CHHOTA UDAIPUR : "સ્વાસ્થ્યપ્રદ" આદિવાસી ખાણી-પીણી જાણીને મન લલચાશે
CHHOTA UDAIPUR : છોટાઉદેપુર (CHHOTA UDAIPUR) જિલ્લોએ આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે. જ્યાં આદિવાસી સમાજે પોતાની પરંપરાગત સંસ્કૃતિને આજે પણ અકબંધ રીતે જાળવી રાખી છે. આદિવાસી સમાજની બોલી, રહેણી-કરણી, દિનચર્યા, પરંપરાગત પહેરવશ, નાચ ગાન, રીત રવાજો, વાર ત્યોહારો, ગીત સંગીત અને પરંપરાગત ખાનપાન ઉપર રિસર્ચ કરવા અનેક સંશોધકો આ વિસ્તારમાં આવે છે. અને જેને લઇને આ વિસ્તારના આદિવાસીઓની સંસ્કૃતિની દેશ અને દુનિયાભરમાં પ્રસરી રહી છે. અને આગવી ઓળખ પ્રસ્થાપીત કરી છે.
પોષણયુક્ત અને આરોગ્ય વર્ધક
આ સાથે આદિવાસી સમાજનો દૈનિક આહાર પણ એટલો જ પોષણયુક્ત અને આરોગ્ય વર્ધક હોવાનું માનવામાં આવે છે. જેની પુષ્ટિ કરવા માટે ગુજરાત ફર્સ્ટની (GUJARAT FIRST) ટીમ પહોંચી હતી. મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલા ગુનાટા ગામે આદિવાસી પરિવાર સાથે તેઓની રહેણી કરણી અને ખાણી પીણી વિશે તેઓની પાસેથી હકીકત જાણવા માટે.
પડીયુ બનાવી પીવાની પરંપરા યથાવત
ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા એક્સ આર્મીમેન ગોપાલભાઈ રાઠવા જણાવે છે કે, આદિવાસી સમાજમાં સવારે ચા નાસ્તો કરવામાં નથી આવતો. પરંતુ સવારે રાબડી પીવામાં આવે છે. જે સંપૂર્ણપણે પોષણયુક્ત આહાર માનવામાં આવે છે. આ રાબડીને ખાસ કરીને ખાખરના પાનમાં પડીયુ બનાવી પીવાની પરંપરા આજે પણ યથાવત છે. ખાખરનું પાન એકદમ ફ્લેક્સિબલ હોવાથી શંકુ આકારનું પાત્ર બની જતાં તેમાં રાબડી પીવાનો આનંદ અનેરો હોવાનો માનવામાં આવે છે.
ડોળીનું તેલ શરીરનું એન્જીન ઓઇલ
ત્યારે ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા આદિવાસી સંસ્કૃતિ સંશોધક સેજલ બેન રાઠવા જણાવે છે કે, આદિવાસી સમાજ દ્વારા મહુડાની ડોળી નો તેલ ઘર વપરાશ માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને તે પણ સમગ્ર પ્રોસેસ જાતે કરી અને તેલ કાઢવામાં આવે છે. ડોળીનું તેલ શરીર માટે એન્જીન ઓઇલ જેવું કામ કરે છે. જેથી ડોળીનું તેલ ખૂબ મહેનત મજૂરી કરવા છતાં સ્વસ્થ રહેતા આદિવાસી લોકોની તંદુરસ્તીનું રહસ્ય છે. ઘૂંટણના દુખાવા અને શરીર દુખાવા સામે ડોળીનું તેલ રામબાણ છે. જેથી હાલમાં પણ કેટલાક લોકો ડોળીના તેલનો જ તમામ વાનગી બનાવવા માટે ઉપયોગ કરે છે.
બિલકુલ દેશી પદ્ધતિ
આ સાથે જ્યારે પણ વાર તહેવારે અડદની દાળના ઢેબરા બનાવવામાં આવે છે. તેને બનાવવાની પ્રક્રિયા ઘણી મહેનત વાળી હોય છે. છતાં આદિવાસી મહિલાઓ હોશે હોશે બિલકુલ દેશી પદ્ધતિથી આખી રાત પલાળીને રાખેલી દાળને પથ્થર ઉપર લસોટીને ઢેબરા બનાવવામાં પાછી પાની કરતી નથી.
મુખ્ય ખોરાક મકાઈ અને ડાંગર
આ ખાસ વાનગી ઢેબરાની વાતો તેના સ્વાદને લઇ દૂર દૂર સુધી વહેતી થઈ છે. ત્યારે ઢેબરાનો સ્વાદ માણવા માટે દૂર દૂરથી સહેલાણીઓ આ વિસ્તારમાં આવતા હોવાનું પણ નોંધાવામાં આવ્યું છે. આદિવાસી સમાજના લોકોનો ખડતલ શારીરિક બાંધો હોવા પાછળનું ના કારણોમાંનું એક કારણ તેઓની ખાણી પીણીને પણ માનવામાં આવે છે. આ સાથે જિલ્લાના આદિવાસીઓનો મુખ્ય ખોરાક મકાઈ અને ડાંગરનો રોટલો અને અડદની દાળ માનવામાં આવે છે.
અહેવાલ - તૌફીક શેખ, છોટાઉદેપુર
આ પણ વાંચો -- Pride : બહેન તક્ષશિલા કાંડમાં ગુમાવી પણ યુવકે…….