બિપરજોયને લઇ રાજ્યના દરિયાકાંઠાના ઉદ્યોગો બંધ રહેવાને કારણે જશે કરોડોનું નુકસાન
બિપરજોય વાવાઝોડુ ત્રાટકે કે ન ત્રાટકે પણ આજથી ૧૫મી સુધી કાંઠાના ઉદ્યોગ -ધંધા ઠપ્પ થઇ ગયા છે, એટલુંજ નહીં દસ હજારથી વધુ ટ્રકોના પૈડા થંભી ગયા છે. વાવાઝોડાને કારણે ગાંધીધામ - કંડલા - જામનગરના ઉદ્યોગોને માઠી અસર પહોંચી છે. મોરબી અને જામનગર જિલ્લાની વાત કરીએ તો આ બન્ને સ્થળોએ ૧૩ થી ૧૫ જૂન દરમિયાન ઉદ્યોગો બંધ રહેવાના કારણે લગભગ 350 કરોડનું આર્થિક નુકસાન થવાનો અંદાજ છે.
મોરબીમાં સિરામિકની લગભગ 700 જેટલી ફેક્ટરીઓ આવેલી છે જે આજથી 15 તારીખ સુધી સંપૂર્ણ બંધ રહેશે જેને કારણે આ ફેક્ટરીઓને અંદાજે 100 કરોડનું નુકસાન જવાનો અંદાજ છે. ગાંધીધામની વાત કરીએ તો અહીં ત્રણ દિવસ ઉદ્યોગો બંધ રહેવાથી રૂપિયા 200 કરોડનું નુકસાન જવાનો અંદાજ છે. કચ્છમાં લગભગ 5 હજાર જેટલા નાના-મોટા મીઠાના ઉદ્યોગો આવેલા છે. જેમાં 50 હજારથી વધુ લોકો કામ કરે છે. તે જ રીતે ટ્રાન્સપોર્ટ અને બંદર પણ ત્રણ દિવસ માટે બંધ રહેશે જેને કારણે રૂપિયા 200 કરોડનું નુકસાન જવાનો અંદાજ છે. જો વાવાઝોડાને કારણે વીજ પુરવઠો વધારે દિવસ સુધી પ્રભાવિત થયો તો નુકસાન વધી શકે છે.
જામનગરની વાત કરીએ તો જામનગરમાં સાવચેતીના ભાગરૂપે આદ્યોગિક એકમો બે દિવસ બંધ રહેવાના છે. જામનગરમાં લગભગ આઠ હજાર જેટલા ઔદ્યોગિક એકમો આવેલા છે. આ આઠ હજાર એકમોમાં લગભગ 6 હજાર એકમો એમએસએમઇ બ્રાસ યુનિટો છે. બાકીના 1500 યુનિટોમાં ખાદ્યતેલ, મીઠું, બંદર, રિલાયન્સ અને એસ્સાર જેવી રિફાઇનરી, કોટન જિનિંગ અને સ્પીનિંગ યુનિટ્સ છે. આ બધાને બે દિવસમાં રૂપિયા 50 કરોડનું નુકસાન જઇ શકે છે.. હવે વાવાઝોડુ રાજ્યના દરિયાકાંઠ ટકરાય કે ન ટકરાય પરંતુ સાવચેતીના ભાગરૂપે ઉદ્યોગ-ધંધા બંધ રહેવાને કારણે આટલું નુકસાન તો અવશ્ય થવાનું જ છે.