Reality Check mission: ગુજરાત ફર્સ્ટના નીડર પત્રકાર દ્વારા શહેરમાં વેચાતા ઘીનો કરાયો પર્દાફાશ
Reality Check mission: અમદાવાદ..મેગા સિટી..પરંતુ અહીં જે દેખાય છે, જે વેચાય છે, જે ખરીદાય છે..તેમાં પણ મેગા મિલાવટ છે. જેને તમે શુદ્ધ માનો છો, તે શુદ્ધ નથી. જેને તમે સ્વાસ્થ્યવર્ધક માનો છો, તે જ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ બધાથી મોટો અને ચોંકાવનારો ખુલાસો એ છે કે, આ અશુદ્ધ અને મિલાવટી વસ્તુઓ તમે તમારા જ નાણાથી ખરીદો છો અને ઘરમાં બીમારી લાવો છો. પણ સવાલ એ છે કે શું તમે જાણો છો કે આ વસ્તુ કંઈ છે ? નહીં જ જાણતા હોય. પરંતુ અમે તમને તેનાથી વાકેફ કરીશું અને બતાવીશું એક એવો સચોટ અહેવાલ, જેને જોઈને તમે પણ માની જશો કે બધું જ મિલાવટી છે.
Reality Check mission
જી.... હા.... જે ડેરી પ્રોડ્ક્ટ્સને ખાવાથી તમારું સ્વાસ્થ્ય સારું થવું જોઈએ. જેને આરોગીને હું નિરોગી રહીશ તેવું તમે વિચારી રહ્યા છો, તે જ ડેરી પ્રોડક્ટ્સ તમારું સ્વાસ્થ્ય બગાડી રહ્યું છે. આવું કહીને અમે તમને ન તો ડરાવવાનો પ્રયત્ન કરીએ છીએ, ન તો તમને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટ પાસે એવા સચોટ પૂરાવા છે, જે એ વાતને સાબિત કરી બતાવશે કે જે ઘી, બટર અને ચીઝ જેવી ડેરી પ્રોડક્ટ્સને તમે હોંશે-હોંશે ખરીદો છો અને ચાઉંથી આરોગી રહ્યા છો, તે જ તમને બીમાર પાડી શકે છે. આટલું જ નહીં પણ આ ભેળસેળયુક્ત ઘી સહિતની ડેરી પ્રોડ્ક્ટ્સની એવી આડઅસર થશે કે તેને કારણે તમે હ્રદયને લગતી બીમારીઓનો પણ શિકાર બની શકો છો.
ગુજરાત ફર્સ્ટ દ્વારા Reality Check mission હાથ ધરાયું
સૌથી પહેલા તમને જણાવી દઈએ કે, ગુજરાત ફર્સ્ટે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આવેલી પ્રખ્યાત અને જૂની ડેરીઓની મુલાકાત લીધી. આ ડેરીઓ અને ડેરી ફાર્મમાંથી અમે વિવિધ ડેરી પ્રોડક્ટ્સના નમૂના લીધા. જે ડેરીમાં શુદ્ધ ઘી, પનીર અને ચીઝ મળશે તેવા મોટો-મોટા દાવાઓ સાથેના બોર્ડ લગાડવામાં આવ્યા છે.તે જ ઘી, ચીઝ અને પનીર ખરેખર કેટલું શુદ્ધ છે, તેનાથી તમે વાકેફ નથી.પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે... ગુજરાત ફર્સ્ટની ટીમે તમારી આ જ ચિંતાને દૂર કરવા એક રિયાલિટી કર્યું છે. ગુજરાતના ફર્સ્ટના રિયાલિટી ચેકમાં જે સામે આવ્યું છે, તે જોઈને તમારા હોંશ ઉડી જશે. અમારો આ અહેવાલ જોયા બાદ તમે જેવી-તેવી દુકાનોમાંથી ડેરી પ્રોડક્ટ્સની ખરીદી કરતા પહેલા સો વાર વિચાર કરશો.
