Gujarat : ટીમ ATSના 20 અધિકારીઓને મળ્યો યુનિયન હોમ મિનિસ્ટર સ્પેશ્યલ ઓપરેશન મેડલ
Gujarat ATS ની કામગીરીની વાત કરવા બેસીએ તો દિવસો નીકળી જાય તેમ છે. રાજ્યના બે IPS સહિત કુલ 20 અધિકારીઓ માટે આજનો દિવસ યાદગાર બની રહેશે. પાકિસ્તાન-અફઘાનિસ્તાનની આંતરરાષ્ટ્રીય ડ્ર્ગ સિન્ડીકેટ (International Drug Syndicate) નો પર્દાફાશ કરી રૂપિયા 1230 કરોડના માદક દ્રવ્યો અને આરોપીઓને પકડવા ટીમ ATS એ દિવસ-રાતના ઉજાગરા કરી ઓપરેશન પાર પાડ્યું હતું. ગુજરાતના મધ દરિયેથી શરૂ થયેલું ઓપરેશન દિલ્હી (Delhi) ના મુઝફ્ફરનગર સુધી પહોંચ્યું હતું. ગુજરાત એટીએસને ત્રણ વર્ષમાં બીજી વખત યુનિયન હોમ મિનિસ્ટર સ્પેશ્યલ ઓપરેશન મેડલ (Union Home Minister Special Operation Medal) એનાયત કરાયો છે. આ વર્ષે IPS થી લઈને ASI સુધીના 20 અધિકારીઓને મેડલ એનાયત કરવાની જાહેરાત કરાઈ છે.
શું હતું ઓપરેશન ? : "અલ-હજ" બોટમાં પાકિસ્તાનથી હેરોઈનનો મોટો જથ્થો ભારતમાં ઘૂસાડવામાં આવી રહ્યો છે તેવી બાતમી ATS ના તત્કાલિન DySP બી. પી. રોજિયાને મળી હતી. જે માહિતી અંગે DIG દિપન ભદ્રન સાથે ચર્ચા કરવામાં આવતા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. હેરોઈનનો જથ્થો દરિયાઈ માર્ગે આવી રહ્યો હોવાથી ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) નો સંપર્ક કરવામાં આવ્યો અને તેમની મદદથી વર્ષ 2022ની તારીખે 24 એપ્રિલની રાતે જખૌ પાસે દરિયામાં બોટને આંતરી 56 કિલો હેરોઈન જપ્ત કરાયું હતું. 9 પાકિસ્તાનીઓની ATS ટીમે ગુનો નોંધી ધરપકડ કરી. હેરોઈનનું કન્સાઈનમેન્ટ (Consignment of Heroin) મેળવનારા શખ્સોના નામ સામે આવતા SP સુનિલ જોષી DySP એચ. એન. ઉપાધ્યાયની આગેવાનીમાં રાઝી હૈદર અને અવતારસિંગ ઉર્ફે સન્નીને પકડવા NCB ની મદદ લેવામાં આવી. ATS ની ટીમે રાઝી હૈદર, અવતાર ઉર્ફે સન્ની અને મોહમ્મદ ઈમરાનને પકડી લઈ 35 કિલો હેરોઈન કબજે કર્યું. તપાસ દરમિયાન જાણકારી મળી કે, રાઝી હૈદરની મુઝફ્ફરનગર ખાતે રહેતી બહેનના રહેઠાણ પરિસરમાં પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. જેના આધારે ATS ની એક અન્ય ટીમે દિલ્હી સ્પેશ્યલ ઓપરેશન ટીમ (Delhi Special Operation Team) ની મદદથી ડ્રગ્સ જપ્ત કર્યું હતું. સમગ્ર ઓપરેશન દરમિયાન 246 કિલો હેરોઈન અને 55 કિલો અન્ય પ્રતિબંધિત કેમિકલ કુલ કિંમત રૂપિયા 1230 કરોડનું કબજે લેવાયું હતું.
