PANCHMAHAL : પ્રાથમિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓની હાલત દયનિય
PANCHMAHAL : મોરવા હડફ તાલુકાની મોજરી મુખ્ય પ્રાથમિક શાળામાં જર્જરિત વર્ગોને ડીસમેન્ટલ કરી લીધા બાદ છેલ્લા દોઢ વર્ષથી નવીન ઓરડા નહિં બનતાં વિદ્યાર્થીઓ ભયની ઓથાર હેઠળ અભ્યાસ કરી રહ્યા છે. હાલ ચોમાસાની ઋતુ છે ત્યારે વિદ્યાર્થીઓ ગામના અન્ય બે ખાનગી મકાનમાં બેસી અભ્યાસ મેળવવા માટે મજબૂર બન્યા છે. બીજી તરફ અહીં નજીકમાં આવેલા ઝાડી ઝાખરાંને અડીને શાળા આવેલી હોવાથી વિદ્યાર્થીઓને ઝેરી જાનવર અથવા હિંસક પ્રાણીઓ હુમલો કરવાનો સતત ભય વાલીઓને સતાવી રહ્યો છે. અહીં કોમ્પ્યુટર લેબ અને સ્માર્ટ બોર્ડ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે પરંતુ પૂરતા વર્ગખંડના અભાવે યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી. સ્થાનિકો દ્વારા આગામી સમયમાં વહેલી તકે નવા વર્ગોની કામગીરી શરૂ કરવામાં આવે તો શાળાને તાળા બંધી કરી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. વાલીઓ જણાવી રહ્યા છે કે સરકારના કોઈ મંત્રી હોય કે નેતા તેઓ માટે બે થી ચાર દિવસમાં લાખો કરોડો રૂપિયા ખર્ચ કરી ડોમ અને મંડપ ઉભા કરી દેવામાં આવતા હોય છે પરંતુ કહેવાતું દેશનું ભવિષ્ય આ વિદ્યાર્થીઓ માટે છેલ્લા દોઢ વર્ષથી એક ઓરડો બનાવી નથી શક્યા ત્યારે ટેન્ડરીંગ પ્રક્રિયા એ સરકારનો વિષય છે જેના કારણે વિદ્યાર્થીઓ તકલીફનો સામનો કરી રહ્યા છે જેને લઈ વાલીઓમાં ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે.
૨૫૦ કરતા વધુ વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરી રહ્યા છે
સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરી ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત અંતર્ગત અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. પરંતુ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં જમીની હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે. આવી જ સ્થિતિ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના મોજરી મુખ્ય પ્રાથમિક શાળાની જોવા મળી રહી છે. મોજરી મુખ્ય પ્રાથમિક શાળામાં બાલવાટિકા થી ધોરણ આઠ સુધી ૨૫૦ કરતા વધુ વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સરકાર દ્વારા વર્ષ ૧૯૯૦ અને જેના બાદ તબક્કાવાર નવીન વર્ગો બનાવવામાં આવ્યા હતા. પરંતુ આ તમામ વર્ગો ડીસ મેન્ટલને લાયક જર્જરિત થઈ જતાં સરકારની જોગવાઈ મુજબ દોઢ વર્ષ અગાઉ ડિસમેન્ટલ કરવાની જાહેરાત કરવામાં આવી હતી જે આધારે તમામ ઓરડા પૈકી પાંચ ઓરડા ડિસમેન્ટલ કરવામાં આવ્યા હતા. બીજી તરફ દરમિયાન નવા વર્ગખંડ બનાવવા માટે સરકાર દ્વારા ટેન્ડર પ્રસિદ્ધ કરી કામગીરી પણ આપવામાં આવી હતી પરંતુ જેના બાદ આ શાળાના નવીન ઓરડા આજ દિન સુધી બનાવવામાં આવ્યા નથી જેથી વિદ્યાર્થીઓ એક જ ઓરડામાં બેસી અથવા તો બહાર ખુલ્લામાં બેસી અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા હોય એવા દ્રશ્યો અહીં જોવા મળે છે. ગામના સ્થાનિક અગ્રણીઓ દ્વારા ચોમાસામાં વિદ્યાર્થીઓને વરસાદી માહોલમાં બેસવા માટે પોતાના બે મકાન પણ આપવામાં આવ્યા છે. બીજી તરફ અહીં શાળા નજીકમાં જાડી-ઝાંખરાનું સામ્રાજ્ય હોવાથી વિદ્યાર્થીઓને સતત હિંસક પ્રાણી અને ઝેરી જાનવર કરડવાનો સતત ભય સતાવી રહ્યો છે.