સૌ પ્રથમ AMBE DAIRY માં Reality Check કરાયું
તો સૌથી પહેલા અમારી ટીમ પહોંચી ગોતા વિસ્તારમાં આવેલી જય અંબે ડેરીમાં. અહીં આવેલી જય અંબે ડેરીના માલિકે જણાવ્યું કે આ ડેરી 8 વર્ષ જૂની છે. ડેરીના માલિકે દાવો કર્યો કે અહીં શુદ્ધ ઘી મળે છે. 550 રૂપિયા પ્રતિકિલોની કિંમતે મળતું આ કથિત શુદ્ધ ઘીની ગુજરાત ફર્સ્ટે ખરીદી કરી. કહેવાય છે કે આ ડેરી ગોતા વિસ્તારની સૌથી પ્રખ્યાત ડેરી છે, જ્યાંથી હજારોની સંખ્યામાં લોકો ઘીની ખરીદી કરે છે, પરંતુ અહીં વેચાઈ રહેલું ઘી ખાવાલાયક છે કે નહીં, તેની ચકાસણી કરવા ત્યાંથી ઘીના નમૂના લેવા જરૂરી હતા. જેથી અમે જય અંબે ડેરીમાં પહોંચ્યા અને Reality Check કર્યું.
આપને જણાવી દઈએ ગોતા સ્થિત જય અંબે ડેરીમાંથી અમે જે ઘીની ખરીદી કરી હતી, તે ઘીને લેબોરેટરીમાં ચેકિંગ માટે આપ્યું હતું. આ ઘીના નમૂના ફેલ થયા છે. આ ઘી ખાવાલાયક નથી. આ ઘી અખાદ્ય છે, તમારા સ્વાસ્થ્યને હાની પહોંચાડે તેવું છે. અમે જ્યારે જય અંબેમાંથી ઘીની ખરીદી કરી હતી ત્યારે ડેરીના માલિકે દાવા સાથે કહ્યું હતું કે આ ઘી શુદ્ધ છે. પરંતુ ગોતાની જય અંબે ડેરીમાંથી લીધેલા ઘીના નમૂના ફેઈલ થયા છે.
દ્વિતીય KHODIYAR DAIRY માં Reality Check કરાયું
અમારી ટીમ ચાંદલોડિયા વિસ્તારમાં પહોંચી.જ્યાં અમે ઘીની ખરીદી કરવા ચાંદલોડિયા બ્રિજ નીચે આવેલી આઈ શ્રી ખોડીયાર ડેરી ફાર્મમાં પહોંચ્યા. ખોડીયાર ડેરીના માલિકે દાવો કર્યો કે આ વિસ્તારમાં તેઓ છેલ્લા 13 વર્ષથી ડેરી ધરાવે છે. સાથે જ એવો પણ દાવો કર્યો કે તેમની તમામ ડેરી પ્રોડક્ટ્સ શુધ્ધ અને આરોગ્યપ્રદ છે. તો ચાલો તમને પણ સંભળાવીએ કે શ્રી ખોડીયાર ડેરીના માલિકે કેવા-કેવા દાવા કર્યા અને તેમના દાવાઓમાં કેટલો દમ હતો.
ચાંદલોડિયા બ્રિજની નીચે આવેલી 13 વર્ષથી ચાલતી શ્રી ખોડીયાર ડેરી ફાર્મમાંથી અમે જે ઘી ખરીદ્યું હતું. તેના નમૂના પણ ફેઈલ થયા. આ ઘી પણ ખાવાલાયક નથી. આ અખાદ્ય ઘી પણ લોકોના સ્વાસ્થ્ય માટે હાનીકારક હોવાનું સામે આવ્યું છે.
તૃતીય MADHAV DAIRY માં Reality Check કરાયું
હવે, વાત કરીએ દુકાન નંબર-3ની.અમારી ટીમ હવે રાણીપમાં આવેલી માઘવ ડેરીમાં પહોંચી. માધવ ડેરીના માલિકનું કહેવું છે કે, અમારી ડેરી ખૂબ જ ફેમસ છે અને શહેરના અલગ અલગ ચાર વિસ્તારોમાં માધવ ડેરીની બ્રાંચ આવેલી છે. શહેરના ચાર વિસ્તારોમાં જે ડેરીની બ્રાંચ ચાલતી હોય તે ડેરીનું ઘી તો શુદ્ધ જ હશે, તેવી આશા સાથે અમે અહીંથી પણ ઘીની ખરીદી કરી હતી. ઘીની ખરીદી કરતા કરતા અમારા સંવાદદાતાએ ઘી વિશેની થોડી માહિતી પણ મેળવી.
