Rajkot : કચરો વાળવાની બાબતે તલવારથી હુમલો! મહિલા કોન્સ્ટેબલે ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખી કરી આ માગ
રાજકોટમાં (Rajkot) પોલીસે જ પોલીસ પર હુમલો કર્યા હોવાની ઘટના સામે આવી છે. રામનાથપરાં પોલીસ લાઇનમાં (Ramnathpara police line) રહેતા અનાર્મ મહિલા કોન્સ્ટેબલના ઘર સામે રહેતા હેડ કોન્સ્ટેબલના પુત્રીએ કચરો વાળવાની નજીવી બાબતે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. ત્યાર બાદ હેડ કોન્સ્ટેબલના પુત્રે અનાર્મ મહિલા કોન્સ્ટેબલના પરિવાર પર તલવાર વડે હુમલો કર્યો હોવા મામલે રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં (Rajkot A Division Police Station) ફરિયાદ નોંધાઈ છે. પીડિત મહિલા કોન્સ્ટેબલે જાતી વિષયક અપશબ્દો બોલવાનો, સ્થાનિક પોલીસ પર ફરિયાદ ન કરવા માટે દબાણ કરવાનો અને ખોટી રીતે હેરાન કરતા હોવાના આરોપ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને (Harsh Sanghvi) પત્ર લખી ન્યાયની માગ કરી છે.
હેડ કોન્સ્ટેબલનાં પુત્રી અને પુત્રે ઝઘડો કરી હુમલો કર્યાનો આરોપ
રાજકોટના (Rajkot) રામનાથપરાં પોલીસ લાઇનમાં (Ramnathpara police line) રહેતા અનાર્મ મહિલા કોન્સ્ટેબલ હંસાબેન કાળાભાઈ દાફડાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખી ન્યાયની માગ કરી છે. હંસાબેને લખેલા પત્રમાં જણાવ્યું કે, તેઓ રામનાથપરાં પોલીસ લાઇનમાં પરિવાર સાથે રહે છે અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં (university police station) અનાર્મ મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. 16 જૂનના રોજ હંસાબેન, તેમના પતિ ભરતભાઈ અને જેઠનો 5 વર્ષનો દીકરો રાજપાલ ઘરે હતા ત્યારે તેમના ઘર સામે રહેતા અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જયેન્દ્રસિંહ ઝાલાના પુત્રી યશોદાબા ઝાલાએ કચરો વાળવાની નજીવી બાબતે ઝઘડો કર્યો હતો. આ ઝઘડાના થોડા સમય બાદ જયેન્દ્રસિંહ ઝાલાનો પુત્ર મયુરસિંહ ઝાલા તલવાર લઈને અમારા ઘરે આવ્યા હતા.
મહિલા કોન્સ્ટેબલના પોલીસ પર આરોપ
હંસાબેને પત્રમાં આગળ લખ્યું કે, મયુરસિંહને જોઈ અમે ઘરનો દરવાજો બંધ કર્યો હતો. જો કે, મયુરસિંહે તલવારના ઘા મારીને દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો હતો અને જાતી વિષયક અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી અમે 100 નંબર પર ફોન કરી જાણ કરી હતી અને ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન લઈ જાવ તેમ કહ્યું હતું. પરંતુ, 100 નંબરના ઇન્ચાર્જે અમને મદદ ન કરતા અમે જીવના જોખમે અમારી બાઇક પર એ ડિવિઝન પોલીસ સ્ટેશન (A Division Police Station) પહોંચ્યા હતા. જો કે, હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ ઝાલા એ જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોવાથી પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્ટાફે અમને ફરિયાદ ન કરવા દબાણ કર્યું હતું અને આરોપીની જેમ 11 કલાક સુધી બેસાડી રાખ્યા હતા.
મહિલા કોન્સ્ટેબલની ગૃહ રાજ્યમંત્રીને લખ્યો પત્ર
હંસાબેને પત્રમાં લખ્યું કે, મોડી રાતે અમારી ફરિયાદ લેવામાં આવી હતી. પરંતુ, ફરિયાદમાં જે તે કલમો લાગે તે હટાવી અમારા પણ દબાણ કર્યું હતું. જો કે, ફરિયાદ બાદ આજદિન સુધી મયુરસિંહ અને યશોદાબાની ધરપકડ કરવામાં આવી નથી. અનાર્મ મહિલા કોન્સ્ટેબલ હંસાબેન દાફડાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને (Harsh Sanghvi) પત્ર લખી મયુરસિંહ અને યશોદાબાની ધરપકડ કરવા અને પોલીસ સ્ટેશનના જવાબદાર સ્ટાફ સામે તેમ જ PCR વાહનના કર્મચારીઓ સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માગ કરી છે.
આ પણ વાંચો - Bhavnagar : તળાજા ST ડેપો ખાતે બસના પૈડાં થંભી જતાં 1500 મુસાફરો અટવાયા!
આ પણ વાંચો - Allen Institute : લાખોની ફી વસૂલતા ઇન્સ્ટિટ્યૂટનો પર્દાફાશ! Gujarat First એ દર્શાવી વિદ્યાર્થીઓની વેદના
આ પણ વાંચો - Allen Institute : આરોગ્ય વિભાગે ફટકાર્યો દંડ, ઈન્સ્ટિટ્યૂટ સંચાલકે પણ કરી કેન્ટીન કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી!