GONDAL : શ્રી અક્ષર મંદિરના 10 સંતો સહિત 700 હરિભક્તોની પદયાત્રા યોજાઈ
GONDAL : બીએપીએસ ના વડા મહંત સ્વામી મહારાજ રાજકોટ બિરાજતા હોય ગોંડલના ૭૦૦ હરિભક્તોએ પદયાત્રા દ્વારા મહંત સ્વામી મહારાજના ચરણોમાં ભક્તિ અધ્ર્ય અર્પણ કર્યું. ગોંડલના શ્રી અક્ષર મંદિર દ્વારા એક વિશિષ્ટ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૭૦૦ હરિભક્તો જોડાયા હતા.
ગુરુહરિને ચરણે ભક્તિ અર્ધ્ય અર્પણ
૨૨ / ૦૬ / ૨૦૨૪, શનિવાર ના રોજ બપોરે ૪:૦૦ કલાકે આ પદયાત્રાનું પ્રસ્થાન અક્ષર મંદિરથી પૂ. સંતોએ ઠાકોરજીના પૂજન દ્વારા કરાવ્યું. આ પદયાત્રામાં ૧૦ સંતો, 300 પુરુષો, ૩૦૦ મહિલાઓ તેમજ ૧૦૦ જેટલા બાળકો યુવાનો એમ કૂલ ૭૦૦ હરિભક્તો ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી જોડાયા હતા. પદયાત્રીઓને શ્રી અક્ષર મંદિર દ્વારા માળા આપવામાં આવી હતી. સમગ્ર પદયાત્રા દરમ્યાન માળા જાપ કરીને પદયાત્રીએ ગુરુહરિને ચરણે ભક્તિ અર્ધ્ય અર્પણ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પદયાત્રી માટે રસ્તા પર આવતા ગામના ભાવિક ભક્તો અને ઇન્ડસ્ટ્રીઝના માલિકો દ્વારા ઠેર ઠેર પાણી, ઠંડા પીણા તેમજ નાસ્તા અને ભોજનની વ્યવસ્થા પણ કરાઇ હતી.
દિપોત્સવી પર્વ ગોંડલ પધારવા આમંત્રણ
રવિવારના વહેલી સવારે પદયાત્રી સંતો તથા હરિભક્તો રાજકોટના કાલાવડ રોડ સ્થિત બી એ પી એસ સ્વામિનારાયણ મંદિરે પહોંચ્યા હતા. જ્યા મંદિર નાં પૂજ્ય સંતો દ્વારા પદયાત્રીઓને સત્કારવામાં આવ્યા હતા. અહીં મહંત સ્વામી મહારાજ બિરાજતા હોઈ સૌ પદયાત્રી સંતો તથા હરિભક્તોએ સ્વામીશ્રીના પ્રાતઃ પૂજા દર્શન તથા આશીર્વાદનો અનેરો લ્હાવો પ્રાપ્ત કર્યો હતો. આ દિવ્ય અવસરે અક્ષર મંદિરના કોઠારી સ્વામી તથા સંતોએ મહંત સ્વામી મહારાજને શરદપૂર્ણિમા તેમજ દિપોત્સવી પર્વ નિમિતે ગોંડલ પધારવા માટેનું આમંત્રણ કાર્ડ પણ સ્વામીશ્રીના ચરણે અર્પણ કર્યું હતું. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ સૌ પદયાત્રી સંતો તથા હરિભક્તો ને અંતરના આશિષ દ્વારા કૃતાર્થ કર્યા હતા. આ પદયાત્રા ને સફળ બનાવવા માટે ગોંડલ અક્ષર મંદિરનાં કોઠારી સ્વામીના માર્ગદર્શન હેઠળ સૌ સંતો તેમજ કાર્યકરોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.
અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો -- VADODARA : ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથજી પરિવારની સ્નાન યાત્રા યોજાઇ