કોને-કોને મળ્યો છે મેડલ ? : DIG દિપન ભદ્રન (Deepan Bhadran IPS) SP સુનિલ જોષી (Sunil Joshi IPS) ડીવાયએસપી બળવંતસિંહ એચ. ચાવડા (DySP B H Chavda) ડીવાયએસપી ભાવેશ પી. રોજિયા (DySP B P Rojiya) ડીવાયએસપી હર્ષ એન. ઉપાધ્યાય (DySP H N Upadhyay) પીઆઈ વિષ્ણુકુમાર બી. પટેલ (P.I. V. B. Patel) પીઆઈ સંજયકુમાર એન. પરમાર (PI S N Parmar) પીઆઈ જતિનકુમાર એમ. પટેલ (PI J M Patel) પીઆઈ જયેશ એન. ચાવડા (PI J N Chavda) પીઆઈ હસમુખભાઈ કે. ભરવાડ (PI H K Bharvad) પીઆઈ મુકેશકુમાર ચેલાભાઈ ચૌધરી (PI M C Chaudhari) પીએસઆઈ ભીખાભાઈ એચ કોરોટ (PSI B H Korot) પીએસઆઈ રવિરાજસિંહ બી. રાણા (PSI R B Rana) પીએસઆઈ કોમલ આર. વ્યાસ (PSI K. R. Vyas) પીએસઆઈ અનિલકુમાર ઢાકા (PSI A K Dhaka) વાયરલેસ પીએસઆઈ ક્રિપાલ પી. ગોલેતર (PWSI K P Goletar) દિપતેશ એસ. ચૌધરી (PWSI D S Chaudhari) રૂપલબહેન આર. રાઠોડ (PWSI R. R. Rathod) મૃણાલ એન. શાહ (PWSI M N Shah) અને એએસઆઈ અનિલ ચઢા (ASI Anil Chadha) નો સમાવેશ થાય છે.
અગાઉ પણ ATS ને મળ્યો છે મેડલ : જાન્યુઆરી-2020માં ગુજરાત ATS ને સેન્ટ્રલ આઈબી (Central IB) તરફથી આઈએસઆઈએસ મોડ્યુલ (ISIS Module) ના 3 આતંકી બેંગ્લોરથી ગુજરાતમાં પ્રવેશ્યા હોવાની માહિતી મળે છે. અધૂરા નામવાળી માહિતી હોવા છતાં ATS ના તત્કાલિન DIG હિમાંશુ શુકલા (Himanshu Shukla IPS), SP ઈમ્તિયાઝ શેખ (Imtiyaz Shaikh IPS) ડીવાયએસપી કે. કે. પટેલ (DySP K K Patel) પીઆઈ વી. આર. મલ્હોત્રા (PI V R Malhotra) અને પીએસઆઈ ખેતાન ભુવા (PSI Khetan Bhuva) એ વડોદરાના ગોરવા વિસ્તારમાં ઓપરેશન પ્લાન કર્યું હતું. ત્રણ દિવસની મહેનત બાદ કોઈપણ જાનહાની વિના ISIS મોડ્યુલ માટે કામ કરતો તામિલનાડુનો ઝફર નામનો આતંકી ઝબ્બે કરી લેવાયો હતો. અત્રે નોંધનીય છે કે, ઝફરના બે ફરાર સાગરિતોએ તામિલનાડુ-કેરળની હદ પર એક ઈન્સ્પેક્ટરની હત્યા કરી નાંખી હતી. ઝફર નામના આતંકીને ઝડપી લેવા બદલ તારીખ 31 ઓક્ટોબર 2020ના રોજ ATS ના 5 અધિકારીઓને યુનિયન હોમ મિનિસ્ટર સ્પેશ્યલ ઓપરેશન મેડલ એનાયત કરાયો હતો.
ઓપરેશનના એવોર્ડનું કેવી રીતે મૂલ્યાંકન થાય છે ? : દેશભરની એજન્સીઓ અને જુદાજુદા રાજ્યોની પોલીસ દ્ધારા કરવામાં આવેલી કામગીરીને ધ્યાને લઈને એવોર્ડ નક્કી થાય છે. મેડલની શરૂઆત 2018માં શરૂ કરાઈ છે. આ પુરસ્કાર આતંકવાદ વિરોધી, સરહદી કામગીરી, શસ્ત્ર નિયંત્રણ, માદક દ્રવ્યોની હેરાફેરી અને બચાવ કામગીરી જેવા ક્ષેત્રોમાં હાથ ધરવામાં આવેલી વિશેષ કામગીરી માટે આપવામાં આવે છે. નોંધનીય છે કે દર વર્ષે 31 ઓક્ટોબરે તેની જાહેરાત કરવામાં આવે છે. એક વર્ષમાં પુરસ્કાર માટે સામાન્ય રીતે ત્રણ સ્પેશિયલ ઓપરેશન્સ ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે અસાધારણ સંજોગોમાં પાંચ સ્પેશિયલ ઓપરેશન્સ સુધી એવોર્ડ આપવામાં આવી શકે છે. આ વર્ષે CRPF ના 51, NIA ના 09, એનસીબીના 14, આંધ્રપ્રદેશ પોલીસના 12, આસામ પોલીસના 5, ગુજરાત પોલીસના 20, ઝારખંડ પોલીસના 16 અને મધ્યપ્રદેશ પોલીસના 21 અધિકારીઓને પુરસ્કાર આપવામાં આવ્યા છે. આ સાથે તમિલનાડુ, તેલંગણા અને ઉત્તરાખંડ સહિત અન્ય કેટલાક રાજ્યોના પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો -તોડકાંડની તપાસના સૂત્રધાર IG મોથલિયાને કોણ છાવરે છે ?