BHARUCH : પત્નીને ડરાવવા નકલી સસ્પેન્શન લેટર બનાવનાર કોન્સ્ટેબલ જેલભેગો
BHARUCH : ભરૂચ (BHARUCH) ના હેડ ક્વાર્ટર ખાતે રહેતા અને લોકરક્ષક પોલીસ કર્મી તરીકે ફરજ નિભાવનારે પોતાની પત્નીને ડરાવવા માટે એસપીના સહી વાળો બોગસ સસ્પેન્ડ લેટર બનાવી પત્નીને સાચા તરીકે મોકલી ગુનો કર્યો હોવાનો ભાંડો ફુટ્યો હતો. ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં નકલી લેટર બનાવનાર પોલીસ કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ કરી તેને સસ્પેન્ડ કરવાની કવાયત કરવામાં આવી હોવાની માહિતી સામે આવી ગઈ છે.
પીડીએફ પત્નીને મોકલી
ભરૂચમાં સિનિયર ક્લાર્ક પોલીસ અધિક્ષક કચેરી કાળી તલાવડીમાં ફરજ નિભાવતા કે.ડી પટેલે ભરૂચ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે, 14/6/2024 થી લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ મહેશકુમાર અરશીભાઈ સોલંકી બકલ નંબર 0276 વિરુદ્ધની પ્રાથમિક તપાસમાં નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક ભરૂચની કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ નિભાવે છે. અને મહેશ સોલંકીને તેમની ફરજ ઉપર ફાળવેલ કોમ્પ્યુટર પર તારીખ 2 /6/2024 ના રોજ મહેશ સોલંકીએ જાતે કોમ્પ્યુટરઈઝડ કરી પ્રિન્ટ કાઢી ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકના હોદ્દા નીચે મયુર ચાવડા પોલીસ સુપ્રીન્ટેડની સહી કરી હતી. અને પોતાના મોબાઈલમાંથી તેની પત્ની પીન્ટુબેન હરિભાઈ ગોહિલ કે જેઓ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં વુમન પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેની સાથે ઝઘડો થતો હોવાના કારણે તેણીને ડરાવવા માટે ભરૂચમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મહેશ સોલંકીએ પોતે સસ્પેન્ડ થયેલો હોય તેવું બતાવવા માટે પોલીસ અધિક્ષકની ખોટી સહી વાળો ખોટો હુકમ સસ્પેન્ડ પત્ર તૈયાર કરી પીડીએફ બનાવી પત્નીના મોબાઈલ નંબર ઉપર સાચા તરીકે મોકલી ગુનો કર્યો હોવાની કબુલાત કરી હતી.
ધરપકડ કરી
સમગ્ર પ્રકરણમાં બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ સામે આઇપીસીની કલમ 465,468,471,201 મુજબ ગુનો દાખલ કરી લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ મહેશ સોલંકીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે
પત્નીને ડરાવવા ખોટો સસ્પેન્ડ લેટર બનાવો પોલીસ કોન્સ્ટેબલે ભારે પડ્યો..
ઘણી વખત પોતાની બુદ્ધિ ચલાવવામાં બુદ્ધિનું પ્રદર્શન નીકળી જતું હોય છે આવો જે કિસ્સો ભરૂચ જિલ્લા પોલીસ વિભાગમાંથી સામે આવ્યો છે જેમાં પોલીસ કોન્સ્ટેબલે પોતાની પત્નીને ડરાવવા માટે નકલી એસપીની સહી વાળો ફરજ મોકૂફીનો લેટર બનાવી પત્નીને મોકલતા જ સમગ્ર મામલો સામે આવતા આખરે પત્નીને ડરાવવાની જગ્યાએ પોલીસ કોન્સ્ટેબલ જ ડરીને કાયદાની ચુગલમાં આવી ગયો છે
હવે નકલી સસ્પેન્ડ લેટર કાંડ..?
સંખ્યાબંધ નકલી સરકારી કચેરી નકલી ટોલનાકુ નકલી અધિકારીઓ અને ઘણું બધું નકલી આવ્યા બાદ હવે પોલીસ કર્મી નકલી સસ્પેન્ડ લેટર બનાવવાનો મામલો સામે આવ્યો છે ત્યારે ક્યાં સુધી નકલી નકલી નકલી ચાલશે પરંતુ હાલ તો નકલી સસ્પેન્ડ લેટર બનાવનાર પોલીસ કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ
આ પણ વાંચો -- VADODARA : લોકોએ પાલિકા અને હાઉસિંગ બોર્ડના અધિકારીઓને ભગાડ્યા