તે માધવ ડેરીમાંથી ઘીની ખરીદી કરી અમે આ ઘીના નમૂના પણ લેબોરેટરીમાં ચેક કરાવ્યા હતા. અમને હતું કે ડેરીની ચાર બ્રાંચ છે તો તેનું ઘી શુદ્ધ જ હોવું જોઈએ, પણ અમે ખોટા સાબિત થયા. રાણીપ વિસ્તારમાં આવેલી માઘવ ડેરીમાંથી અમે જે ઘીના નમૂના લીધા હતા તે પણ ફેઈલ જ થયા.
ચતૃર્થ MAYUR DAIRY માં Reality Check કરાયું
હવે અમારી રિયાલિટી ચેક કરતી ટીમ અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી મયુર ડેરી પહોંચી. જે બાવીસ વર્ષ જૂની છે. નિકોલની પ્રખ્યાત ડેરી છે અને આ ડેરીમાં મળતા શુદ્ધ ઘીનો ભાવ પણ આસમાને છે. અહીં શુદ્ધ ઘી 920 રૂપિયા કિલો વેચવામાં આવે છે. અહીંથી પણ અમે ઘી ખરીદવાની તૈયારી દર્શાવી. જેમ કોઈ ગ્રાહક ઘીની ગુણવત્તા તપાસે તેમ અમે પણ ઘીની ગુણવત્તા તપાસી રહ્યા હતા, ત્યાં તો ઘીનું વેચાણ કરતા મહિલાએ કહ્યું કે અમારું ઘી એકદમ ચોખ્ખું છે અને જો વિશ્વાસ ન આવતો હોય તો લેબોરેટરીમાં ચેક પણ કરાવી શકો છો. પણ દુકાનમાલિકના દાવાને બાજુએ રાખીને આ ઘીનું સેમ્પલ પણ અમે લેબોરેટરીમાં ચેક કરાવ્યું. પરંતુ નિકોલની મયુર ડેરીનું સેમ્પલ પણ ફેઈલ થયું.
આ તો વાત થઈ ઘીના ફેઈલ થયેલા સેમ્પલની. પરંતુ એવું નથી કે ફક્ત ઘી જ અખાદ્ય અને ભેળસેળયુક્ત છે. આ સિવાયની ડેરી પ્રોડક્ટમાં પણ ભેળસેળ જ છે. ડેરી પ્રોડક્ટ્સ પણ અમારા રિયાલિટી ચેકમાં ફેઈલ થઈ છે. જેમાં ચાણક્યપુરીમાં આવેલી ગાયત્રી ડેરી અને શહેરના મધ્યમાં આવેલા કાલુપુર ઘી માર્કેટમાં આવેલી દુધિયા ડેરીનો સમાવેશ થાય છે. ચાણક્યપુરીની ગાયત્રી ડેરીમાંથી અમે માખણની ખરીદી કરી હતી. જ્યારે કાલુપુરની દુધિયા ડેરી ફાર્મમાંથી ચીઝની ખરીદી કરી હતી.આ બંને પ્રોડક્ટને અમે લેબમાં ચેકિંગ કરાવ્યું તો બંનેના સેમ્પલ ફેઈલ થયા છે.
આ એ જ ડેરીઓ છે, જે તમારા વિસ્તારમાં વર્ષોથી ધમધમી રહી છે.જ્યાંથી તમે બિન્દાસ્તપણે મોંઘા ભાવે ડેરી પ્રોડક્ટ્સની ખરીદી કરો છો. પણ તમે નથી જાણતા કે તમે તમારા જ ખિસ્સા ખાલી કરીને તમારા જ માટે ખરીદી રહ્યા છો બીમારી.જે ડેરી પ્રોડક્ટને ખરીદીને તમે એમ માનો છો કે તે તમારા સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે, તે જ તમારા શરીરને હાની પહોંચાડી રહ્યું છે.હજી સમય છે. ચેતી જજો... કારણકે તમે જે વસ્તુને શુદ્ધ અને આરોગ્યપ્રદ સમજીને ખરીદી રહ્યા છો, તે જ વસ્તુ તમારા સ્વાસ્થ્ય માટે ઉભું કરી શકે છે મોટું સંકટ.
આ પણ વાંચો: High Court : સફાઈકર્મીઓના મોત બાદ વળતર નહીં ચુકવાતા HC નારાજ, કહ્યું – અમે આવા અભિગમને..!