ધારાસભ્યએ વિવિધ સ્તરે રજૂઆત કરી
મોજરી મુખ્ય પ્રાથમિક શાળામાં બાલવાટિકા થી ધોરણ આઠ સુધી ૨૫૦ ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે પરંતુ છેલ્લા દોઢ વર્ષથી ડીશ મેન્ટલ ઓરડા નવીન બનાવવા માટે તોડી નાખવામાં આવ્યા હતા જે આજ દિન સુધી બનાવવામાં આવ્યા નથી . હાલ પણ ચોમાસાની ઋતુમાં ડીસમેન્ટલ એટલે જર્જરીત ઓરડામાં અને બહાર ખુલ્લામાં બેસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. અમે વારંવાર સ્થાનિક ધારાસભ્ય નિમિષાબેન સુથાર સહિત વિવિધ સ્તરે રજૂઆત કરી છે તેમ છતાં સરકાર દ્વારા આજદિન સુધી નવીન ઓરડા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી નથી અને અમારા બાળકો નજીકમાં આવેલા ઝાડી ઝાંખરાને લઇને ભય ની ઓથાર હેઠળ અભ્યાસ કરી રહ્યા છે તેઓને હિંસક પ્રાણી અથવા ઝેરી જાનવર કરડી જવાનો સતત ભય સતાવી રહ્યો છે જેની તમામ જવાબદારી સરકારની રહેશે અને આગામી સમયમાં અમે નવીન ઓરડા નહીં બનાવવામાં આવે તો શાળાને તાળા બંધી કરી ઉગ્ર આંદોલન પણ કરીશું.
અભ્યાસ માટે મુશ્કેલીનો સામનો
મોજરી મુખ્ય પ્રાથમિક શાળામાં બાલવાટિકા થી ધોરણ આઠ સુધી ૨૫૦ કરતા વધુ વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરી રહ્યા છે અને અમારી શાળામાં ઓરડા જર્જરીત હોવાથી સરકારની જોગવાઈ મુજબ ડીસમેન્ટલ કરવાની પ્રોસિજર કરવામાં આવી હતી જેથી જર્જરિત પાંચ ઓરડા ડિસમેન્ટલ કરી દેવાયા છે. જયારે અન્ય ઓરડા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બાકી રાખવામાં આવ્યા છે. નવીન ઓરડા માટે ટેન્ડર પ્રક્રિયા થઈ હોવાનું જાણવા મળ્યું છે પણ કેમ નથી બન્યા એની જાણ નથી. હાલ અમે વિદ્યાર્થીઓને વધુ વરસાદ દરમિયાન ગામમાં બે મકાન છે એમાં અભ્યાસ માટે બેસાડીએ છીએ, ગ્રામ પંચાયત દ્વારા એક શેડ બનાવી આપવામાં આવ્યો જેથી થોડી રાહત છે પરંતુ અગવડતા તો છે. સમગ્ર મામલે અમે સ્થાનિક ધારાસભ્ય અને સંલગ્ન વિભાગના ઉચ્ચ અધિકારીઓને અનેક વાર રજુઆત કરી છે પરંતુ આજદિન સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી જેને લઈને શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
દીપડો અહીં અવાર નવાર દેખા દેતો હોય છે
મોજરી ગામમાં તાજેતરમાં જ દીપડાએ બે વ્યક્તિઓ ઉપર હુમલો કરવાની ઘટના બની હતી જેથી વન વિભાગે પાંજરા પણ મુક્યા હતા. શાળાની આજુબાજુના ઝાડી ઝાંખરાને લઈ દીપડો અહીં અવાર નવાર દેખા દેતો હોય છે અને સાપ જેવા ઝેરી જાનવર તો રોજ જોવા મળે છે જેથી વિદ્યાર્થીઓ બહાર બેસે છે તેઓનું મન અભ્યાસ કરતાં ઝાડી તરફ વધુ કેન્દ્રિત રહે છે જેથી વહેલી તકે નવીન ઓરડા બનાવવામાં આવે એવી વાલીઓ અને વિદ્યાર્થીઓ માંગણી કરી રહ્યા છે.
અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ
આ પણ વાંચો -- CHHOTAUDAIPUR : કદવાલ નજીક પહોંચવામાં વિકાસનો પનો ટુંકો પડયો