ફરિયાદી બન્યા છે.
રૂ. 30 હજારની લાંચ
સમગ્ર મામલે વિગતવાર માહિતી પ્રમાણે, અગાઉ આ મામલે ફરિયાદી અને તેમન મિત્રોની કાર અન્ય મિત્રને આપી હતી. મિત્રએ કાર બીજે ગીરવે મુકી દીધી હતી. જે કાર પરત મેળવવા માટે ફરિયાદીએ માંજલપુર પોલીસ મથકમાં અરજી આપી હતી. આ કાર લક્ષ્મીપુરા પોલીસે કબ્જે કરી હતી. જે કારને માંજલપુર પોલીસ મથક ખાતે લાવવામાં આવી હતી. આ કાર છોડાવવા માટે તત્કાલીન ઇન્સ્પેક્ટર ઝહુરહુસેન મોટામિયા સિંધી દ્વારા બે કાર માટે રૂ. 30 હજારની લાંચ માંગવામાં આવી હતી.
હોદ્દાનો દુરઉપયોગ
જે બાદ ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરો (ANTI CORRUPTION BUREAU) નો સંપર્ક કર્યો હતો. અને છટકું ગોઠવવામાં આવ્યું હતું. 26, જૂલાઇ - 2019 ના રોજ ફરિયાદ આપવામાં આવી હતી. દરમિયાન તત્કાલિન પોલીસ ઇન્સ્પેક્ટરને શંકા જતા તેણે રકમ સ્વિકારી ન્હતી. અને લાંચનું છટકું નિષ્ફળ જાહેર થયું હતું. ત્યાર બાદ આ લાંચ મામલે કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં તત્કાલીન ઇન્સ્પેક્ટર ઝહુરહુસેન મોટામિયા સિંધી દ્વારા અંગત ફાયદા માટે રૂ. 30 હજારની ગેરકાયદેસર લાંચ માંગી હોવાના તપાસ દરમિયાન મેળવેલા એફ. એસ. એલ. પુરાવાઓને ઉપરથી સમર્થન મળ્યું છે. જેથી તત્કાલિન ઇન્સ્પેક્ટર ઝહુરહુસેન મોટામિયા સિંધી દ્વારા રાજ્યના સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરીને લાંચ માંગવા બબાતે ગુનો નોંધવામાં આવ્યો છે.
પી. એચ. ભેંસાણીયાનું સુપરવિઝન
આ ઉત્કૃષ્ટ કામગીરીનુું સુપરવિઝન વડોદરા એન્ટી કરપ્શન બ્યુરોના મદદનીશ નિયામક પી. એચ. ભેંસાણીયા કરી રહ્યા છે. આ મામલે પાંચ વર્ષે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ ઝેડ. એમ. સિંધી નિવૃત્તિનું જીવન ગાળી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : કરજણના લાંચિયા અધિકારીની મિલકતની તપાસ થશે